બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ
એક શહેર હતું. તેમાં એક ચર્ચ હતું. તેના પાદરી દરરોજ ૪ વાગ્યે વ્યાખ્યાન આપે. તે વખતે પાદરીની પાળેલી બિલાડી ત્યાં સભામાં આવે અને મ્યાઉં, મ્યાઉં કરીને અવાજ કરે અને વ્યાખ્યાન ચાલતું હોય તેમાં ખલેલ પહોંચાડે. તેથી પાદરીએ વ્યાખ્યાન સાંભળવા આવતાં સભાસદોને કહ્યું કે બિલાડીને કટોરામાં દૂધ લાવી તેને સમક્ષ મુકો એટલે બિલાડી દૂધ પીશે અને મ્યાંઉં, મ્યાંઉ કરી વ્યાખ્યાનમાં ખલેલ નહીં પહોંચાડે. તેથી સભાસદોએ એમ કર્યું. બિલાડીએ દૂધ પીધું અને પછી ચાલી ગઇ. દરરોજનો આ ક્રમ થયો.
પછી પાદરીનું મૃત્યુ થયું અને નવા પાદરી વ્યાખ્યાન કરવા આવ્યા. તેમને તો શરૂ કર્યું તો સભાસદો કહે પાદરીજી, પાદરીજી તમે વ્યાખ્યાન શરૂ નહીં કરો. હજુ બિલાડી આવી નથી અને તેેને દૂધ પીવડાવ્યું નથી, એ પહેલાં વ્યાખ્યાન શરૂ કેવી રીતે થઇ શકે? પછી બિલાડી આવી, તેની સમક્ષ દૂધનો કટોરો મુક્યો. સભાસદો કહે પાદરજી હવે તમે તમારે વ્યાખ્યાન શરૂ કરો. નવા પાદરીને આ વિચિત્ર લાગ્યું. પણ તેઓ સભાસદોને રાજી રાખવા કાંઇ બોલ્યા નહીં અને ક્રમ ચાલુ રહ્યો.
એમ એમ કરતા એક દિવસ બિલાડીનું મૃત્યુ થઇ ગયું. તે દિવસે ૪ વાગ્યે કથા શરૂ કરવા પાદરીજી આવ્યા, તો લોકો કહે, પાદરીજી, પાદરીજી હમણાં કથા શરૂ નહીં કરતાં, આપણી બિલાડી મૃત્યુ પામી છે. ગામમાંથી બીજી બિલાડી ગોતવા સભાસદો ગયા છે, આવશે એટલે બિલ્લી દૂધ પીવે પછી વ્યાખ્યાન શરૂ કરજો. આ બધી અંધશ્રદ્ધા હતી. વ્યાખ્યાનને અને બિલ્લીને દૂધ પીવડાવવાના કાર્યને કાંઇ સંબંધ નથી. એ તો બિલ્લી અવાજ કરી વ્યાખ્યાનમાં ખલેલ ન પહોંચાડે માટે પાદરીએ બિલાડીને દૂધ પાવાનું સૂચન કર્યું હતું. કાર્યનો હેતુ સમજયા વગર અંધશ્રદ્ધાળુ શ્રોતાજનો કથા ત્યારે જ થઇ શકે જ્યારે બિલાડીને દૂધ પીવડાવવામાં આવે તેમ માનવા લાગ્યા.
આપણા લોકોમાં અંધશ્રદ્ધાનો પાર નથી. એક જણ એક પથ્થરને પગે લાગે, પછી બીજો પણ તે પથ્થરને પગે લાગે, પછી ત્રીજો પણ તે પથ્થરને પગે લાગે, પછી લાંબી લાઇન થઇ જાય. પછી ત્યાં નાની દેરી થાય, પછી મંદિર થાય. પછી મોટું મંદિર થાય, રસ્તા વચ્ચે પણ મંદિર થઇ જાય. ઘણાં ખરાં મંદિરો આપણા દેશમાં આમ જ બન્યાં છે. લોકો વળી તે પથ્થરને સ્વયંભૂ ભગવાનનું મંદિર કહે. શ્રદ્ધા એક અલગ જ વસ્તું છે. પથ્થરમાં શ્રદ્ધા રાખો તો તે ભગવાન બને છે તે સાચું પણ અંધશ્રદ્ધા ખોટી. આ હનુમાનજીના મંદિરે જઇએ તો તમારું કામ સિદ્ધ થાય છે. એનો પ્રચાર થાય, સાધુબાવાઓ પણ તેવો પ્રચાર કરે. અરે ભાઇ, હનુમાનજી ગમે ત્યાં હોય તે તમે સાચા હો તો તમારું કામ કરે જ છે, નહીં કે અમુક હનુમાનજી. હનુમાનજી એક જ છે.
થોડા લોકોને ભગવાન પાસે કાંઇક કામ કરાવવું હોય તો શંકર ભગવાનના મંદિરે જાય. છ મહિના જાય અને તેમનું કામ થયું ન હોય તો પછી હનુમાનજીના મંદિરે જાય. છ મહિના જાય અને તેમનું કામ ન થાય તો મેલ હનુમાનજીને પડતા અને અંબાજીના મંદિરે જાય. આ બધી અંધશ્રદ્ધા છે. તમારું કામ તો તમારા પ્રયત્નોથી જ થાય. ભગવાન તમારા આવા કામ કરવા બેઠો નથી. ભગવાનના મંદિરે તો મનને શુદ્ધ કરવા જવાનું હોય માગવા નહીં. સુપ્રીમ પાવરની જે આ બ્રહ્માંડમાં લીલા ચાલે છે તેની અનુભૂતિ કરવાની હોય. આપણાં મંદિરોની અંદર પણ માણસો બેઠાં હોય છે અને બહાર પણ માણસો બેઠાં રહે છે. ઇશ્ર્વર સર્વવ્યાપી છે, તે તમારું દુ:ખ જાણે જ છે. તેમની પાસે માગવાની જરૂર જ નથી. મંદિરે જવું એટલે માગવા જવાનું ન હોય, મંદિરે આપણામાં આધ્યાત્મિકતા વધે માટે જવાનું હોય.
૧૬૧૦માં ગેલિલિયોએ પોતાના નાના દૂરબીનમાંથી શનિના પ્રથમવાર દર્શન કર્યાં તેને શનિના દર્શન કરતા, શનિના ગોળાના વિષુવવૃત્ત પાસે ફૂલેલો ભાગ જોયો. તેને ખબર ન પડી. તેથી તે બબડ્યો કે શનિને બે કાન છે. પછી તે તેના દૂરબીનને ઝાપટવા લાગ્યો. હકીકતમાં શનિના વલયો જોઇ રહ્યો હતો. પણ તેનું દૂરબીન નાનું હતું. તેથી તે તેને રીઝોલ્વડ ન હતો કરી શક્યો. પછી ૧૬૫૬માં થોડા મોટા ટેલિસ્કોપથી પેરિસ વેધશાળાના ક્રિશ્ર્ચન હોમગન્સે શનિનો અભ્યાસ કર્યો, નિરીક્ષણ કર્યું તો તેણે જોયું કે શનિનો ગોળો છે અને તેની ફરતો વલય છે. અને શનિના ગોળા અને વલય વચ્ચે જગ્યા છે. ત્યારે એમ મનાતું કે શનિનું વલય એંઢોણી (ટાયર) જેવું છે પણ પછી પેરિસ વેધશાળાના ડિરેક્ટર કસીનીએ હોમગન્સે શોધેલ વલયનું ખૂબ જ બારીકાઇથી નિરીક્ષણ કર્યું અને દર્શાવ્યું કે શનિના વલયમાં ખાસી જગ્યા છે. એટલે કે શનિને બે વલયો છે. આ ખાલી જગ્યાને કસીનીના માનમાં શનિનાં વલયોમાં ‘કસીની ગેપ’ કહે છે. પછી કર્કચૂડ નામના ખગોળ નિરીક્ષકે શનિનાં વલયોનો અભ્યાસ કરી દર્શાવ્યું કે શનિનાં વલયોમાં વધુ એક ખાલી જગ્યા છે. તેને ‘કર્કવુડ ગેપ’કહે છે. આમ શનિના ત્રણ વલયો થયાં…
મેં ૧૯૭૬માં ડૉ.અરવિંદ ભટનાગર અને ડૉ. જયંત નારલીકરના સુપર વિઝનમાં સૂર્યમંડળ વિશે એક થિયરી આપી અને દર્શાવ્યું કે શનિને તેનાં ત્રણ વલયો ઉપરાંત, એ ત્રણ વલયોની બહાર એક ચોથું વલય છે. આ દૂરબીન વડે નિરક્ષારેલું શનિનું ચોથું વલય ન હતું પણ થિયરીએ દર્શાવેલું શનિનું બહારનું ચોથું વલય હતું જે શનિના કેન્દ્રથી ૧,૫૦,૦૦૦ કિ. મી. દૂર હતું. આ સંશોધન ઇન્ટરનૅશનલ જર્નલમાં પ્રકાશિત થયું.
મારી થિયરીનું ચિત્રીકરણ કરવા મેં ૩’ડ્ઢ૫’ શનિનું એક ચિત્ર કલાકાર પાસે કરાવરાવ્યું. જેમાં મારી થિયરીએ દર્શાવેલા શનિનું ચોથું વલય દર્શાવવામાં આવ્યું હતું. આ બધુ કુતૂહલવસાત કરેલું. આ ચિત્ર પછી મારી કેબિનમાં મારી ખુરશીની નજીકની દીવાલમાં લગાવડાવ્યું.
મારી કેબિનમાં અમુક લોકો પ્રવેશે તેઓ બોલી ઉઠતાં, હાય, હાય રાવલ સાહેબ તમારા માથે શનિ છે. તમને તે ભારે પડશે. હું તેમને કહેતો શનિ દેવતા કોઇને પણ ભારે પડતા નથી. જોકે એ થિયરી પર આધારિત કાલ્પનિક ચિત્ર હતું. પણ જોવાનું એ છે કે ૧૯૭૬માં નાસાએ પાયોનિયર ૧૧ નામનું એક અંતરિક્ષયાન શનિના અભ્યાસ અને નિરીક્ષણ માટે મોકલ્યું. તે ૧૯૭૯મા સપ્ટેમ્બર મહિનામાં શનિ પાસે પહોંચ્યું. તેને શનિ અને તેની આજુબાજુના વલયોનાં ફોટા લઇને દર્શાવ્યું કે શનિનાં જાણીતાં ત્રણ વલયોની બહાર જે. જે. રાવલે દર્શાવેલ ચોથું વલય પણ શનિને કેન્દ્રથી ૧,૪૯,૦૦૦ કિ. મી. ના અંતરે
અસ્તિત્વ ધરાવે છે. કહેવાનું છે કે મારી કેબિનમાં પ્રવેશતા અંધશ્રદ્ધાળું મહાનુભાવો માનતા કે શનિનું વ્યૂઝ જે. જે. રાવલના માથે છે. માટે શનિ તેને ભારે પડશે, એમ ન થયું પણ મારી ઉપર તો શનિના આશીર્વાદ વર્ષ્યા કે મેં દર્શાવેલું તેનું ચોથું વલય શોધાયું.
પૂરા રાત્રિ-આકાશમાં જો સુંદરમાં સુંદર ગ્રહ હોય તો તે શનિ ગ્રહ છે. સરસ મઝાનો કાચના ગોળા જેવો તેનો ગોળો વચ્ચે જગ્યા અને પછી તેની ફરતે તેના કાચના સ્ફટીક્થી બનેલા હોય તેવાં વલયો તમે શનિને દૂરબીનમાં જોવો તો તમને ત્યાંથી ખસવાનું મન જ ન થાય.
શનિ પૃથ્વીના જેવો પદાર્થનો ગોળો છે. તે સૂર્યમાળામાં સૂર્યથી દોઢ અબજ કિ. મી. દૂર છે. તેથી ત્યાં ઠંડી ઘણી છે અને જેથી તેના ગોળા પર અને વલયોનાં ખડકો પર પાણી અને વાયુના બરફો જામી ગયાં છે. આ બરફો સૂર્યના પ્રકાશનું સુંદર પરાવર્તન કરે છે. તેથી આપણે તેને જોઇ શકીએ છીએ. શનિનાં વલયોમાં વિસ્તાર ૯૦,૦૦૦ કિ. મી. નો છે.
પૃથ્વી આપણને હેરાન કરે છે? નથી કરતી ને? આપણે તો તેની પર જીવી રહ્યાં છીએ. તેવી જ રીતે શનિ આમ કુલ સાડા સાત વર્ષ થાય. આ સમયને શનિની સાડા સાત વર્ષની પનોતી કહે છે. પનોતીના જીવનના ૩૦ વર્ષમાં શનિની પ્રથમ સાડા સાતી પનોતી આવે છે. જે વ્યક્તિ જીવે તો ૩૦ વર્ષ પછી બીજીવાર પનોતી લેશે. જોતે ૯૦ વર્ષ જીવે તો ત્રીજીવાર પનોતી આવે. આમ ૩૦ વર્ષમાં દરેક વ્યક્તિને આ પરિસ્થિતિ આવે આવે અને આવે જ. આમ આ પરિસ્થિતિને અંધશ્રદ્ધાળુ લોકોએ, જયોતિષમાં માનનારા લોકોએ શનિની સાડા-સાત વર્ષની પનોતી તરીકે વગોવી મારી છે. માટે પનોતી, પનોતી જેવું કાંઇ જ નથી. પનોતી નડે છે એવી બધી અંધશ્રદ્ધા છે.