છેલ્લા કેટલાંય સમયથી રાજ્યમાં પેન્શનના મુદ્દે કર્મચારીઓએ હડતાલ પોકારી છે. પેન્શનના વિવાદમાં રાજ્યમાં બે જૂથ પડ્યા છે. જે અંતર્ગત સરકારી કર્મચારીઓ પેન્શનની તરફેણમાં જ્યારે ખાનગી ક્ષેત્રે કામ કરતા લોકો પેન્શનના વિરોધમાં છે. ત્યાં હવે મહારાષ્ટ્રના કોંગ્રેસના એકમાત્ર સાંસદ સુરેશ ઉર્ફે બાળુ ધાનોરકરે નાણાં પ્રધાન નિર્મલા સિતારામનને પત્ર લખ્યો છે. જેમાં તેમણે પૂર્વ સાંસદોની પેન્શન બંધ કરવાની માંગણી કરી છે. એક વેબ પોર્ટલ પર પ્રકાશીત વિસ્તૃત અહેવાલ મુજબ નાણાં પ્રધાન નિર્મલા સિતારામનને લખેલા પત્રમાં બાળુ ધાનોરકરે જણાવ્યું હતું કે, ‘લોકસભા અને રાજ્યસભાના કુલ 4,796 પૂર્વ સાંસદ હાલમાં પેન્શન લઇ રહ્યાં છે. તેમની પેન્શન પર દર વર્ષે 70 કરોડ રુપિયા ખર્ચ થાય છે. ઉપરાંત 300 પૂર્વ સાંસદોનું નિધન થયું હોવાથી તેમના પરિવારજનોને પણ પેન્શન મળી રહી છે. જે પૂર્વ સાંસદ આર્થિક રીતે સદ્ધર છે તેમની પેન્શન બંધ કરવામાં આવે’ એવી માંગણી તેમણે પત્ર દ્વારા કરી છે. આ પત્રમાં તેમણે કેટલાંક સાંસદોના નામનો ઉલ્લેખ પણ કર્યો છે. જેમાં રાહુલ બજાજ, સંજય દાલમીયા, માયાવતી, સીતારામ યેચુરી, મણીશંકર ઐયર, બોલીવૂડ અભિનેત્રી રેખા અને સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવીના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ‘ઘણાં પૂર્વ સાંસદ આર્થિક રીતે સદ્ધર છે. તેમને પણ પેન્શનનો લાભ મળી રહ્યો છે. આવા સાંસદોની પેન્શન બંધ કરવી જોઇએ. ટેક્સના 30 ટકાના સ્લેબમા આવતા પૂર્વ સાંસદોને પેન્શનનો લાભ ન મળવો જોઇએ. મને ખાત્રી છે કે કોઇ પણ દેશભક્ત પૂર્વ સાંસદને આ વાત સાથે વિરોધ નહીં હોય.’
પૂર્વ સાંસદોની પેન્શન પર કેટલો ખર્ચ થાય છે?
લોકસભા અને રાજ્યસભાના સાંસદના પગાર અને પેન્શન માટે 1954થી કાયદો છે. તેમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવે છે. લોકસભાની એક ટર્મ એટલે 5 વર્ષ પૂરાં કર્યા બાદ 25 હજાર રુપિયા પેન્શન મળે છે. તેવી જ રીતે રાજ્યસભાની એક ટર્મ એટલે કે 6 વર્ષ પૂર્ણ થયા બાદ 27 હજાર રુપિયા પેન્શન મળે છે. જો કોઇ બે ટર્મ સુધી રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાય તો તે બે ટર્મ એટલે કે 12 વર્ષ રાજ્યસભામાં સાંસદ રહે તો તેને દર મિહને 39 હજાર રુપિયા પેન્શન તરીકે મળે છે. 2021-22માં લોકસભા અને રાજ્યસભાના પૂર્વ સાંસદોની પેન્શન પર 78 કરોડ રુપિયા કરતા વધુ ખર્ચ થાય છે. આ પહેલાં 2020-21માં 99 કરોડ રુપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. અહીં આ સાંસદ કેટલાં સમય માટે પદ પર હોવો જરુરિ છે એ અંગે કોઇ ખૂલાસો નથી. એટલે કે જોઇ કોઇ વ્યક્તી માત્ર એક દિવસ માટે પણ સાંસદ બને તો તેને આ પેન્શન યોજના લાગુ પડે છે. માત્ર પેન્શન જ નહીં પણ અન્ય સુવિધાઓ પણ મળે છે.
એટલું જ નહીં પણ પૂર્વ સાંસદને એમના સહકારી સાથે કોઇ પણ ટ્રેનમાં સેકન્ડ એસીમાં મફત પ્રવાસ કરવાનો લાભ પણ મળે છે. જો એ એકલા પ્રવાસ કરતા હોય તો તેઓ ફર્સ્ટ એસીમાં પણ મુસાફરી કરી શકે છે.