બી-ટાઉનનો ફેમસ દેઓલ પરિવારમાં ટૂંક સમયમાં શરણાઇના સૂર રેલાવાના છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા સની દેઓલના મોટા પુત્ર કરણ દેઓલ ટૂંક સમયમાં તેની મંગેતર સાથે લગ્નના બંધનમાં બંધાશે. થોડા દિવસો પહેલા કરણની સગાઈના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા હતા. હવે તેમના લગ્નની તારીખ પણ સામે આવી ગઈ છે. કરણ દેઓલે થોડા મહિના પહેલા તેની પ્રેમિકા દ્રિષા આચાર્ય સાથે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હતી. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ કરણે તેના દાદા દાદી ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરની લગ્નની વર્ષગાંઠ પર દ્રિષા આચાર્ય નામની છોકરી સાથે સગાઈ કરી હતી. કરણ અને દ્રિષા બાળપણના મિત્રો હતા.
હવે કરણ અને દ્રિષા આ વર્ષે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર કરણ અને દ્રિષાના લગ્નની વિધિ મુંબઈમાં 16 જૂનથી 18 જૂન સુધી થશે. બાંદ્રાની આલીશાન હોટેલ તાજ લેન્ડ્સ એન્ડમાં તેમના લગ્ન થશે. બંને 6 વર્ષથી કમિટેડ રિલેશનશિપમાં છે. આ વર્ષે દુબઈમાં વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યા બાદ આ કપલે 18 ફેબ્રુઆરીએ સગાઈ કરી લીધી હતી. પરિવારે તેની સગાઇ ખાનગી રાખવાનું નક્કી કર્યું હતું.
દ્રિષા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બિમલ રોયની પૌત્રી છે. તે દુબઈમાં રહે છે અને ટ્રાવેલ એજન્સીમાં મેનેજર તરીકે કામ કરે છે. તેના પિતા સુમિત બીસીડી ટ્રાવેલ્સ યુએઈના મેનેજિંગ ડિરેક્ટર છે અને તેની માતા વેડિંગ પ્લાનર અને સ્ટાઈલિશ છે. તેનો એક ભાઈ પણ છે, જેનું નામ રોહન આચાર્ય છે. દિશાની ઇન્સ્ટા પ્રોફાઇલ ખાનગી છે, જેમાં માત્ર 462 ફોલોઅર્સ છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો કરણ દેઓલે પિતાની જેમ બોલિવૂડમાં પગ મૂક્યો છે. 2019માં તેની ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ રિલીઝ થઇ હતી. કરણ હવે હોમ પ્રોડક્શન ‘અપને 2’માં જોવા મળશે.