Homeઈન્ટરવલવિચિત્ર કરવેરા

વિચિત્ર કરવેરા

સાંભળીને હસવું કે રડવું આવે એવા

ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ

(૧૪)
મોતીલાલ તેજાવતે બહુ મોટું બીડું ઝડપ્યું હતું કહો કે ઐતિહાસિક પહેલ કરી હતી. ઝાઝા સંશાધન નગર લોકોને ભેગા કરવા અને આંદોલન માટે તૈયાર કરવા એ લાકડાના ઘોડા દોડાવવાથી ય ભગીરથ કામ ગણાય. લગભગ દસેક હજારની મેદની ભેગી થઇ ગઇ. સૌનું પ્રાથમિક અને એક માત્ર ધ્યેય એ કે પોતાની સમસ્યાઓની રજૂઆત મેવાડના મહારાણા ફતેસિંહ સમક્ષ થાય. ત્યાર પછી જ ત્યાંથી હટવાનો સૌનો દ્રઢ નિર્ધાર અલબત્ત ‘એકી’ આંદોલનના નેતા મોતીલાલ તેજાવત કે અન્ય આગેવાનો પાસે નહોતી આટલી મોટી ભીડને બે ટંકનું ખાવાનું આપવાની વ્યવસ્થા કે શક્યતા છતાંય સૌ પોતાની મેળે જે મળે એનાથી રોડવી લેતા હતા. આના મૂળમાં ય તેજાવતનો સંદેશો શિખામણો. મહેરબાની કરીને સહેલાઇથી જે મળે એ ખાઇ લેવું. અડધા અને ખાલી પેટેય લાગણી બળવતર બનતી જતી હતી કે મહારાણા સમક્ષ વ્યક્તિગત રજૂઆત અગાઉ પાછી પાની નહીં કરીએ, ભલે પછી મરવું કેમ ન પડે?
એક તરફ આ પોલાદી મક્કમતા તો સામે પક્ષે અમલદારો-જાગીરદારોએ મનમાં લોખંડી ગાંઠ બાંધી કે ગમે તે થાય પણ મોતીલાલની મંડળીને મહારાણા સુધી પહોંચવા ન જ દેવી. બડી પાલ પર તૈયાર કરીને વહેંચાયેલા પુસ્તક ‘મેવાડ કી પુકાર’ની નકલ ભ્રષ્ટાચારીઓએ પોતાના ગુપ્તચરો થકી મેળવી લીધી હતી. એ વાંચીને સૌના હાંજા ગગડી ગયા. આ પુસ્તક મહારાણા પાસે પહોંચી ગયું તો આકરામાં આકરી સજા થવાની જ.
આ થતું રોકવા માટે ભારે કાવાદાવા થવા માંડ્યા. ‘એકી’ના ઘણા આગેવાનોને ફોડવાના, બદલાવવાના પ્રયાસો આદરાયા આ માટે ઉચ્ચ પોલીસ અધિકારી અમરસિંહ રાણાવતની મદદ પણ માગવામાં આવી. આ વર્દીધારી રોબ અજમાવવાને બદલે સંબંધ લાગણીનું સામાજિક પ્યાદું ઊતર્યા.
રાણાવત તક જોઇને તેજાવતને એકલાને થોડા દૂર લઇ ગયા. તેજાવતની પાછળ ચાર-પાંચ સાથીઓ એ નીકળી પડ્યા. મહેલની દિશામાં આગળ ચાલતા ચાલતા તેઓ તેજાવતને સમજાવવા માંડ્યા કે આપણે તો દૂરના વેવાઇ થઇએ એટલે મારી ફરજ છે આપનું હિત જોવાની. આપની જે કંઇ ઇચ્છા હશે એ બધી પૂરી કરાવવાની જવાબદારી મારી રહેશે.
ખુદ તેજાવતે જ સૌને સમજાવ્યા હતા કે આપણી એકતા તોડવા માટે જાતજાતના હાથકંડા અજમાવાશે પણ આપણે મક્કમ-સજાગ રહેવાનું છે. એટલે રાણાવતનો દાવ પારખી ગયેલા તેજાવતે સ્પષ્ટ જવાબ પરખાવ્યો કે મારી કોઇ અંગત માગણી કે ઇચ્છા પૂરી કરવાનો સવાલ જ કયાં છે? હા, મેવાડની પ્રજાની પીડાનો સંતોષજનક ઉકેલ મળે એમ હોય તો બોલો. રાણાવત કંઇ બોલે એ અગાઉ તેજાવતના સાથીઓ નજીક આવતા દેખાયા. રાણાવતે જવાબને બદલે આમંત્રણ આપ્યું કે રાતે મારી હવેલી પર મળવા આવજો, ત્યાં વધુ ચર્ચા કરીશું.
તેજાવતે બડી પાલ ખાતે ઉપસ્થિત (જન પ્રતિનિધિઓને માંડીને વાત કરી. કોઇને બહુ આશ્ર્ચર્ય ન થયું. છતાં એકસૂરે કહેવાયું કે રાણાવતને હવેલીએ જઇને મળવું જોઇએ કે જેથી એમના મનમાં શું રમે છે એનો અંદાજ તો મળે. રાતે તેજાવતે પોતાના મિત્ર ગેન્દાજી બ્રાહ્મણ સાથે રાણાવતની હવેલીએ પહોંચાડ્યા, પરંતુ એ સમયે રાણાવત મહેલમાં હોવાથી મળી ન શકાયું. મોડી રાતે રાણાવત પાછા ફર્યા. ત્યારે તેજાવત આવીને ગયાની જાણકારી મળી.
જરાય સમય ગુમાવ્યા વગર રાણાવતે પોતાની હવેલીની નજીકમાં જમા થયેલા જાટ ગુજરોના થોડા આગેવાનોને બોલાવીને સારી એવી રોકડ રકમ આપીને તાકીદ કરી કે ગમે તેમ કરીને આંદોલનકારીઓમાં ફાટફૂટ પડાવો, એકદમ જલદી.
જોકે ‘એકી’ આંદોલનના તેજાવત સહિતના આગેવાનો સુપેરે જાણતા હતા કે સામો પક્ષ અનેક કાવતરા રચશે, લલચાવશે પટાવશે… એ લોકો ગમે તે હદ સુધી જઇ શકે. એટલે અગાઉથી જ વચન અને કસમ થકી સૌને પ્રતિજ્ઞા લેવડાવાઇ હતી કે કોઇ આંદોલન સાથે ગદ્દારી નહીં કરે. શામ, દામ, દંડ અને ભેદની ચાલ સામે બધા એકદમ સાવધ હતા. અનેક કારણોસર જે લોકો નબળા કે નમી પડે એવા લાગ્યા એમને આંદોલનમાં જોડાતી વખતે જ કહી દેવાયું હતું કે દમન અને ધાકધમકી સહન કરનારની શક્તિ હોય તો જ ‘એકી’ આંદોલનમાં સામેલ થવું. દરબારીઓ, રજવાડા, અમલદારો અને જાગીરદારોનો એેકે ય દાવ પાર ન પડ્યો. ન આંદોલનમાં ફાટફૂટ પડી કે ન સમ ખાવા પૂરતો એકેય આંદોલનકારીએ શેહ-લાલચમાં આવીને ગદ્દારી કરી.
સદીઓથી અકારણ અન્યાય અને અત્યાચાર મૂંગે મોઢે સહન કરનારાઓ હવે જાગૃત થયા હતા. પોલીસ તેજાવતને પ્રતાપે. આંદોલનકારીઓની પહાડી મક્કમતા અને અત્યાચારીઓ કાવતરાબાજી વચ્ચે રાજ્યના અમુક હિતચિંતકોએ નિર્ભિકપણે મહારાણા ફતેહસિંહના કાને હકીકત પહોંચાડી દીધી. આંદોલનકારીઓ માત્ર પોતાની માગણીઓની રજૂઆત કરવા જ માગતા હતા. સાથો સાથ અત્યારસુધી આંદોલન એકદમ શાંત-અહિંસક રહ્યું હોવાના સાક્ષી મહારાણા ખુદ હતા.
અંતે મહારાણા ફતેસિંહે આંદોલનકારી નેતાઓને મળવાનું નક્કી કર્યું તેમને મહેલમાં આવવાનું આમંત્રણ અપાયું, નિશ્ર્ચિત સમય જણાવાયો. આ એકતાની પ્રથમ જીત. દમનકારીઓના ગળા સૂકાવા માંડ્યા. પગ ધ્રૂજવા માંડ્યા અને પરસેવો વળવા માંડ્યા.
મોતીલાલ તેજાવતે પુસ્તિક ‘મેવાડ કી પુકાર’ અને એના પર આધારિત ૨૧ માગણીઓનું આવેદનપત્ર મહારાણા સમક્ષ રજૂ કર્યું તેમણે અપીલ પણ કરી કે યોગ્ય કરવેરા, રોજમદારની મજૂરી નિશ્ર્ચિત કરવા અને લાગ-બાગ સહિતની માગણીઓ સ્વીકારવામાં આવે. આ લાગ-બાગ એટલે અનેક જાતનો સામંતી કરવેરો. રજવાડાના – ખેડૂતો એક સમયે જે સ્વૈચ્છિક સામંતોને આપતા હતા, એ સમયાંતરે લાગ-બાગ એટલે કે કરવેરામાં બદલાઇ ગઇ. આમાં સમાવિષ્ટ ચીજ-વસ્તુની સંખ્યા એકસોથી ઉપર થઇ ગઇ. આમાં જમીન સંબંધી અને પશુધન સંબંધી ચાર, ત્રણ બળજબરી મજૂરી સંબંધી અને સામાજિક શોષણ સંબંધી ૨૨ બાબતો હતી. આમાં માતાજીને ધરવાની ભેટ. તલવાર બંધાવવા, બાઇજીનો હાથ-ખર્ચ અને ખીચડી-કર સહિતની બાબતો કૃષિકારો પર થોપી મરાઇ હતી. આમાં શું શું હતું એ જાણીએ તો સ્તબ્ધ થઇ જવાય. ‘રાલી લાગ’ એટલે ખેડૂતે દર વર્ષે પોતાના કાપડમાંના ઉત્પાદનમાંથી એક ગાદલું કે રાલી (એક પ્રકારનું બાજરા જેવું ધાન) આપવું પડે. ‘બકરા લાગ’ એટલે રાજ્યના મહેસૂલ કર્મચારી અર્થાત્ પટેલ, પટવારી, તહેસીલદાર અને ચૌધરી વગેરે દ્વારા ખેડૂતો પાસેથી ઉઘરાવાતી ગેરકાયદે રકમ અને ‘નજરાના’ એટલે દર વર્ષે જાગીરદારે રાજાને અને પટેલે તહેસીલદારને ભેટ આપવી પડે પછી એ રકમની વસૂલી ખેડૂતો પાસેથી થાય. ‘ન્યૌતા લાગ’ એટલે જાગીરદાર, પટેલ અને ચૌધરી પોતાના દીકરા-દીકરીના લગ્ન નિમિત્તે ખેડૂતો પાસેથી વસૂલાતી રકમ. ‘કુંવરજી કા ઘોડા લાગ’ એટલે કુંવરસાહેબના મોટા થવા બાદ અશ્ર્વ-સ્વારી શિખવાય, ત્યારે ઘોડો ખરીદવા ઘર દીઠ રૂપિયા એકની કરપેટે વસૂલી. ‘ખર ગઢી લાગ’ એટલે જાહેર બાંધકામ કે કિલ્લાની અંદર થતા બાંધકામ માટે ગામડામાંથી મજૂરીકામ માટે ગર્દભ મંગાવવા પણ પછી ગધેડા લેવાને બદલે અમુક રકમની કર વસૂલી. ‘ખીચડી લાગ’ જાગીરદાર દ્વારા દરેક ગામની આર્થિક સ્થિતિ (એ યાદી વસૂલીબાજ નક્કી કરે) અનુસાર વસૂલાતો ખીચડી વેરો. ‘અંગ લાગ’ એટલે દરેક કિસાનના પાંચ વર્ષથી મોટા દરેક સભ્ય દીઠ રૂપિયા એકની વસુલાત. આવા વિચિત્ર ‘લાગ’ એટલે કરવેરાની સંખ્યા એકસોથી ઉપર હતા.
આવા અગણિત અન્યાય અને અકલપ્ય અત્યાચારો સહિતના દમન નાબૂદ કરવાની માગણી મહારાણાને સુપરત કર્યા બાદ તેજાવત સહિતના સૌ પ્રતિભાવની પ્રતીક્ષા કરવા માંડ્યા. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -