(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજાર માટે આજે સપ્તાહનો પહેલો દિવસ મંગળવાર મંગલમય રહ્યો હતો. સારા કોર્પોરેટ પરિણામ અને એફઆઈઆઈની લેવાલીથી મળેલા ટેકા પાછળ નિફ્ટીએ ૧૮,૨૦૦ની તરફ આગેકૂચ ચાલુ રાખી હતી. સોમવારે મહારાષ્ટ્ર દિવસના કારણે શેરબજાર બંધ હતું.
મુંબઇ સમાચારના સોમવારના લેખમાં કરવામાં આવેલી આગાહી અનુસારની પેટર્ન હજુ સુધી તો જળવાઈ રહી છે. બજારની નજર હવે કાલે બુધવારે જાહેર થનારા અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કની જાહેરાત પર રહેશે. ફેડરલ વ્યાજ દરોમાં મોટેભાગે ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કરશે એવી ધારણા છે.
અમેરિકાના તાજા જાહેર થયેલા ડેટામાં ફેડરલને વ્યાજ વૃદ્ધિનું કારણ મળશે એવા સંકેત વચ્ચે યુએસ માર્કેટ ગબડવા છતાં સ્થાનિક બજારમાં તેજી જળવાઈ હતી.
આજે વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત જ તેજી સાથે થઈ હતી. નિફ્ટી 72.35 પોઈન્ટ અથવા 0.4% વધીને 18,137.35 પર અને સેન્સેક્સ 253.26 પોઈન્ટ અથવા 0.41% વધીને 61,365.7 પર ખૂલ્યો હતા.
એ જ રીતે ખુલતા સત્રમાં સેક્ટોરલ ઇન્ડેક્સમાં બેંક નિફ્ટી 160.25 પોઈન્ટ અથવા 0.37% વધીને 43,394.15 પર અને નિફ્ટી આઈટી 207.2 પોઈન્ટ અથવા 0.75% વધીને 27,915.4 પર ખૂલ્યા હતા.
સત્ર દરમિયાન અફડાતફડી વચ્ચે પણ સેન્સેકસ અને નિફ્ટી બંને બેન્ચ માર્કે આગેકૂચ જાળવી રાખી હતી.
સત્રને અંતે સેન્સેક્સ 242.27 પોઇન્ટના વધારા સાથે 61,354.71 પોઇન્ટ પર અને નિફ્ટી 82.65 પોઇન્ટ વધીને 18147.65 પોઇન્ટ પર બંધ થયો છે.