અમુક કેસમાં ડિવોર્સ માટે છ મહિના રાહ જોવી નહિ પડે
નવી દિલ્હી: ડિવોર્સનો મામલો સુપ્રીમ કોર્ટમાં હોય તો પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માટે છ મહિના રાહ જોવી નહિ પડે. લગ્નસંબંધમાં સાંધી ન શકાય એવી તડ પડી હોવાની ખાતરી થયા પછી સુપ્રીમ કોર્ટ ‘તાત્કાલિક’ છૂટાછેડા આપી શકે એમ હોવાનું સોમવારે જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ એ.એસ.ઓકા, જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.કે. માહેશ્ર્વરીની બેન્ચે જણાવ્યું હતું.
છૂટાછેડા માટે સંબધિત પક્ષો ફેમિલી કોર્ટ્સમાં અરજી કરી શકે છે, પરંતુ ત્યાં અદાલતે એક જ પ્રકારના ઘણા કેસનો નિકાલ કરવાનો રહેતો હોવાથી લાંબો વખત રાહ જોવી પડે છે. કેટલીક શરતોને આધીન રહીને છૂટાછેડા માટે હિન્દુ મેરેજ ઍક્ટની કલમ ૧૩-બી હેઠળ છ મહિનાની પ્રતિક્ષાની જોગવાઈ પણ પડતી મૂકી શકાય છે. બેન્ચે જણાવ્યું હતું કે બંધારણની ૧૪૨મી કલમ હેઠળ સર્વોચ્ચ અદાલતને છૂટાછેડા આપવાની સત્તા પ્રાપ્ત હોવાથી એ રીતે ઝડપી નિર્ણય લેવાની શક્યતા ખુલ્લી રહે છે. ‘પૂર્ણ ન્યાય’ની દૃષ્ટિએ આવી સત્તા સર્વોચ્ચ અદાલતને બંધારણે સોંપી હોવાની વિગત નિર્વિવાદ છે.
છૂટાછેડા માટેની કેટલીક અરજીઓના અનુસંધાનમાં સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષની ૨૯ સપ્ટેમ્બરે દલીલો
સાંભળ્યા પછી ચુકાદો અનામત રાખ્યો હતો. એ વખતે અદાલતે જણાવ્યું હતું કે સામાજિક પરિવર્તનોમાં સમય લાગે છે. કેટલીક વખત કોઈ વિષયનો કાયદો ઘડવાનું કામ સહેલું હોય છે, પરંતુ સમાજને એ પરિવર્તનને અપનાવતાં સમય લાગે છે.
છૂટાછેડા માટેની અરજીઓની વિચારણા જોડે સર્વોચ્ચ અદાલતની બેન્ચે બંધારણની ૧૪૨મી કલમ હેઠળ અદાલતની દૃષ્ટિએ સાવ ભાંગી પડેલાં અને એકાદ પક્ષ છૂટાછેડામાં વિરોધ કરતો હોય, એવાં લગ્નોની બાબતમાં ‘તાત્કાલિક’ નિર્ણય લેવાની સત્તા અબાધિત છે કે નહિ તેની પણ વિચારણા કરી હતી. આ સંદર્ભે બે સવાલો ઊભા હતા. એક સવાલ બંધારણની ૧૪૨મી કલમ હેઠળ આવું અધિકારક્ષેત્ર ઉપસ્થિત ન હોવું જોઇએ કે કેમ? એવો હતો. બીજો સવાલ દરેક કેસની હકીકતોને આધારે આવી કાર્યવાહીનો વિકલ્પ ખુલ્લો રાખવો કે નહિ એવો હતો. આ બે સવાલો બંધારણીય બેન્ચને વિચારણા માટે સોંપાયા હતા.
ગયા વર્ષની ૨૦ સપ્ટેમ્બરે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અદાલતની દૃષ્ટિએ લગ્નસંબંધ સાંધી ન શકાય એ હદે તૂટી ગયો હોવાની અદાલતને ખાતરી થઈ હોય અને એકાદ પક્ષને શરતો માન્ય ન હોય, એ સંજોગોમાં બંધારણની ૧૪૨મી કલમ હેઠળ સર્વોચ્ચ અદાલતને પ્રાપ્ત ‘પૂર્ણ સત્તા’ અબાધિત છે કે નહિ એ સવાલની વિચારણા આવશ્યક હોવાનું અમે માનતા નથી. (એજન્સી)