ગુજરાત યુનિવર્સિટી દ્વારા અલગ માર્કશીટ ડિગ્રી વેરિફિકેશન સહિતની કામગીરી ખાનગી કંપનીને સોંપવામાં આવી છે અને તેની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને આજે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીનો ઘેરાવ કરીને વિરોધ કરવામાં આવ્યો છે. કાર્યકરોએ યુનિવર્સિટીનું ખાનગીકરણ બંધ કરીને ફી વધારો પાછો ખેંચવા માંગણી કરી છે. ગુજરાત યુનિવર્સિટીએ માર્કશીટ વેરિફિકેશન, ડિગ્રી વેરિફિકેશન માર્કશીટ ફી,માઇગ્રેશન ફી, પ્રોવિઝનલ સર્ટિફિકેટ ફી સહિતની ફીમાં 500થી 1000 ટકાનો વધારો કર્યો છે.
આ અંગેની કામગીરી પણ એક ખાનગી કંપનીને સોંપવામાં આવી છે. ખાનગી કંપનીને કામ સોંપવામાં આવતા જ અલગ અલગ ફીમાં 200થી 1000% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેનો વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ગઈકાલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફી વધારા મામલે વિરોધ કરીને કુલપતિને આવેદન આપી ફી વધારો પરત ખેંચવા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીમાં બંધ દરવાજે ધમપછાડા કરીને કાર્યકરો અંદર ઘૂસ્યા હતા. ત્યારબાદ કુલપતિની ઓફિસ બહાર પણ કાર્યકરોએ નારાબાજી કરીને વિરોધ કર્યો હતો. કુલપતિ હાજર ન હોવાથી રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી હતી. 48 કલાકમાં જ ફી વધારો પાછો ખેંચવાની માંગણી કરવામાં આવી હતી.