ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ
(પ્રકરણ-૧૦)
ગોકુલ (અગાઉ ‘ગુલાબ’ લખાઇ ગયું તે બદલ ક્ષમાયાચના) પટેલના મનમાં એક વ્યાજબી શંકા હતી. ‘મોતીલાલ તેજાવતની ટીમ ગામેગામ ફ રીને આવી રહી છે. ચોમેર ‘એકી’ આંદોલનની હવા ફેલાઇ ગઇ છે. કદાચ ઉદયપુરથી કે અન્ય કયાંકથી જાસૂસ આ બધા સાથે ભળી ગયો હોઇ શકે.’
પરંતુ તેજાવતના વ્યક્તિત્વ, પારદર્શક સ્વભાવ, સ્પષ્ટ વાતો અને ધ્યેયથી ગોકુલ પટેલને હાશકારો થયો. આ સાથે તેઓ સમજી ગયા કે તેજાવતના પ્રતિનિધિ મંડળના ૪૨ સભ્યોને કયા સુધી કયાં અને કેવી રીતે સંતાડી રાખવા. પટેલે જોયું કે તેજાવતના બધા સાથીઓ આદિવાસી વિસ્તારોના રહેવાસી છે.
હવે અસલ ગોકુલ પટેલ સામે આવ્યા. તેઓ પૂરેપૂરા પ્રતિનિધિમંડળને મંદિરમાંથી પોતાના ઘરે લઇ ગયા. અહીં તેમણે મહેમાનોની ભરપૂર આગતા સ્વાગતા કરો. તેમણે બ્રાહ્મણને બોલાવીને સૌના મસ્ત ભોજનની વ્યવસ્થા કરી. આ મહેમાનો પેટપૂજા કરે એ પહેલા તો ગામ આખામાં વાવડ પહોંચી ગયા કે આદિવાસી આગેવાનો પધાર્યા છે. આ જાણીને સ્થાનિકો મળવા આવ્યા. ખૂબ બધી વાતો અને ચર્ચાએ પગથી આત્મીયતા આવી. સામાન્ય સંજોગોમાં અજાણ્યાઓ સાથે વધુ પડતા નજીક જઇને મુશ્કેલીને નોતરવાથી દૂર રહેનારા ગ્રામજનોના મન તેજાવતે જીતી લીધા. અન્ન એવા ઓડકાર સાથે હૃદય પણ મળી ગયા.
મોતીલાલ તેજાવતના ‘એકી’ આંદોલનને પૂરેપૂરો સમજી લીધા ગોકુલ પટેલે સાથ-સહકાર આપવામાં કોઇ કચાશ ન રાખી. તેમણે ખૂબ ઉપયોગી સૂચન કર્યું. પાંડોલીથી થોડા માઇલ દૂર કેશર ખેડી નામનું જાટ કિસાનોનું ગામ છે, જ્યાં મોટા સામૂહિક ભોજન સમારંભનું આયોજન કરાયું છે. આ નિમિત્તે કપાસન જિલ્લાના અઢી-ત્રણ હજાર ખેડૂતો આવવાની શક્યતા છે. આટલી મોટી મેદનીની સમક્ષ આંદોલનની ભૂમિકા મૂકવાનો અને સમજાવવાની આ ઉમદા તક ઝડપી લીધી હોય તો?
વાત એકદમ સાચી લાગી તેજાવતને સાથીઓ સાથે ચર્ચા બાદ સાંજનું વાળું પતાવ્યા બાદ ‘એકી’ આંદોલનના ૪૨ એક્કા અને પાંડોલીના થોડા માણસો કેશર ખેડી માટે રવાના થઇ ગયા. ‘એકી’ આંદોલનના આગેવાનો પોતાનો સાથ-સહકાર મેળવવા આવી રહ્યાંનું જાણીને કેશર ખેડીમાં ઉત્સાહ વધી ગયો. ધારણા બહારનો પ્રતિસાદ મળતા તેજાવતનો આનંદનો પાર ન રહ્યો. એક-એક જણ પ્રેમથી મળે, વાત સાંભળે અને આંદોલનમાં સામેલ થવાની ખાતરી આપે. પછી તેજાવતના પ્રતિનિધિમંડળ સાથે કેશર ખેડીમાં ભેગી થયેલી મેદનીની સભા યોજાઇ. આમાં મૌખિકને બદલે લેખિત કરાર થયા કે બન્ને પક્ષ આંદોલનમાં કાયમ એકમેકની સાથે રહેશે. કોઇ સંજોગોમાં પીછેહઠ નહી કરાય. દગો-ફટકો કરનારા સામે પંચ દંડાત્મક પગલાં ભરશે.
મોતીલાલ તેજાવતના ‘એકી’ આંદોલનમાં વધુને વધુ લોકો અને ગામ જોડાઇ રહ્યાં હતાં. ખુલ્લી આંગળીઓ મુઠ્ઠી બની ગઇ હતી. જોશથી બાવડા ફૂલાઇ રહ્યાં હતાં. સંઘબળ, એકતા અને ધ્યેયની તાકાત આવી ગઇ. પરંતુ આ બધુ મેળવ્યા પછી યક્ષ-પ્રશ્ર્ન એ આવ્યો કે, આંદોલનને આગળ વધારવા માટે હવે શું કરવું? સૌના જોશ અને ઉત્સાહનો સમયસર અને સકારાત્મક ઉપયોગ થાય એ કોઇ પણ આંદોલનની સફળતાની પૂર્વ શરત હોય જ.
લાંબી ચર્ચા-વિચારણા અને અનેક ગામોના હજારોની આપવીતી સાંભળ્યા અને સમજયા બાદ સ્પષ્ટપણે એક ચિત્ર ઉપસતું હતું કે અત્યાચાર, સમસ્યા, ઉપાધિ અને તકલીફ અનેક છે, જાતભાતની છે. નક્કી થયું કે આની સવિસ્તાર યાદી બનાવવી અને પછી મેવાડના મહારાણા સમક્ષ રજૂ કરવી. આંદોલનકારીઓને શ્રદ્ધા હતી કે આ રજૂઆતથી સ્થિતિ અવશ્ય બદલાશે.
માત્ર આપણને તકલીફોની યાદી સુપરત કરીને બેસી ન રહેવું પણ આસપાસના ગામના રહેવાસીઓ સુધીય બધી વાતો પહોંચાડવી. આનાથી સૌને ખબર પડે કે પોતાના પર જે જુલમ થઇ રહ્યો છે, એનાથી અલગ કે વધુ અત્યાચાર બીજાઓ પર થાય છે. એટલે સમદુ:ખિયાઓ એક થાય તો દુ:ખ સિવાય કંઇ ગુમાવવાનું નથી.
આ બધા પીડિતોને સમજાવવાનું કે કાગડા બધે જ કાળા છે. તમારા વિસ્તારના અમલદારો, જાગીરદારો કે એમના મળતીયા જ ભ્રષ્ટ કે નિભંર નથી. ચોમેર એવી હાલત છે. આ સાથે સૌને આગ્રહ કરાય કે સતત સચ્ચાઇની સાથે રહેજો, નહીંતર જુઠ્ઠાણાની બોલબાલા વધી જશે.
મફતની મલાઇ ખાવાના બંધાણીઓ ઉપરીઓની કાનભંભેરણી કરીને પોતાના જૂઠા અને ભ્રષ્ટાચારને જરૂરિયાત જેવા વાઘા પહેરાવવા મથવાના જ. એટલે માત્ર સ્થાનિક સ્તરે આક્રોશ કે કાનાફુસી કરીને બેસી રહેવાને બદલે છેક ઉપર સુધી એટલે કે મહારાણાને કાને વાત પહોંચાડવી અનિવાર્ય છે. તેજાવત અને ‘એકી’ આંદોલનના આગેવાનો અને ઉપસ્થિત મેદની વચ્ચે સર્વસંમતિથી કેટલાંક નિર્ણયો લેવાયાં એક બધા અન્યાય, અત્યાચાર અને તકલીફોની વિગતવાર છતાં સચોટ-ટૂંકી યાદી બનાવવી. બે મહારાજાને આ આવેદનપત્ર સુપરત ન થાય ત્યાં સુધી પ્રજાએ રાજ્ય-શાસન સાથેના તમામ વ્યવહાર બંધ કરી દેવા અર્થાત્ કોઇ મહેસૂલ કે વેરા ન ચૂકવવા. પણ અષાઢ વદના રોજ બધા ઉદયપુરમાં મળીએ.
એકમતે પસાર થયેલા આ ઠરાવ તત્કાલીન શોષણખોરોને હચમચાવી નાખનારા દારૂગોળાથી વિશેષ હતા. આની ફાયરિંગ રેન્જમાં સીધેસીધા કે આડકતરી રીતે રાજના ટોચથી લઇને તળિયા સુધીના અમલદારો, જાગીરદારો અને બ્રિટિશ અફસરો પણ આવી જવાના હતા. એક તરફ આંદોલનકારીઓમાં વધતી એકતા-ઉગ્રતા સામે ભ્રષ્ટજનોના પેટમાં ઉકળતું તેલ રેડાવા માંડ્યું.
અમુક બેવકૂફો હજીય સત્તાના નશામાં માનતા હતા કે અભણ ગ્રામીણો આપણું કંઇ બગાડી શકવાના નથી. પરંતુ મહારાણા સુધી હકીકત પહોંચી ગઇ તો? ત્યાં બધું સંભાળી લેવા શું કરવું. એવા કાવા દાવા થશે વિચારણા જોશભેર થવા માંડી. પણ આ અકકલમઠા જાણતા નહોતા કે તેમણે કેવા પ્રંચડ જવાળામુખીનો સામનો કરવાનો છે. (ક્રમશ:)