અમદાવાદના ઠક્કરબાપાનગરમાં આવેલી જાણીતી સ્કૂલમાંથી ધોરણ 9માં ભણતો માનવ નામનો વિદ્યાર્થી શુક્રવાર સવારથી ગુમ થયો છે. આ અંગે માનવનાં માતા-પિતાને જાણ થતાં માનવના ગુમ થવા માટે સ્કૂલની બેદરકારીને જવાબદાર ગણાવી હતી અને સ્કૂલમાં હોબાળો કર્યો હતો. આ ઘટનાને પગલે સ્કૂલ મેનેજમેન્ટ પણ દોડતું થયું છે જ્યારે વાલીઓનો આક્ષેપ છે કે સ્કૂલે યોગ્ય જવાબ આપવાની દરકાર પણ લીધી નથી.
સ્કૂલમાં લગાવેલા બે સીસીટીવી કેમેરામાં વિદ્યાર્થી સ્કૂલની બહાર જતો જોવા મળે છે, જેમાં પ્રથમ કેમેરામાં વિદ્યાર્થી સ્કૂલના એક બાકડા પર એકલો બેઠો છે, જેની થોડે દૂર અન્ય સ્કૂલનાં બાળકો પણ રમતાં નજરે પડે છે. તે સ્કૂલમાંથી ભાગવા માટે પોતાની નજર આજુબાજુમાં ફેરવતો પણ જોવા મળે છે.
એ બાદ તેની બાજુમાંથી એક વ્યક્તિ બહાર જતી જોવા મળે છે. ત્યાર બાદ વિદ્યાર્થી ઊભો થઈને બન્ને બાજુ જુએ છે અને કોઈનું ધ્યાન ન હોવાથી દોટ મૂકી બહાર જતો જોવા મળે છે. તો બીજા કેમેરામાં તે એકદમ ઝડપી દોડી મેઇન ગેટની બહાર જતો નજરે પડી રહ્યો છે. આ સમગ્ર ઘટના સ્કૂલના સીસીટીવીમાં કેદ થઈ છે.
પરિવારનો આક્ષેપ છે કે સ્કૂલની બેદરકારીને કારણે જ માનવ સ્કૂલમાંથી ભાગીને ગુમ થયો છે. આ અંગે સ્કૂલને પણ રજૂઆત કરી છતાં સ્કૂલ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
સ્કૂલના મેઇન ગેટ પર ચોકીદાર કે કોઈ હાજર નહોતું. ગઈકાલે ગુમ થયેલો માનવ હજુ સુધી ન મળતાં આજે ફરીથી પરિવારે સ્કૂલે પહોંચી હોબાળો કર્યો હતો.
માનવના પિતા ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે અમારો દીકરો સ્કૂલમાંથી જ ગુમ થયો છે. અમારે તો અમારો દીકરો જોઈએ છે. સ્કૂલ દ્વારા અમને કોઈ જવાબ આપવામાં આવતો નથી, જેથી અમે આજે પોલીસને જાણ કરી છે. જોકે હજુ સુધી પોલીસ તરફથી કોઈ નિદેવન આવ્યું નથી.