મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે ખાસ કરીને નિકલ, ટીન, બ્રાસ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ સિવાયની અન્ય વેરાઈટીઓમાં વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૨૫નો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય તમામ ધાતુઓમાં મર્યાદિત કામકાજે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
ગઈકાલે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે નિકલ સિવાયની અન્ય ધાતુઓમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીએ ભાવમાં તેજીનું વલણ રહ્યા બાદ આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને ઊંચા મથાળેથી વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલી અટકતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જેમાં કિલોદીઠ ધોરણે નિકલના ભાવ રૂ. ૭૫ ઘટીને રૂ. ૨૪૭૫, ટીનના ભાવ રૂ. ૨૫ ઘટીને રૂ. ૨૧૧૩, કોપર વાયરબારના ભાવ રૂ. ૮ ઘટીને રૂ. ૭૫૭, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરના ભાવ રૂ. પાંચ ઘટીને અનુક્રમે રૂ. ૬૮૩, રૂ. ૬૭૩ અને રૂ. ૬૫૫, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ રૂ. ૩ ઘટીને રૂ. ૪૬૫ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ રૂ. બેના ઘટાડા સાથે રૂ. ૫૦૮ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે ઉપરોક્ત સિવાયની અન્ય ધાતુઓ જેમ કે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં સાર્વત્રિક સ્તરેથી ખપપૂરતી માગ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.