સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
આમ તો કળાનો પ્રત્યેક પ્રકાર એક યા બીજા સ્વરૂપે એકબીજા સાથે સંકળાયેલ હોય છે જ પણ ક્યાંક તે તરફ સામાન્ય સંજોગોમાં ધ્યાન નથી જતું. આમ થવા પાછળનું મુખ્ય કારણ દરેક કળાની અભિવ્યક્તિ માટે વપરાતાં માધ્યમોની ભિન્નતા છે, આ ભિન્નતા જેમ વધુ તેમ જે તે બે કળા વચ્ચેની સામાન્યતા તરફ પડતી દૃષ્ટિ ઓછી. આમાં પણ જો કળાના માધ્યમમાં “ભૌતિકતાની માત્રા વધુ હોય તો તે કળા અન્ય કળાથી ક્યાંક અલગ જ પ્રતીત થાય. સ્થાપત્ય અને અન્ય કળાઓ વચ્ચેનાં સમીકરણમાં આમ જ થયું છે.
સ્થાપત્યની રચનામાં વપરાતી સામગ્રી મૂળ સ્વરૂપે અતિ ભૌતિક છે. તે ઉપરાંત તેના વપરાશમાં કળાત્મકતા સાથે સાથે ઈજનેરી અભિગમ પણ તેટલો જ મહત્ત્વનો બની રહે છે. સંગીત જેવી કળામાં આમ નથી થતું. સંગીતનું માધ્યમ ભૌતિક નહીં પણ સુક્ષ્મ છે અને તેના પ્રયોગમાં તક્નિકી જ્ઞાન જરૂરી નથી. છતાં પણ સ્થાપત્ય અને સંગીત એ બન્ને અંતે તો કળા જ હોવાથી ક્યાંક સરખામણી-ક્યાંક સામ્યતા સંભવી જ શકે. આમ પણ સ્થાપત્યને “થીજી ગયેલ સંગીત કહેવાય છે.
જો સ્થાપત્યની સરખામણી સંગીત સાથે થઈ શકતી હોય તો કવિતા સાથે પણ આવી સરખામણી સંભવી શકે. કવિતાની જેમ સ્થાપત્યમાં પણ એક કેન્દ્રવર્તી વિચાર રહેવાનો. કવિતામાં જેમ લાગણીઓ વણાયેલી હોય તેમ સ્થાપત્ય પણ સંવેદનાઓને સ્પર્શી શકે. કવિતાનું એક બંધારણ હોય છે તો સ્થાપત્યની પણ ચોક્કસ “બાંધણી હોય છે. કવિતાનું અંગ શબ્દ કે શબ્દ-સમૂહ છે તો સ્થાપત્યનાં પણ બારી બારણાં દીવાલ-છત જેવાં વિવિધ અંગો હોય છે. કવિતા અને સ્થાપત્ય, એ બન્નેમાં આ અંગોને સાથે જોડવાની એક વ્યવસ્થા હોય છે જે ચોક્કસ તર્ક તથા ઉદ્દેશ્યને અનુસરે છે. કવિતાની રચના પાછળ કોઈ સ્ફુરણા હોય છે તેમ સ્થાપત્યની રચના પાછળનો મૂળ ખ્યાલ પણ અંત:સ્ફુરણાંને આધારિત હોય છે. કવિતા અને સ્થાપત્ય એ બન્ને એક કાર્ય કરી જાય છે. સામ્યતા ઘણી છે.
કવિતાની જેમ સ્થાપત્યના પણ પ્રકારો હોય છે. કવિતાના પ્રકારો સાથે સરખાવીએ તો સ્થાપત્યમાં પણ આખ્યાન જેવાં મકાનો બને છે અને હાઈફ જેવાં પણ. સ્થાપત્યની કેટલીક રચના “ગીત શૈલીમાં આવે તો અન્ય કેટલીક અછાંદસ રચના સમાન. સ્થાપત્યની રચનામાં પ્રયોજાયેલાં અંગો કેવી રીતે પરસ્પર ગોઠવાયેલાં છે, આ ગોઠવણ પાછળ ક્યો અગ્રતાક્રમ મહત્ત્વનો રહ્યો છે, તેના આંતરિક તથા પરસ્પરના પ્રમાણમાપ કેવાં છે, તેની સપાટીઓ પર રંગોની ગોઠવણ પાછળ કયો તર્ક કામ કરે છે. તેમાં વપરાય બાંધકામની સામગ્રીની દૃશ્ય પ્રતીતિ કેવી ઊભરે છે: આ અને આવી બાબતો સ્થાપત્યની જે તે રચનાને કાવ્યના જે તે પ્રકાર સાથે સાંકળવામાં મહત્ત્વની બની રહે છે.
“આખ્યાન પ્રકારનાં મકાનો કોઈક ઐતિહાસિક-સાંસ્કૃતિક બાબતોને વિસ્તારથી અનુભવવાની તક ઊભી કરે છે. આવાં મકાનો સામાન્ય રીતે ધાર્મિક સંકુલ કે સાંસ્કૃતિક પરિસરનાં હોય છે. અહીં પરંપરાની શૈલી-કથા વણાયેલી હોય છે. આખ્યાન પ્રકારનાં મકાનોમાં સ્થાપત્યનાં વિવિધ અંગો પોતે જ પોતાના જે તે ફાળાની વાત કહી જાય છે. અહીં આરંભ તથા સમગ્ર રચનામાં પૂર્વાપર સંબંધ સ્પષ્ટ ઊભરી આવે છે. અહીં ક્યાંક ભૂતકાળનો વારસો જળવાય છે. નવીન પ્રયોગ હોય તો પણ આખ્યાન પ્રકારનાં મકાનો જે તે પરંપરાનાં જાણે ગુણગાન તો ગાતાં જ હોય છે.
“અછાંદસ પ્રકારનાં મકાનોનું લાલિત્ય ક્યાંક સામાન્ય માણસે કલ્પેલી-માની લીધેલી બાબતોની બહારનો વિષય બની જાય છે. આ રીતિ જ આલેખાય- તે પ્રકારની રૂઢીમાંથી બહાર આવવાનો આ પ્રયાસ હોય છે. આજ ના સમયના “ખંડનશૈલીમાં બનાવાયેલ મકાનો આ શ્રેણીમાં આવે. અહીં ક્યાંક મનસ્વીપણે છૂટાછાટ પણ લેવાય જે કાર્યહેતુ માટે જરૂરી હોવાથી સ્વીકાર્ય પણ બને. અહીં મકાન રચનાના સ્થાપિત ધારાધોરણને પણ નજરઅંદાજ કરવામાં આવે પણ તેમાં મકાનની ઉપયોગિતા કે આવરદામાં ક્ષતિ નથી થતી. એક રીતે આવાં મકાનો નવી હવા-નવા વિચારો-નવી દિશા લાવે છે. તેની રચના આમ તે એકરસ હોય છે તો પણ તેના કેટલાક વિભાગો “વધુ પડતા જણાતા હોય છે. ક્યારેક તો મકાનનાં વિવિધ અંગોને “આમ-તેમ ગોઠવી તેને પાછળથી અર્થ આપવાનો પ્રયત્ન કરાય છે. આવાં “અછાંદસ મકાનો તેની રચનાના શરૂઆતના ગાળામાં “સુરખી બટોરી જાય છે. પણ પાછળથી શાસ્ત્રીય બાબતો કે સુંદરતાના પ્રેમી તેને દિલથી વગોવે છે. ફેંકો ઘેરી જેવાં સ્થપતિનાં મકાનો આ શૈલીમાં આવે.
“ગીત એટલે પૂર્ણ અર્થભાવ સાથેની સુમધુર રચના. સ્થાપત્યમાં આવાં ગીત-સંગીત પ્રકારનાં મકાનો ઐતિહાસિક સિમાચિન્હ સમાન બની રહે છે. ઈલોરામાં બનાવાયેલ કૈલાસ મંદિર પથ્થરમાં કંડારાયેલ કાવ્ય તો છે. ત્યાં તો તમને શ્રદ્ધાનું સંગીત પણ સંભળાશે. આગ્રાનો તાજમહેલ પણ એક આરસમાં લખાયેલ સુમધુર ગીત છે. ગીત પ્રકારનાં મકાનોમાં સ્થાપત્યના ક્ષેત્રના લાલિત્વને લગતાં લગભગ બધાં જ પાસાં અસરકારક રીતે પ્રયોજાય છે. યોગ્ય પ્રમાણમાપ, ભૌમિતિક કે અન્ય પ્રકારનાં આકારોની પસંદગી તથા પરસ્પરની ગોઠવણ, સામગ્રીની પસંદગીમાં દૃશ્ય વિરોધાભાસ ટાળવા રખાતી સાવચેતી વિગતીકરણને આપવામાં આવતું ખાસ મહત્ત્વ, સ્થાપત્યના દરેક નિર્ણય પાછળ સ્વીકૃત અગ્રતાક્રમ, આજુબાજુના હયાત સંજોગોને અપાતો હકારાત્મક પ્રતિભાવ, કુદરતનાં પરિબળોનો સંતુલિત સમન્વય, માનવીની માનસિક-સામાજિક-આચારવિષયક સ્થિતિ માટે સંવેદનશીલતા અને ક્યાંક છૂટછાટ લઈને પણ લાલિત્યને અપાતો ઉભાર: આવી બાબતો મકાનને ગીત સમાન બનાવી શકે. ગીત સાંભળવાથી જે ઝૂમી ઉઠાય તેમ આવાં મકાનો પણ ક્યાંક સુમધુર સપંદનો જગાવી દે.
“છંદ આધારિત રચનામાં “માળખું મહત્ત્વનું બની રહે. અહીં કઈ બાબત ક્યાં કેવી રીતે આવે તે પૂર્વ-નિર્ધારિત હોય. છંદનું એક બંધારણ હોય અને આ બંધારણ ચોક્કસ પરિણામ આપી શકે. સ્થાપત્ય માટે પણ આમ જ સમજવું. સ્થાપત્યના આવાં બંધારણમાં સામાન્ય રીતે માળખાકીય તથા સંરચનાકીય બાબતોની ચોક્કસ ક્રમમાં કરાતી ગોઠવણ મહત્ત્વની ગણાય. આ ગોઠવણ મકાનનો આખરી ઓપ નક્કી કરે. આમાં ક્યાંક બાંધછોડની સંભાવના ન હોય. તેના થકી જ લય નક્કી થાય. આ ગોઠવણ મકાનની અનુભૂતિમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવે, પણ ક્યાંક તે યાંત્રિક ગોઠવણ સમાન પણ લાગવા માંડે, જે કે મકાનનું વર્ગીકરણ શક્ય હોય તો ત્યાં એક કરતાં વધારે “છંદ પ્રયોજી શકાય. આ માટે મકાન પ્રમાણમાં મોટું હોવું જરૂરી ગણાય. આમ પણ છંદની ઓળખ માટે અહીં ચોક્કસ સંખ્યામાં પુનરાવર્તન જરૂરી ગણાય. કવિતાના છંદની જેમ સ્થાપત્યના છંદ નિર્ધારિત નથી હોતાં. તેથી જે અહીં જે તે છંદ-જે તે માળખું ઓળખાય તે જરૂરી બની રહે. સાથે સાથે એ પણ સમજવું પડે કે આ માળખાનાં પુનરાવર્તનમાં અનિચ્છનીય “લંબાઈ ન હોય.
નાનું-કોઈપણ પ્રકારના વિસ્તરણ વિનાનું-મુદ્દાસરનું-માપસરનું તથા અસરકારક: સ્થાપત્યમાં આવાં “હાઈકુ પ્રકારનાં મકાનો બનાવાય છે જે પોતાનું “નાનકડુ કામ સફળતાથી-સામગ્રી અને સમયના વ્યય વગર કરી જાય. જાપાનનું મિનરલ હાઉસ કે અમદાવાદનું ટ્યૂબ હાઉસ આ શૈલીમાં આવે, ન્યૂનતમતાવાળા આ પ્રકારના સ્થાપત્યના અભિગમથી આ ક્ષેત્રમાં જાણે વધુ
સચોટતા આવી છે. અહીં એક અક્ષર પણ બિનજરૂરી નથી. જે છે તે બધું જ જરૂરી છે અને કાર્યપૂર્તિતા માટે તેટલું જ જરૂરી છે. અહીં બધું જ સ્પષ્ટ અને મુદ્દાસર હોય છે. આ પ્રકારનાં મકાનોની સચોટતા જ તેની દૃષ્ટ અનુભૂતિ નિખારે છે. હાઈકુ પ્રકારનાં મકાનોની કાર્બન ફૂટ પ્રિન્ટ પણ ઓછી હોય છે. ભવિષ્યના સમાજ માટે આ મકાનો જાણે નવી દિશા દર્શાવે છે. અસરકારકતા જાળવી રાખીને આવાં મકાનો નવાં જ પ્રકારની તાદાત્મયતા પણ સર્જે છે.
કવિતાઓના પ્રકારો ઘણાં છે ખંડ કાવ્ય પ્રકારનાં મકાનો વિષે પણ વાત થઈ શકે અને છપ્પા શૈલીનાં મકાનો વિષે પણ અહીં પ્રયત્ન માત્ર કવિતા અને સ્થાપત્યને એક જ પાના પર આલેખીને સમન્વયતાથી જોવાના પ્રયત્નની શરૂઆત છે જેથી કવિતા વડે સ્થાપત્ય વધુ સમૃદ્ધ થાય અને સામે સ્થાપત્યના અભ્યાસથી કવિતામાં સમૃદ્ધિ આવે.