નવી દિલ્હી: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના જૂથને અસલ શિવસેના પક્ષ તરીકે માન્યતા આપવા અને ધનુષ્યબાણનું ચૂંટણી ચિહ્ન પણ શિંદેને સોંપવાના ચૂંટણી પંચના નિર્ણય પર સ્થગન આદેશ આપવાનો સર્વોચ્ચ અદાલતે બુધવારે ઇનકાર કર્યો હતો. ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીની સુનાવણીમાં ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ, જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે શિંદે જૂથને નોટિસ આપી હતી. બુધવારે ઉદ્ધવ ઠાકરના વકીલ સિનિયર ઍડવૉકેટ કપિલ સિબલની દલીલો સાંભળ્યા બાદ એ બાબતે જવાબ રજૂ કરવા એકનાથ શિંદે જૂથને અદાલતે નોટિસ આપી હતી. શિંદે જૂથના વકીલે જણાવ્યું હતું કે શિંદે જૂથ વિધાનસભામાં ઉદ્ધવ જૂથના ધારાસભ્યો માટે વ્હીપ બહાર નહીં પાડે કે એ વિધાનસભ્યોને સભ્યપદ
માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી શરૂ નહીં કરે. એ વખતે અદાલતે શિંદે જૂથને નોટિસ આપીને બે અઠવાડિયાંમાં કાઉન્ટર ઍફિડેવિટ માગવાનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતની બેન્ચે પક્ષાંતર બદલ શિંદે જૂથના વિધાનસભ્યોને ગૃહના સભ્યપદ માટે ગેરલાયક ઠેરવવાની અગાઉની અનિર્ણીત અરજીની સુનાવણી કરીને નિર્ણય લેવાનો ઉદ્ધવ ઠાકરે જૂથનો અનુરોધ સ્વીકાર્યો નહોતો. બેન્ચે જણાવ્યું હતું કે એ બાબતમાં સ્પીકરની ભૂમિકાની ગંભીર અસરો હોય એવી ધારણા આપણે રાખી ન શકીએ. બેન્ચે શિંદે જૂથને નોટિસ આપવાનું
જણાવવા સાથે બેન્ચે શિંદે જૂથને અસલ શિવસેના તરીકે માન્યતા આપતા ચૂંટણી પંચના નિર્ણય પર સ્થગન આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયમૂર્તિઓએ ઉદ્ધવ જૂથની અરજીની સુનાવણી બાબતે જણાવ્યું હતું કે સામા પક્ષને સાંભળ્યા વગર આગળ ન વધી શકાય. તેથી શિંદે જૂથના જવાબની ઍફિડેવિટ માગવામાં આવી છે. મંગળવારે સર્વોચ્ચ અદાલત ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીની સુનાવણી માટે સંમત થઈ હતી. ચૂંટણી પંચે શિંદે જૂથને અસલ શિવસેના તરીકે માન્યતા આપવા ઉપરાંત પક્ષનું ચૂંટણી પ્રતિક ધનુષ્યબાણ પણ ફાળવ્યું હતું. (એજન્સી)