Homeલાડકીહજી પણ કોવિડથી ડરવાની જરૂર છે?

હજી પણ કોવિડથી ડરવાની જરૂર છે?

કેતકી જાની

સવાલ: આજકાલ હરતાં ફરતાં લોકો અચાનક જ મરી રહ્યા છે. છીંક આવે ને મરે, લગ્નની ચોરીમાં એકવીસ વર્ષની છોકરી ઢળી પડે, જીમમાં એક્સસાઈઝ કરતા કરતા કોઈ થંભી જાય અને મરી જાય આવા બધા અનેક કેસ સાંભળવા મળે છે ત્યારે ખરેખર ડર લાગે છે. તમે ગઈ વખતનાં જવાબમાં ‘લોંગ કોવિડ’ શબ્દ વાપર્યો હતો તે પછી મને સતત એવા વિચારો આવે છે કે કોવિડ મનેય થયો હતો અને હું પણ કોઈ જ કારણ વગર ઢળી પડીશ ને મરી જઈશ. મને ખબર નથી પડતી કે શું કરું?
જવાબ: બહેન, સૌપ્રથમ તો એક વાત મગજમાં નોંધી લો કે દેશની બહુતાંશ જનસંખ્યા કોવિડથી સંક્રમિત થઈ ચૂકી છે. જો તમારી જેમ બધા જ ડરવા માંડશે તો શું થશે? મૃત્યુ તો બધાનું એક દિવસ ચોક્કસ નિશ્ર્ચત છે, તો પછી શા માટે પળેપળ જીવતા હોવા છતાં તેને સતત વિચારોમાં રાખી મરતાં રહેવું? આપે પ્રશ્ર્નમાં જણાવ્યું તે તમામ કેસમાં જે મોત થયાં તેના કારણરૂપે તેને ‘કાર્ડિયાક અરેસ્ટ’ આવ્યો હોવાનું ચર્ચાય છે. ‘કાર્ડિયાક અરેસ્ટ’ આવે ત્યારે, જે-તે માનવશરીરનું હૃદય અચાનક જ કામ કરતું બંધ થઈ જાય છે. સામાન્યત: જેને આપણે ‘હાર્ટ એટેક’ માનીએ છીએ તેના કરતાં આ અલગ પ્રકાર છે માનવશરીર માટે. ‘હાર્ટએટેક’ પહેલાં માણસ પોતે ગભરામણ, ભીંસ જેવું છાતીમાં અનુભવે, પરંતુ આમાં કોઈપણ પ્રકારની ચેતવણી કે પૂર્વ કલ્પના જે તે મનુષ્યને મળતી નથી. જેન અચાનક વીજળી ગુલ થઈ જાય તેમ જ સમજો. માનવશરીરમાં પણ તેના જન્મથી મૃત્યુપર્યત સતત ધકધક થતાં રહેતાં હૃદયમાં ઈલેક્ટ્રિક સિસ્ટમ જેવું જ છે. અચાનક પળભરમાં તે સતત ધબકતી રહેતી ઈલેક્ટ્રિક સિસ્ટમમાં અવરોધ આવે અને લાઈટની જેમ જ માનવશરીર પણ પળભરમાં મૃત્યુની આગોશમાં જતું રહે છે. એક જ ઝટકામાં જાણે કે શરીરની તમામે તમામ યંત્રણા સ્થગિત થઈ જાય છે. હૃદયની આ ઈલેક્ટ્રિક તરંગોવાળી યંત્રણા કોઈપણ મનુષ્યના ઊઈૠ (ઈસીજી) રીપોર્ટમાં તમે જોઈ હશે. માટે આપણા સૌની આસપાસ સેંકડો ઘટનાઓ રોજ ઘટતી રહે છે તેને આપણા મનો મસ્તક ઉપર હાવી થવા દઈ સતત તે ઘટના જેવું જ તમારી સાથે થશે તેમ વિચારતું રહેવું તદ્દન અયોગ્ય છે બહેન. જાણેઅજાણે તમે જીવન નામશેષ કરી નાખે તેવી નકારાત્મકતાની સંભાવનાને આમંત્રણ તો નથી આપી રહ્યાને? તમારાં મન મગજને સમજાવો આ તમામ ઘટનાઓનું મૂળ કારણ કોવિડ નથી ‘કાર્ડિયેક અરેસ્ટ’ છે. આગળ જણાવ્યું હતું તે ‘લોંગ કોવિડ’ જો તમને છે એમ લાગતું હોય તો તમે ચોક્કસ ડૉક્ટર પાસે જાવ, પરંતુ એક વાત યાદ રાખજો કે તમારા મનની શક્તિ અગાધ છે. તમે જે વિચારો તે એક કે બીજા સ્વરૂપે તમારી સામે આવી ઊભું રહે છે. માટે સૌથી પહેલાં મનથી બિનજરૂરી ડર કાઢી નાખો, સકારાત્મક વિચારસરણી આત્મસાત કરો. તમારાં શરીરની સુંદર સ્વસ્થ જીવનશૈલીથી જાળવણી કરવું તો તમારાં હાથમાં છે. ભલે કાલે કે ઘડી બાદ શું થશે તે તમે નથી જાણતા પણ તમારું શરીર નિરોગી રાખવું તમારાં હાથમાં જ છે ને? ખોટું ટેન્શન રાખી શરીરમાં રોગને નિમંત્રણ આપી રહ્યા છો તમે, તો આ જ ઘડીએ ખોટા વિચારોને રોકવાનો નિર્ણય લો. સમતોલ આહાર, કુદરતી વિહાર સહિત સદ્વિચારો અપનાવી શરીર સાજુનરવું રાખો, અસ્તુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -