આજથી વિધાનસભાનું સત્ર નાગપુરમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણી અને કર્ણાટક સાથેનો સીમાવિવાદ સોમવારથી નાગપુરમાં ચાલુ થઈ રહેલા વિધાનસભાના શિયાળુસત્રમાં ગાજશે એવા એંધાણ જોવા મળી રહ્યા છે.
ફોક્સકોન પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો અને અન્ય કેટલાક પ્રોજેક્ટ મહારાષ્ટ્રની બહાર ગયા તે બાબતે પણ વિપક્ષો દ્વારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકારને
ઘેરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યપાલ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવામાં આવ્યું હોવાનો મુદ્દો ઉઠાવીને વિપક્ષો આંદોલન કરી રહ્યા છે. શનિવારે મુંબઈમાં આ જ મુદ્દે રાજ્યપાલનું રાજીનામું માગતા હલ્લાબોલ મહામોરચો કાઢ્યો હતો. આ મોરચામાં એવા આરોપ કરવામાં આવ્યા હતા કે ફક્ત રાજ્યપાલ જ નહીં, મહારાષ્ટ્રના પ્રધાનોએ પણ રાજ્યના મહાપુરુષોનું અલગ અલગ સમયે અપમાન કર્યું છે અને મહારાષ્ટ્રના ગૌરવને હાનિ પહોંચાડી છે. બીજી તરફ ભાજપે રાજ્યના વિપક્ષી નેતાઓ શરદ પવારથી લઈને અન્ય લોકો દ્વારા અલગ અલગ સમયે આ જ મહાપુરુષોના કેવી રીતે અપમાન કરવામાં આવ્યા છે તેને મુદ્દો બનાવીને વિપક્ષો પર હુમલો કર્યો હતો અને માફી માગો આંદોલન પણ શનિવારે કર્યું હતું.
હવે આ મુદ્દે વિધાનસભામાં બંને જૂથો દ્વારા સામસામે ધમાલ કરવામાં આવે એવા એંધાણ જણાઈ રહ્યા છે.
રાજ્યમાં અત્યારે સૌથી વધુ ચર્ચામાં સીમાવિવાદનો મુદ્દો છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન દ્વારા મહારાષ્ટ્રના કેટલાંક ગામો કર્ણાટકમાં જોડાવા માગે છે એવું નિવેદન કરવામાં આવ્યા બાદ દાયકાઓથી કારવાર, બેલગામ અને નિપાણીના મહારાષ્ટ્રમાં સમાવેશ માટે પ્રયાસ કરી રહેલા રાજકારણીઓ આક્રમક થયા છે. આ નિવેદન બાદ બંને રાજ્યોમાં તંગ થયેલા વાતાવરણને સામાન્ય કરવા માટે ખુદ ગૃહપ્રધાન અમિત શાહે બંને રાજ્યોના મુખ્ય પ્રધાનને દિલ્હી બોલાવ્યા હતા.
————
વિપક્ષનો પરંપરાગત ચા-પાન પર બહિષ્કાર
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા સોમવારથી શરૂ થઈ રહેલા વિધાનસભાના શિયાળુ સત્રને ધ્યાનમાં રાખીને રવિવારે વિપક્ષને ચા-પાન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ વિપક્ષે ચા-પાન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. વિધાનસભામાં વિપક્ષી નેતા અજિત પવારે બહિષ્કારનું કારણ આપતાં જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાને વિકાસની દૃષ્ટિએ મહત્ત્વની અનૌપચારિક ચર્ચા થઈ શકે તે હેતુથી
અમને આમંત્રણ આપ્યું હતું. જોકે, અમે બધાએ ચર્ચા કરી અને આ ચર્ચામાં સત્તા પર આવીને આ સરકારને છ મહિના થયા હોવા છતાં હજી સુધી આ સમયગાળામાં તેમની પાસેથી જે અપેક્ષાઓ હતી તે પૂરી થઈ ન હોવાથી તે પૂરી થઈ હોવાનું અમને લાગતું નથી એટલે અમે ચહા-પાનનો બહિષ્કાર કર્યો છે.
તેમણે કહ્યું કે મહાપુરુષો બાબતે બેફામ નિવેદનો કરવા, તેમને માટે અપશબ્દોનો ઉપયોગ કરવાનું ચાલી રહ્યું છે. રાજ્યપાલ, પ્રધાન, વિધાનસભ્યો આવા શબ્દો વાપરી રહ્યા છે. આ મહારાષ્ટ્રને પસંદ પડ્યું નથી.
મહારાષ્ટ્રની સ્થાપનાથી સીમાવિવાદ ચાલી રહ્યો છે, પરંતુ આ સરકાર આવ્યા પછી આ વિવાદ સમજૂતીથી ઉકેલવામાં આવે તેને બદલે જે ગામ અત્યારે મહારાષ્ટ્રમાં છે તે કર્ણાટકમાં જવાની વાત કરી રહ્યા છે.
અધિવેશન નાગપુરમાં થઈ રહ્યું છે અને વિદર્ભનો અનુશેષ વધી રહ્યો છે તે બાબતે સરકાર કોઈ નક્કર ભૂમિકા અપનાવતી જોવા મળતી નથી. ઓક્ટોબરમાં થયેલા વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન બાબતે સરકારે કોઈ મદદ આપી નથી. રાજ્ય સરકારે ખરીદીકેન્દ્રો હજી વ્યવસ્થિત રીતે ચાલુ કર્યા નથી.
આવી જ રીતે રાજ્યમાંથી અનેક મોટા પ્રોજેક્ટ રાજ્યની બહાર ગયા છે. આપણા રાજ્યમાં લાખો યુવાનોને રોજગાર મળી શક્યો હોત, પરંતુ રાજ્યને નુકસાન થયું છે. નવા પ્રોજેક્ટ આવશે તે સારી વાત છે. વિરોધ કરવા માટે વિરોધ કરવાનું અમારું વલણ નથી. ચર્ચા થવી જોઈએ અને તેમાં જવાબ મળવા જોઈએ, સમાધાન થવું જોઈએ એવું અમારું કહેવું છે, એમ પણ તેમણે કહ્યું હતું.
વિપક્ષોની બેઠકમાં વિધાનસભાના વિપક્ષીનેતા અજિત પવાર, વિધાન પરિષદના વિપક્ષી નેતા અંબાદાસ દાનવે (શિવસેના ઉદ્ધવ જૂથ), દિલીપ વળસે પાટીલ (એનસીપી), છગન ભુજબળ (એનસીપી), કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ નાના પટોલે વગેર હાજર રહ્યા હતા.
———–
મહારાષ્ટ્ર સરકારે લોકાયુક્ત કાયદો અમલમાં મૂકવાની જાહેરાત કરી
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુસત્રની પૂર્વસંધ્યાએ કેબિનેટની બેઠકમાં રાજ્યમાં કેન્દ્ર સરકારના લોકપાલ કાયદાને આધારે રાજ્યમાં લોકાયુક્ત કાયદો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે વિધાનસભામાં ખરડો લાવવામાં આવશે એમ પણ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેના નેતૃત્વ હેઠળની સમિતિની બધી જ ભલામણોનો તેમાં સમાવેશ કરાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે લોકાયુક્ત હાઈ કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ હશે. મુખ્ય પ્રધાનને પણ લોકાયુક્તની કાર્યકક્ષામાં લાવવામાં આવશે, એમ પણ ફડણવીસ કહ્યું હતું. વિપક્ષના મહાપુરુષોના અપમાનના મુદ્દાની હાંસી ઉડાવતાં તેમણે કહ્યું હતું કે ઉદયનરાજે પાસે શિવાજી મહારાજના વંશજ હોવાના પુરાવા માગનારા, વારંવાર મહારાષ્ટ્રના મહાપુરુષોનું અપમાન કરનારા લોકોની સાથે બેસનારા લોકોને ભાજપની ટીકા કરવાનો અધિકાર નથી.
———-
સરકાર ૧૧ ખરડા રજૂ કરશે
મહારાષ્ટ્ર સરકાર ૧૯મી ડિસેમ્બરથી ૩૦મી ડિસેમ્બર સુધી ચાલનારા વિધાનસભાના શિયાળુસત્રમાં કુલ ૧૧ ખરડા મંજૂરી માટે લાવશે એવું જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ (ત્રીજો સુધારો) ખરડો ૨૦૨૨, જેમાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિના સભ્યોની સંખ્યા વધારવાની જોગવાઈ છે તેને માંડવામાં આવશે. આવી જ રીતે મહારાષ્ટ્ર સ્ટેટ એગ્રિકલ્ચર પ્રોડ્યુસ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) અમેન્ડમેન્ટ બિલ, ૨૦૨૨ પણ રજૂ કરવામાં આવશે. મુંબઈ મહાનગરપાલિકા સંબંધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીજો સુધારો) બિલ, ૨૦૨૨ રજૂ કરવામાં આવશે અને તેમાં જમીન અને ઈમારતોની કેપિટલ લેન્ડ વેલ્યુમાં સુધારો કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
———
ઉદ્ધવ ઠાકરે વિધાનસભા સત્રમાં હાજરી આપશે
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાન પરિષદના સભ્ય ઉદ્ધવ ઠાકરે સોમવારથી ચાલુ થઈ રહેલા વિધાનસભાના શિયાળુ સત્રમાં હાજરી આપશે એમ વિપક્ષી નેતા અજિત પવારે કહ્યું હતું.
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભાના મુંબઈમાં આયોજિત ચોમાસુ સત્રમાં એકેય દિવસ હાજરી આપી નહોતી.
અહીં ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપતી વખતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ વિધાન પરિષદના સભ્ય તરીકે પણ રાજીનામું આપશે, પરંતુ તેઓ હજી વિધાન પરિષદના સભ્ય છે.
————
મહારાષ્ટ્રના વિકાસ માટે ફડણવીસે મુખ્ય પ્રધાન બનવું જોઈએ: બાવનકુળે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ રવિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં એવું નિવેદન કર્યું હતું કે જ્યાં સુધી હું પાર્ટીના રાજ્ય એકમનો અધ્યક્ષ છું ત્યાં સુધી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવું જોઈએ, જેથી રાજ્યનો સર્વાંગી વિકાસ થઈ શકે.
બાવનકુળે દ્વારા બાદમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેઓ ૨૦૨૪ વિધાનસભા ચૂંટણી બાદના પરિણામોના સંદર્ભમાં બોલી રહ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે બાવનકુળેના પૂરોગામી ચંદ્રકાંત પાટીલે જાહેરમાં કહ્યું હતું કે દેવેન્દ્ર
ફડણવીસને બદલે એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય ભારે હૈયે લેવામાં આવ્યો છે.
આ બાબતને ધ્યાનમાં લેવામાં આવે તો બાવનકુળેના નિવેદન પરથી એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભાજપ અત્યારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું કોઈ સન્માન કરતી નથી એવી ટીકા કૉંગ્રેસ દ્વારા રવિવારે કરવામાં આવી હતી.
———
વડા પ્રધાન રશિયા-યુક્રેન યુદ્ધમાં મધ્યસ્થી કરે છે, મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદમાં નહીં: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના સંસદસભ્ય સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેન યુદ્ધમાં મધ્યસ્થી કરે છે, જ્યારે બીજી તરફ તેઓ મહારાષ્ટ્ર-કર્ણાટક વચ્ચે સીમાવિવાદ જોર પકડી રહ્યો છે તેના તરફ તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે. આ એક સારા રાજકારણીની નિશાની નથી.
શિવસેનાના મુખપત્ર સામનામાં તેમની સાપ્તાહિક કોલમ રોખઠોકમાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદ માનવતા માટેનો સંઘર્ષ છે, બંને રાજ્યોના
લોકો કે સરકારો વચ્ચેનો સંઘર્ષ નથી. મહારાષ્ટ્ર લાંબા સમયથી બેલગામ અને આસપાસના વિસ્તારોનો વિસ્તાર પર દાવો કરી રહ્યો છે, પરંતુ હવે કર્ણાટકના મુખ્ય પ્રધાને સાંગલીના વિસ્તારો પર દાવો કર્યો છે. જો કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ આ વિવાદનો નિપટારો કરી શકતા ન હોય તો ન્યાય ક્યાં માગવો? વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદ પર ધ્યાન ન આપી શકે તે સારા રાજકારણીની નિશાની નથી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિવાદને ઉકેલવા માટે પહેલ કરી છે, પરંતુ શું કેન્દ્ર સરકાર નિષ્પક્ષ રહી શકશે? એવા સવાલ સંજય રાઉતે કર્યા છે.