દહેરાદૂન : ઉત્તરાખંડના મુખ્ય પ્રધાને શુક્રવારે ચારધામ યાત્રાને લીલી ઝંડી બતાવી હતી ઉત્તરાખંડ સરકાર આ માટે છેલ્લા ઘણા મહિનાઓથી તૈયારીઓ કરી રહી હતી. યાત્રા યોગ્ય રીતે પૂર્ણ થાય તે માટે સ્થાનિક વહીવટીતંત્ર સખત મહેનત કરી રહ્યું છે.
દરમિયાન, રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી એ યાત્રાને લઈને મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે કે લોકોની યાત્રા સરળ અને સલામત રહે તે માટે, યાત્રાની શરૂઆત પહેલા તમામ વિભાગોએ કોઈપણ આપત્તિ, અકસ્માતની પરિસ્થિતિ માટે તૈયારી ચકાસવા મોકડ્રિલ કરી છે. મુખ્યમંત્રીએ હૃષીકેશથી રાજ્યમાં ચાર ધામ યાત્રાને લીલી ઝંડી બતાવી હતી.
આઇએસબીટી હૃષીકેશથી ચારધામ યાત્રા-૨ર૨૩ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, અત્યાર સુધીમાં લગભગ ૧૬ લાખ લોકોએ ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એક વીડિયો શેર કરતા મુખ્યમંત્રીએ ટ્વીટમાં કહ્યું છે કે, ચારધામ યાત્રા ૨૦૨૩માં દેવભૂમિ ઉત્તરાખંડમાં વિશ્ર્વભરમાંથી આવનારા શ્રદ્ધાળુઓનું હાર્દિક સ્વાગત અને શુભેચ્છાઓ. આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ હેઠળ ભવ્ય અને દિવ્ય ચારધામની કલ્પનાને નક્કર આકાર આપીને રોડ, રેલ અને રોપ-વેનું સતત નિર્માણ કરવામાં આવી રહ્યું છે.૨૨ એપ્રિલે ગંગોત્રી ધામના દ્વાર ખુલશે. પરંતુ ત્યાં થયેલી તાજી બરફ વર્ષાને કારણે સમગ્ર વિસ્તાર બરફની ચાદર હેઠળ છે, જેને લીધે તૈયારીઓમાં અડચણ આવી રહી છે. ચમોલી અને આસપાસના વિસ્તારમાં થઇ રહેલી વર્ષાને કારણે બદરીનાથ ધામમાં પણ બરફ વર્ષા થઇ છે અને પહાડોમાં બધે જ બરફ દેખાઈ રહ્યો છે.