ગૃહયુદ્ધમાં સપડાયેલ સુદાનમાં સેના અને રેપીડ સપોર્ટ ફોર્સ કમાન્ડરો 72 કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયા છે. અમેરિકી વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને આ જાણકારી આપી છે. લગભગ 10 દિવસ લાંબી લડાઈ અને 400થી વધુ લોકોના મૃત્યુ બાદ યુદ્ધ વિરામ કરવામાં આવ્યો છે.
આ પહેલા પણ બંને પક્ષોમાં યુદ્ધવિરામ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો. બ્લિંકને જાહેરાત કરી કે 48 કલાકના વાટાઘાટો પછી, સુદાનના સશસ્ત્ર દળો અને રેપીડ સપોર્ટ ફોર્સ રાષ્ટ્રવ્યાપી યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ યુદ્ધવિરામ 24 એપ્રિલની મધ્યરાત્રિથી શરૂ થશે અને આગામી 72 કલાક સુધી લાગુ રહેશે.
કેન્દ્ર સરકારે સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ‘ઓપરેશન કાવેરી’ શરૂ કર્યું છે. યુદ્ધવિરામના અમલીકરણ સાથે, ભારત ટૂંક સમયમાં આ સુદાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાની કામગીરી શરૂ કરી શકે છે.
કોચીમાં યુવમ કોન્ક્લેવને સંબોધતા પીએમ મોદીએ પોતે કહ્યું હતું કે ‘સુદાનમાં ગૃહયુદ્ધને કારણે આપણા ઘણા લોકો ત્યાં ફસાઈ ગયા છે. તેથી અમે તેમને સુરક્ષિત લાવવા માટે ‘ઓપરેશન કાવેરી’ શરૂ કર્યું છે. કેરળના પુત્ર અને અમારી સરકારમાં પ્રધાન મુરલીધરન તેની દેખરેખ કરી રહ્યા છે.’
દેશમાં હિંસા, તણાવ અને અસુરક્ષિત એરપોર્ટના કારણે વિદેશી નાગરિકોને બહાર લાવવા મુશ્કેલ બની રહ્યું છે. દરમિયાન, અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) રાજધાની ખાર્તુમના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ફસાયેલા વિદેશી નાગરિકોમાં આશરે 3,000 ભારતીયોનો સમાવેશ થાય છે. ગોળી વાગવાથી એક ભારતીયનું મૃત્યુ થયું હતું.