(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: મહત્ત્વના આર્થિક ડેટા અગાુ સાવચેતીનો માહોલ રહ્યો હોવા છતાં સારા કોર્પોરેટ પરિણામના સંકેત વચ્ચે ખાસ કરીને આઇટી, હેલ્થકેર અને ઓટો શેરોમાં લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ અને નિફ્ટીએ સતત આઠમા સત્રમાં આગેકૂચ જારી રાખી હતી. પાછલા ચાર મહિનાની આ સોથી લાંબી રેલી છે. ટીસીએસના પરિણામ જાહેર થતા અગાઉ બીએસઈ સેનસેક્સ ૨૩૫ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૭૮૦૦ની ઉપર બંધ રહ્યો હતો.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૦,૪૨૧.૮૦ પોઇન્ટ્સ અને નીચામાં ૬૦,૦૯૪.૬૯ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ અંતે ૨૩૫.૦૫ પોઈન્ટ્સ અથવા ૦.૩૯ ટકા ઉછળીને ૬૦૩૯૨.૭૭ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૮૧૯.૬૦ પોઇન્ટ્સ અને નીચામાં ૧૭,૭૧૭.૨૫ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ અંતે ૯૦.૧૦ પોઈન્ટ્સ અથવા ૦.૫૧ ટકાના ઉછાળા સાથે ૧૭,૮૧૨.૪૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
ફાર્મા,ઓટો, આઈટી, ટેકનો અને ફાઈનાન્શિયલ શેરોમાં ભારે લેવાલીથી શેરબજારમાં તેજી જળવાઈ રહી હતી. જોકે, પાવર, ટેલીકોમ અને એફએમસીજી શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૫૭ ટકા અને ૦.૪૧ ટકા વધીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સ પેકમાં સૌથી વધુ ઈન્ફોસિસના શેરોમાં સૌથી વધુ ૧.૪૮ ટકા ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા મોટર્સ, એચડીએફસી બેન્ક, એશિયન પેઈન્ટ્સ અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે. પાવરગ્રીડના શેરોમાં સૌથી વધુ ૧.૫૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એનટીપીસી, નેસ્લે ઈન્ડિયા, અલ્ટ્રાકેમ્કો, આઈટીસી, હિન્દુસ્તાન યૂનિલિવર, લાર્સન એન્ડ ટુબ્રો અને એસબીઆઈનો સમાવેશ થાય છે.
વ્યક્તિગત શેરોમાં, સુલા વાઇનયાર્ડ્સે ચોથા ક્વાર્ટરમાં પોતાની બ્રાન્ડના વેચાણમાં રૂ. ૧.૦૪ અબજની વાર્ષિક વૃદ્ધિ ૧૫ ટકા નોંધાવ્યા બાદ છ ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. નુવામા વેલ્થે પાંચ વર્ષમાં તેની એયુએમ પાંચ ગણી વધારી રૂ. ૨.૫ લાખ કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક જાહેર કર્યો છે. ટિયર વન શહેરો ઉપરાંત ૫ાંચ વર્ષમં ૩૦૦ જેટલા સ્થળોને આવરી લેવાનો અને આગામી ત્રણ વર્ષોમાં આરએમની સંખ્યામાં ૧૦૦ ટકા સુધીનો વધારો કરવા સાથે ભાગીદારના નેટવર્કમાં ૫ાંચ વર્ષમાં ૫ાંચ ગણો વધારો હેતુ જાહેર કર્યો છે. ભારતીય રેલ્વે દ્વારા વંદે ભારત ટ્રેનસેટ્સ માટે બે કંપનીઓના ક્ધસોર્શિયમને ઓર્ડર આપવામાં આવ્યા બાદ ટીટાગઢ વેગન અને ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સનો શેર ત્રણ ટકા વધ્યો હતો.
નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ ડિવિસ લેબના શેરોમાં સૌથી વધુ ૯.૬૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઈઝિસ, આઈશર મોટર્સ અને ડો રેડીઝ લેબનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ પાવરગ્રીડના શેરમાં ૧.૬૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એનટીપીસી, નેસ્લે, અલ્ટ્રાકેમ્કો અને હિન્દુસ્તાન યૂનિલિવરનો સમાવેશ થાય છે. બજારના સાધનો અનુસાર પ્રારંભિક આંકડાઓએ માર્ચ ક્વાર્ટરની કોર્પોરેટ કમાણી મજબૂત રહેવાની આશા સર્જી હોવાથી બજારમાં સુધારો જોવા મળ્યો હતો, જોકે સત્ર દરમિયાન સ્થાનિક અને વૈશ્ર્વિક સ્તરે મેક્રો ઇકોનોમિક ડેટાની જાહેરાત અગાઉ સાવચેતીનું માનસ પણ રહ્યું હતું.
નિફ્ટી ૫૦ છેલ્લા સાત સત્રોમાં ૪.૫ ટકાથી વધુ વધ્યો છે, જે ચાર મહિનાથી વધુ સમયની તેની સૌથી લાંબી તેજીનો દોર છે. ૧૩ મુખ્ય ક્ષેત્રીય શેરઆંકોમાંથી ૧૧ ઇન્ડેકસમાં સુધારો જોવા મળ્યો હતો. ઊંચા વેઇટેજ ધરાવતા ફાઇનાન્શિયલ્સ શેરોમાં સારી લેવાલી અને આગેકૂચ રહેતા તેના ઇન્ડેક્સમાં ૦.૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો. ટોચની આઇટી ફર્મ ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ લિમિટેડના ત્રિમાસિક પરિણામોની આગળ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરો ૦.૧ ટકા વધ્યા હતા. વોલ સ્ટ્રીટ ઇક્વિટી માર્ચના ગ્રાહક ભાવ ભાવાંકના ડેટા અને ફેડની તાજેતરની પોલિસી મીટિંગની મિનિટો કરતાં મોટે ભાગે ઊંચી હતી. એશિયન બજારો સુસ્ત રહ્યા હતા.