સુપ્રીમ કોર્ટે વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં મળેલી શિવલિંગ જેવી આકૃતિના કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક સર્વે પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપીમાં શિવલિંગની આકૃતિની કાર્બન ડેટિંગ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
અલાહાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અપીલ પેન્ડિંગ છે એમ જણાવતા જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિએ કાર્બન ડેટિંગમાં આગળ વધવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સ્ટે માગ્યો હતો.
નોંધનીય છે કે અલાહાબાદ હાઈકોર્ટે 12 મેના રોજ જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલી રચનાની ઉંમર નક્કી કરવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો, જે ‘શિવલિંગ’ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હાઇકોર્ટે મે 2022 માં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં હાથ ધરાયેલા સર્વેક્ષણ દરમિયાન કાર્બન ડેટિંગ સહિત વૈજ્ઞાનિક પરીક્ષણોની માંગ કરતી અરજીને ફગાવી દેતા વારાણસી જિલ્લા અદાલતના આદેશને બાજુ પર રાખ્યો હતો.