Homeલાડકીક્રાંતિકારીઓનાં દીદી તરીકે જાણીતાં થયેલાં સુહાસિની ગાંગુલી

ક્રાંતિકારીઓનાં દીદી તરીકે જાણીતાં થયેલાં સુહાસિની ગાંગુલી

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

જીવનભર અપરિણીત રહીને આઝાદી આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર એ મહિલા ક્રાંતિકારીઓમાં ‘દીદી’ તરીકે જાણીતાં થયેલાં…કહો જોઉં, એ કોણ છે?
એમનું નામ સુહાસિની ગાંગુલી. જન્મ ૩ ફેબ્રુઆરી ૧૯૦૯ના ખુલનામાં થયો. અભ્યાસ ઢાકામાં. તેમનું પૈતૃક ઘર વિક્રમપુરના એક ગામમાં હતું. પણ નોકરી કોલકાતાની મૂકબધિર શાળામાં મળી. સુહાસિની કોલકાતા આવ્યાં અને જીવનને નવી દિશા મળી. કોલકાતા ક્રાંતિકારીઓનું શહેર હતું. અહીં પગ મૂકતાંની સાથે સુહાસિનીના જીવનનું ધ્યેય બદલાઈ ગયું. નોકરી દરમિયાન સુહાસિની એવી યુવતીઓના સંપર્કમાં આવ્યાં જે જીવસટોસટની બાજી ખેલીને અંગ્રેજી સામ્રાજ્યને ઉખાડી ફેંકવાના સ્વપ્ન નિહાળતી.
એમાંની એક યુવતી એ કમલા દાસગુપ્તા. એક હોસ્ટેલની વોર્ડન. તેની હોસ્ટેલમાં બોમ્બ બનતો અને દારૂગોળો પણ બનતો. હથિયારોની જવાબદારી ક્ધયાઓને માથે રહેતી. શસ્ત્રોની વડારણ કમલા દાસગુપ્તા અને પ્રીતિલતા વાદેદાર. ક્રાંતિકારી ક્ધયાઓ છાત્રી સંઘ ચલાવતી.
ચારેકોર ક્રાંતિકારી વાતાવરણ હોય ત્યારે સુહાસિની એનાથી અળગાં રહી શકે એ શક્ય જ નહોતું. પાણીમાં પડવું અને હાથપગ ન હલાવવાં એમ ન બને. વળી આ જ અરસામાં ખુલનાના ક્રાંતિકારી રસિકલાલ દાસના સંપર્કમાં આવ્યાં. એમનાથી પ્રેરાઈને સુહાસિની ગાંગુલી ક્રાંતિકારીઓના સૌથી વિશાળ સંગઠન યુગાંતર પાર્ટીમાં જોડાયાં. ક્રાંતિકારી હેમંત તરફદારના પ્રભાવમાં સુહાસિનીનાં ક્રાંતિકારી વિચાર વધુ બળવત્તર બન્યાં.
સુહાસિનીની વધતી સક્રિયતા અને ક્રાંતિકારી સાથેનું હળવું, મળવું ને ભળવું બ્રિટિશ પોલીસથી ઝાઝો સમય છૂપું ન રહ્યું. પોતે પોલીસની આંખે ચડી ગયા છે એનો અંદાજ સુહાસિની અને એમના સાથીઓને પણ આવી ગયેલો. તેમની પ્રત્યેક હિલચાલ પર પોલીસ ટાંપીને બેઠેલી. તેમના પર પળે પળે નજર રખાઈ રહેલી. સુહાસિની જ્યાં જ્યાં જતાં, પોલીસ એમનો પીછો કરતી. એનું પણ કારણ હતું. ચટગાંવ શસ્ત્રાગાર પર ક્રાંતિકારીઓએ હુમલો કર્યો એ પછી અંગ્રેજ સરકાર સાવધ થઇ ગયેલી. એને ખ્યાલ આવી ગયેલો કે બંગાળની તમામ કોલેજની ક્ધયાઓ અને મહિલાઓ પણ ક્રાંતિકારી સંગઠનો સાથે જોડાઈ ગઈ છે. ક્રાંતિકારીઓ પોતાના સંગઠનને વધુ ને વધુ મજબૂત કરવાના પ્રયાસો કરી રહેલા. પણ ચટગાંવ વિદ્રોહ પછી એમની મુશ્કેલીઓ વધી ગયેલી. લંડનમાં સમસ્યાઓથી ઘેરાય ત્યારે ક્રાંતિકારીઓ પેરિસની વાટ પકડતા, એમ કોલકાતામાં સંકટનાં વાદળો છવાતાં ક્રાંતિકારીઓ ચંદનનગર ચાલ્યા ગયા. સુહાસિની ગાંગુલી પણ ચંદનનગર પહોંચ્યાં. ત્યાં ક્રાંતિકારી શશીધર આચાર્યનાં પત્નીના વેશમાં રહેવા લાગ્યાં. એમને એક શાળામાં નોકરી પણ મળી ગઈ.
ક્રાંતિકારીઓ વચ્ચે સુહાસિની ‘દીદી’ તરીકે જાણીતાં થયાં. કોઈ પણ સમયે, કોઈની પણ, કોઈ પણ સમસ્યાના સમાધાન સાથે ઉપલબ્ધ રહેતાં દીદી. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનાં દુર્ગાભાભીની જેમ. ક્રાંતિકારીઓના નેટવર્ક અને સંગઠનનું પરદા પાછળથી સંચાલન કરવામાં સુહાસિનીની ભૂમિકા મહત્ત્વની હતી. તે કામ એવી રીતે પાર પાડતાં કે એમના પર સરળતાથી કોઈ શંકા ન કરી શકે.
સુહાસિની ગાંગુલીનું ઘર ક્રાંતિકારીઓનું ઠેકાણું બની ગયેલું. માદામ ભીખાઈજી કામાનું ઘર ક્યારેક વીર સાવરકરનું ઠેકાણું હતું એ જ રીતે. હેમંત તરફદાર, ગણેશ ઘોષ, જીવન ઘોષાલ, લોકનાથ બલ અને અન્ય ક્રાંતિકારીઓએ પોલીસથી બચવા સમયાંતરે સુહાસિનીને શરણે જવું પડેલું. ‘અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે ભલે કાયાના કટકા થાય’ના મંત્રમાં માનતાં સુહાસિનીએ ક્રાંતિકારીઓને આશ્રય આપવાનું જારી જ રાખ્યું. પણ આ બધું લાંબો સમય ન ચાલ્યું. એક દિવસ અંગ્રેજ પોલીસ ચંદનનગર પણ પહોંચી ગઈ. ક્રાંતિકારીઓને પકડવા જાળ બિછાવવા લાગી. એમાં સુહાસિની પણ ઝડપાયાં. સુહાસિનીના ઘર પર પોલીસે ઓચિંતો છાપો માર્યો. સામસામેની લડાઈમાં જીવન ઘોષાલ માર્યા ગયા. શશીધર આચાર્ય અને સુહાસિની ગાંગુલી પોલીસના હાથે પકડાયાં. ૧૯૩૮ સુધી તેમને હિજલી ડિટેન્શન કેમ્પમાં રખાયાં.
સુહાસિની મુક્ત થયાં ત્યારે એમણે જોયું કે યુગાંતર પાર્ટીના કેટલાક સભ્યો કૉંગ્રેસમાં અને કેટલાક સભ્યો કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાઈ ગયેલા. સહુએ પોતપોતાનો રસ્તો પસંદ કરેલો. સુહાસિની કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયાં. પણ ૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીએ ભાગ ન લીધો. સુહાસિનીનો મોહભંગ થયો. કોમ્યુનિસ્ટ પાર્ટીની વિચારધારા સાથે એ સંમત ન થઇ શક્યાં. આઝાદી આંદોલનમાં સક્રિયપણે ભૂમિકા ભજવી રહેલા હેમંત તરફદારની સહાયતા કરતી રહી. પોતે પણ ચોરીછૂપી આંદોલનમાં કામ કરતી રહી. જરૂર પડ્યે હેમંતને પોલીસથી બચાવવા શરણ પણ આપ્યું. પણ એ જ સુહાસિનીનો ગુનો ગણાયો. હેમંત તરફદારને આશ્રય આપવાના આરોપ હેઠળ અંગ્રેજ પોલીસે ૧૯૪૨માં જ સુહાસિનીની ધરપકડ કરીને એમને કારાવાસમાં ધકેલી દીધાં. ત્રણ વર્ષ બાદ, ૧૯૪૫માં સુહાસિની જેલમુક્ત થયાં, ત્યારે હેમંત તરફદાર ધનબાદના એક આશ્રમમાં રહેતા હતા. સુહાસિની પણ એ જ આશ્રમમાં રહેવાં લાગ્યાં.
ક્રાંતિકારી વિચારો ધરાવતાં સુહાસિની હવે આધ્યાત્મિક બની ગયેલાં. હંમેશાં ખાદીનાં વસ્ત્રો પહેરતાં. જોકે એમનું એકમાત્ર લક્ષ્ય તો દેશને આઝાદ કરાવવાનું જ હતું. સ્વતંત્રતાનાં સ્વપ્ન ખાતર એમણે ક્યારેય
પોતાના વિશે, પરણવા વિશે કે પરિવાર વિશે વિચાર્યું જ નહીં. કેમેરાથી પણ સુહાસિની દૂર જ રહેતાં. એમની એક જ છબી ઉપલબ્ધ છે. આશ્રમમાં તાડના વૃક્ષ હેઠળ ધ્યાન મુદ્રામાં, આંખ મીંચીને એ બેઠાં હશે ત્યારે કોઈએ ચૂપચાપ એ તસવીર ખેંચી હોય એવું જણાય છે. દરમિયાન ભારત દેશ આઝાદ થયો. સુહાસિનીએ સ્વપ્નને હકીકતમાં રૂપાંતરિત થયેલું જોયું. સત્તાની લાલસા નહોતી એમને. આઝાદી પછી સુહાસિનીએ આયખું આખું સામાજિક અને આધ્યાત્મિક કાર્યોમાં વિતાવી દીધું. જોકે પછીથી એ ગુમનામીની ગર્તામાં ખોવાઈ ગયાં.
માર્ચ ૧૯૬૫… સુહાસિની ક્યાંક જઈ રહેલાં, ત્યારે રસ્તામાં એમનો અકસ્માત થયો. કોલકાતાની પીજી હોસ્પિટલમાં એમને દાખલ કરાયાં. પણ બેક્ટેરિયલ ઇન્ફેકશનને કારણે ૨૩ માર્ચના તેમનું મૃત્યુ થયું. ૨૩ માર્ચ એટલે એ જ દિવસ જયારે ૧૯૩૧માં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીએ લટકાવી દેવામાં આવેલા… આ દેશપ્રેમી ત્રિપુટીની સ્મૃતિમાં દર વર્ષે ૨૩ માર્ચને ‘શહીદદિન’ તરીકે ઉજવવામાં આવે છે,પણ સુહાસિની ગાંગુલી કોઈને યાદ નથી. હવે પછી શહીદદિને સુહાસિનીનું પણ સ્મરણ કરીએ એ જ એમના દેશ પ્રત્યેના સમર્પણને સાચી અંજલિ ગણાશે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -