સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
આપણામાં તો કહેવત છે કે “દાદા બનાવે અને દીકરાના દીકરા વાપરે.. સ્વાભાવિક છે કે આવી કહેવત આવાસ માટે જ હોય- ઘર જ એવું બનાવાય કે જે પેઢી દર પેઢી ચાલે. પણ કેટલાંક રહેણાંક હંગામી ધોરણે જ જાણે બનાવાય છે. વૃક્ષ-આવાસ એક એ પ્રકારની રચના છે.
ઇતિહાસ જોતાં જણાશે કે આદિ માનવ માટે વૃક્ષ એ આશરા અને સંરક્ષક સમાન હતું. જમીન પર વિચરતાં હિંસક પશુઓ તથા જીવજંતુ સામે આ પ્રકારનું આવાસ રક્ષણ આપતું. વધુ પડતા વરસાદ તથા પૂરના સમયે પણ વૃક્ષ પરનો આશરો સામાન્ય બાબત બની રહેતી. વૃક્ષ તડકા તથા અમુક હદ સુધી વરસાદ સામે પણ રક્ષણ આપે. વૃક્ષનો ફાયદો એ પણ હતો કે જો તે વૃક્ષ ફળાચ્છાદિત હોય તો, પેટની ભૂખ પણ સંતોષાતી. આમ આ બધા કારણોસર વૃક્ષ આશરાનું સ્થાન બની રહ્યું. સમય જતાં તે વૃક્ષ પર જ થોડી સવલતો – સગવડતાઓ ઊભી કરાતી થઈ હશે.
જમીન પરના વસવાટની સંભાવના ઉત્ક્રાંતિના ઇતિહાસમાં જેમ જેમ વધતી ગઈ તેમ તેમ માનવી વૃક્ષના ઉપયોગથી જ વૃક્ષની રચનામાંથી પ્રેરણા લઈ શંકુ આકારની ઝૂંપડી બનાવતો થયો. તો પણ વૃક્ષ પર ચઢીને ત્યાંની પરિસ્થિતિ માણવા માટે તેની તત્પરતા ઓછી ન થઈ. તેમાં પણ જો તે બાળ-સ્વભાવનો માનવી હોય તો આ ઈચ્છા ઘેલછામાં પરિણમતી અને વૃક્ષ-આવાસ બનાવાતા થયા. આમાં વૃક્ષના ફાયદા સાથે સાથે સાંપ્રત સ્થાપત્ય કલાની જરૂરિયાતો પણ સંતોષાય તે માટે વ્યવસ્થિત પ્રયત્નો થયા. અત્યારના પરિપ્રેક્ષ્યમાં વૃક્ષ આવાસ એ મુખ્ય ધારણાંથી ભિન્ન પ્રકારની રચના છે જેમાં રોમાંચ વધુ પણ સ્થાયિત્ય ઓછું જોવાં મળે છે.
ઝાડના ઉપરના સ્થાને, યોગ્ય અવકાશ ગોતી, શક્ય હોય તેટલી ઓછી ઓછી ડાળીઓ કાપીને એક મંચ બનાવવામાં આવે છે. તેમાં ઉપર નીચે આવજા કરવા થોડી અગવડતા ભરેલી નિસરણી બનાવાય છે. આ મંચનો એક વિસ્તાર ખુલ્લો રાખી તેની ધાર પર કઠેડો બનાવાય છે; આ સ્થાન પરથી જ વૃક્ષનું સામીપ્ય સૌથી વધુ વર્તાય છે. મંચના બાકીના સ્થાન પર મોટેભાગે લાકડાંની દીવાલો બનાવી ઉપર હલકી જણાય તેવી છત બનાવી જાણે ઓરડો તૈયાર કરાય છે. વાતાવરણનાં પરિબળો વિપરિત હોય ત્યારે આ સ્થાનનો ઉપયોગ રહે છે. આવું સ્થાન રાત્રે સૂવા માટે પણ ઉપયોગી રહે. આ ઓરડામાં ન્યૂનત્તમ બારી-બારણા રખાય તે સ્વાભાવિક છે; જો કે આબોહવા અનુકૂળ હોય ત્યાં તે માત્રા વધી પણ શકે.
વૃક્ષ-આવાસ એ પૂર્ણ આવાસ ન હોવાથી તેમાં કેટલીક સવલતોનો સમાવેશ નથી થતો. આગના ભયને કારણે અહીં રાંધવાનું સ્થાન ન્યૂનતમ રખાય છે. અહીં પૂર્ણ કક્ષાનું રસોડું નથી હોતું. અહીં લગભગ તૈયાર ભોજનને થોડું ગરમ કરવા કે ચા-પાણી માટે જ આગ ન હોય તેવા ઉપકરણો રખાય છે. વૃક્ષ-આવાસમાં સંડાસ-બાથરૂમ જેવી વ્યવસ્થા રાખવી પણ કઠિન છે. અહીં વિશાળ ઓરડાં પણ નથી બનાવી શકાતા જેથી આ વૃક્ષ આવાસની માનવી સમાવવાની ક્ષમતા પણ ઓછી રહે છે.
વૃક્ષ આવાસમાં ઠંડક જળવાઈ રહે અને એક રીતે જોતાં કંઈક બંધિયાર હવા ચોતરફ હોવાથી ઠંડીમાં પણ રક્ષણ મળી રહે. અહીં કુદરતના સાંનિધ્યનો વધુ અહેસાસ થઈ શકે તેવી રચનાની સંભાવના હોય છે. આવા સાંનિધ્યને નિખારવાથી માનવીની અંદરનું બાળક પાછું જાણે જાગ્રત થઈ જાય છે. અહીં એક નવા જ પ્રકારની તાજગીનો અનુભવ થાય છે. અહીં માનવી જાણે પોતે વૃક્ષનો એક ભાગ બની જાય છે.
તો સામે સંભવિત આગનો પ્રશ્ર્ન તો ખરો જ. ક્ષેત્રફળની મર્યાદા તો ખરી જ. ડાળીઓ ક્યાંક દૃશ્ય-અનુભૂતિની વિસ્તૃતતા ઘટાડી શકે. દીવાલો એવી મજબૂત તથા જળબંધ ન પણ હોય. ચારે બાજુ ઝાડની હયાતીથી એક પ્રકારની ગીચતા પણ અનુભવાય. વળી ઝાડની ડાળીઓના વિકાસ સાથે તે ક્યારેક ઝાડની પરિસ્થિતિ પ્રમાણે ખાંચાખૂંચી પણ માન્ય રાખવી પડે. અહીં આવાસને સામાન્ય રીતે એક-સ્તરીય બનાવવું પડે; અને તેના આકારમાં પણ મર્યાદાઓ આવી શકે. આવાં કારણોસર જ વૃક્ષ આવાસ એ કાયમી આવાસ ન બની રહેતા બદલાવ માટેનું ઉજાણી-આવાસ બની રહે તે સ્વાભાવિક છે.
સામાન્ય રીતે વૃક્ષ આવાસને એક જ વૃક્ષ પર બનાવવામાં આવે પણ ક્યારેક નજીક નજીકમાં વૃક્ષો હયાત હોય ત્યારે આવું આવ એક કરતાં વધારે વૃક્ષોને સાંકળીને પણ બનાવી શકાય. એવી પરિસ્થિતિમાં આવાસનાં જુદા જુદા વૃક્ષ પર બનાવાયેલ જુદા જુદા વિસ્તારને સાંકળતી કડી સમાન ઝૂલતા પુલ જેવો માર્ગ-રસ્તો બનાવવો પડે. આની પણ કંઈક ઓર મઝા છે.
વૃક્ષ આવાસ એ ચોક્કસ પ્રકારની માનસિકતાના વિકાસ માટે ખાસ જરૂરી છે. વૃક્ષ આવાસના ઉદાહરણ પરથી સ્થાપત્યમાં ન્યૂનતમવાદી વિચારધારા વધુ સ્પષ્ટ થાય છે. માનવી કુદરત સાથે તાલમેલ તો મેળવે જ છે પણ સાથે સાથે અહીં તે કુદરતનું આધિપત્ય પણ સ્વીકારે છે. પોતાની ચારે તરફ કુદરતને પણ વિકસવાનો અધિકાર જાણે તે સ્વીકારે છે. અહીં માનવી એ પણ સ્વીકારતો થઈ શકે તે સ્વયં પણ કુદરતનો એક ભાગ છે. પોતે ઓછી જરૂરિયાતો સાથે પણ જીવન ગુજારી શકે તેનો અહેસાસ પણ વૃક્ષ આવાસ કરાવી શકે. એ તે વૃક્ષને ટેકો આપનાર, રક્ષક, સલામતી પ્રદાન કરનાર તથા ઉષ્મા આપનાર કુટુંબના વડીલ તરીકે લેખતો પણ થાય. ફાયદા ઘણાં છે. સૌથી અગત્યની વાત એ બને કે માનવી જાણે પોતાના બાળપણમાં પાછો આવે. જો કે આવાં આવાસનો મહત્તમ ઉપયોગ બાળકો જ કરતા હોય છે અને તેથી તેમની માટે આ સ્થાન બાળપણને વધારે ધનત્વ તથા તીવ્રતાથી માણવાની તક સમાન બની રહે છે.
જિંદગીના કોઈક તબક્કે તો આ બધા ફાયદાઓ માણવા વૃક્ષ આવાસનો લાહવો લેવો જોઈએ.