(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ભારે નિરસ હવામાનમાંથી પસાર થવા દરમિયાન ગુરુવારના સત્રમાં ૩૫૦ પોઈન્ટ્સ ઘટ્યા બાદ સત્રના પાછલા ભાગમાં લેવાલીનો ટેકો મળતા સેન્સેક્સ ફરી ગ્રીન ઝોનમાં પાછો ફરવામાં સફળ રહ્યો હતો.
ઘરઆંગણે આઈટી, ટેકનો, ઓઈલ-ગેસ અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી સામે રિયલ્ટી, બેન્ક, ફાઈનાન્શિયલ, ઓટો અને ક્ધઝ્યૂમર ડ્યુરેબલ્સ શેરોમાં આક્રમક લેવાલી જોવા મળી હતી. આ સત્રમાં ઈન્ફોસિસના શેરોમાં સૌથી વધુ ૩.૧૪ ટકાનો ઘટાડો જોવાયો હતો.
સત્રને અંતે બીએસઈ સેનસેક્સ ૩૮ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૭૮૦૦ની ઉપર બંધ રહ્યો હતો. આ રીતે સતત નવમા સત્રમાં આગેકૂચ જળવાઇ રહી હતી. ટોચની આઇટી કંપની ટીસીએસ લિમિટેડના સાવચેતીભર્યા અંદાજ પછી અને અમેરિકામાં હળવી મંદીની વધતી ચિંતાને કારણે આઇટી શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું અને એકંદર સત્ર દરમિયાન નિરસ હવામાન રહ્યું હતું.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૦,૪૮૬.૯૧ પોઇન્ટ્સ અને નીચામાં ૬૦,૦૮૧.૪૩ પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ ૩૮.૨૩ પોઈન્ટ્સ અથવા ૦.૦૬ ટકા વધીને ૬૦૪૩૧.૦૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો બેન્ચમાર્ક નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૮૪૨.૧૫ પોઇન્ટ્સ અને નીચામાં ૧૭,૭૨૯.૬૫ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૧૫.૬૦ પોઈન્ટ્સ અથવા ૦.૦૯ ટકાના સુધારા સાથે ૧૭,૮૨૮.૦૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.