(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં સતત આઠમાં સત્રમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં ૨૩૫ પોઈન્ટ્સનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી ૧૭,૮૦૦ની ઉપર પહોંચ્યો હતો.
બજારના સાધનો અનુસાર પ્રારંભિક આંકડાઓએ માર્ચ ક્વાર્ટરની કોર્પોરેટ કમાણી મજબૂત રહેવાની આશા સર્જી હોવાથી બજારમાં સુધારો જોવા મળ્યો હતો, જોકે સત્ર દરમિયાન સ્થાનિક અને વૈશ્વિક સ્તરે મેક્રો ઇકોનોમિક ડેટાની જાહેરાત અગાઉ સાવચેતીનું માનસ પણ રહ્યું હતું.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૦,૪૨૧.૮૦ પોઇન્ટ્સ અને નીચામાં ૬૦,૦૯૪.૬૯ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ અંતે ૨૩૫.૦૫ પોઈન્ટ્સ અથવા ૦.૩૯ ટકા ઉછળીને ૬૦૩૯૨.૭૭ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૮૧૯.૬૦ પોઇન્ટ્સ અને નીચામાં ૧૭,૭૧૭.૨૫ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ અંતે ૯૦.૧૦ પોઈન્ટ્સ અથવા ૦.૫૧ ટકાના ઉછાળા સાથે ૧૭,૮૧૨.૪૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૫૦ છેલ્લા સાત સત્રોમાં ૪.૫ ટકાથી વધુ વધ્યો છે, જે ચાર મહિનાથી વધુ સમયની તેની સૌથી લાંબી તેજીનો દોર છે.
૧૩ મુખ્ય ક્ષેત્રીય શેરઆંકોમાંથી ૧૧ ઇન્ડેકસમાં સુધારો જોવા મળ્યો હતો.
ઊંચા વેઇટેજ ધરાવતા ફાઇનાન્શિયલ્સ શેરોમાં સારી લેવાલી અને આગેકૂચ રહેતા તેના ઇન્ડેક્સમાં ૦.૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
ટોચની આઇટી ફર્મ ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ લિમિટેડના પરિણામોની આગળ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરો ૦.૧ ટકા વધ્યા હતા.
રોકાણકારો પણ ઇન્ફ્લેશન અને ઔદ્યોગિક ઉત્પાદનના ડેટાની રાહ જોઈ રહ્યા છે, જે મોડી સાંજે જાહેર થશે.