દેશભરમાં રામનવમીની ઉજવણી જોરશોરમાં ચાલુ છે. ત્યારે વડોદરામાં રામનવમીના અવસરે બબાલ જોવા મળી છે. વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ થઈ હોવાના સમાચાર છે. બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. પોલીસનો મોટો કાફલો સ્થળે પહોંચી ગયો છે. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જોકે થોડા સમયમાં મામલો થાળે પાડી ફરી શાંતિ સ્થપાઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ જૂથ અથડામણમાં ભગવાનની મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કરાયો છે. અત્રે જણાવવાનું કે રામ નવમી નિમિત્તે ભગવાન રામની શોભાયાત્રા નીકળી ત્યારે તેના પર પથ્થરમારો થતા આ જૂથ અથડામણ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ રામનવમીએ હિંમતગનર ખાતે આ પ્રકારે રમખાણ ફાટી હતી. હાલમાં રમજાન મહિનો પણ ચાલે છે જ્યારે બન્ને સમુદાયના લોકો શાંતિ જાળવે તેવી અપીલ પોલીસે કરી હતી.
ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેના પર પથ્થરમારો કરવામાં આવ્યો. આ ઘટના બાદ બે જૂથ વચ્ચે અથડામણ થતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. મૂર્તિને ખંડિત કરવાની કોશિશ કરાઈ પણ મૂર્તિ બચાવી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ 1500 લોકોનું ટોળું ત્યાં આવી ચડ્યું હતું. પોલીસે વાતાવરણ તંગ બનતા લાઠીચાર્જ કરવો પડ્યો.
વડોદરાનો આ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદનો આક્ષેપ હતો કે શોભાયાત્રા દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો નહતો જ્યારે પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે દરેક શોભાયાત્રા સાથે પોલીસની અલગથી ટીમ રાખવામાં આવી છે. હરણીથી આ શોભાયાત્રા નીકળી હતી અને ત્યાંથી અહીં (ફતેપુરા) આવી હતી. જ્યાં જ્યાં શોભાયાત્રા નીકળે છે ત્યાં લોકલ પોલીસની ટીમ પણ સાથે રહેતી હોય છે. જોકે મામલો વધારે ગરમી પકડે તે પહેલા જ શાંત પાડવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.