બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ
ડિસેમ્બર મહિનામાં રાત્રિઆકાશની શોભા ઘણી હોય છે. લાલ, પીળા, સફેદ અને નીલા રંગના તારા આકાશને દેદીપ્યમાન કરતા નજરે ચઢે છે. આ સમય દરમિયાન માગશર મહિનો ચાલતો હોવાથી આકાશમાં કૃત્તિકા, બ્રહ્મહૃદય, રોહિણી, મૃગનક્ષત્રના તારા, વ્યાઘ્રનો તારો, અભિજિત, શ્રવણ, હંસપૃચ્છ, મઘા વગેરે પ્રકાશિત તારા નજરે ચઢે છે. આ સમયનું આકાશ હકીકતમાં પ્રકાશિત તારાથી ભરેલું હોય છે. તેમાં વળી કોઈ કોઈવાર શનિ, ગુરૂ, શુક્ર, મંગળ જેવા પ્રકાશિત ગ્રહો પણ રાત્રિઆકાશની શોભામાં અભિવૃદ્ધિ કરતા હોય છે. ચંદ્રને પોતાની ભવ્યતા અને દિવ્યતા છે, પણ તે તારાની ભવ્યતા અને દિવ્યતાને ઝાંખપ લગાડે છે. કૃષ્ણપક્ષમાં ચંદ્ર દરરોજ લગભગ ૫૨(બાવન) મિનીટ મોડો ઉદય પામે છે, તેથી તારાની દુનિયાને થોડો ઓછો, રાત્રિઆકાશના પ્રારંભના સમયને ઓછો ન્યુસન્સ કરે છે. જેમ જેમ કૃષ્ણપક્ષના દિવસો આગળને આગળ વધતાં જાય છે, તેમ તેમ ચંદ્ર રાત્રિઆકાશની તારાની દુનિયાને ઓછોને ઓછો ન્યુસન્સ કરતો જાય છે. કૃષ્ણપક્ષના છેલ્લા દિવસોમાં પરોઢના સમયે તે બીજના ચંદ્ર તરફ આગળ વધતો જાય છે અને છેવટે તે વદ તેરસ અને ચૌદશે ભગવાન શંકરનો ચંદ્રશેખરનો ચંદ્ર બની જાય છે.
વદ તેરસ અને ચૌદશે પરોઢિયે ઉદય પામતો ચંદ્ર કાળી રાત્રિએ તારાની દુનિયામાં ખૂબ જ ભવ્ય દેખાય છે. તેની નજીકમાં પરોઢિયે જો શુક્ર હોય ત્યારે તો રાત્રિ આકાશ નયનરમ્ય બની જાય છે. વદ તેરસના ચંદ્રે જ શંકર ભગવાનને ચંદ્રશેખર બનાવ્યા છે, કાળીરાત્રિરૂપી કાળી જટામાં સોહાયમાન ચંદ્ર.
લગભગ ૨૦૦૦ વર્ષ પૂર્વે આ બધા તારામાં એક તારો વિશિષ્ટ દેખાતો હતો. તે હકીકતમાં શું હતો તેની ચર્ચા વિજ્ઞાનીઓ હજુ પણ કરે છે. આ તારો હતો જેરુસાલેમની નજીક બૅથલ્હેમ પર ઈસુના જન્મ વખતે દેખાયેલો તારો હતો. તેથી તેને બૅથલ્હેમનો તારો કહે છે.
ખ્રિસ્તીઓની માન્યતા પ્રમાણે બૅથલ્હેમનો તારો ભગવાન ઈસુના જન્મની આગાહી કરતો તારો હતો, જે બૅથલ્હેમના રાત્રિ આકાશમાં પરોઢિયે દેખાતો હતો અને ત્રણ ખ્રિસ્તીઓના ગુરુઓ તેને અનુસર્યા હતા.
મેથ્યુના ગૉસ્પેલમાં વર્ણવ્યું છે તે પ્રમાણે બૅથલ્હેમ પર ઉદય પામેલો તારો દિવસે દિવસે પ્રકાશિત થતો જતો હતો અને તેને પૂંછડી પણ કાઢી હતી. આ સમયે જેરુસાલેમ પર હેરોડ નામનો રાજા રાજ્ય કરતો હતો. ૨૦૦૦ વર્ષ પૂર્વે ખગોળવિજ્ઞાન એ રીતે આગળ વધ્યું ન હતું જે હાલમાં છે, તેથી ચંદ્ર સિવાયના રાત્રિ આકાશનાં બધા જ પ્રકાશિત અને ઓછા પ્રકાશિત આકાશીપિંડોને તારા જ કહેવાતા શુક્રના ગ્રહને ઉષા અને સંધ્યાનો તારો જ કહેવામાં આવતો (મોર્નિંગ એન્ડ ઈવનીંગ સ્ટાર, ખજ્ઞક્ષિશક્ષલ ફક્ષમ ઊદયક્ષશક્ષલ જફિિં ભોર અને સંધ્યાનો તારો). તારા, ગ્રહો, ઉપગ્રહો, ખરતા તારા, લઘુગ્રહો, નોવા, સુપરનોવા, ધૂમકેતુ એવાં નામો તો અર્વાચીન ખગોળ અભ્યાસે આપ્યાં.
મુસ્લિમ બિરાદરોના લીલા ધ્વજમાં જે ચંદ્રની અંદર તારો દેખાડે છે તે ચિહ્ન વૈજ્ઞાનિક રીતે ખોટું છે, કારણ કે ચંદ્ર તો આપણાથી ઘણો નજીક છે અને તારા તો અબજો કિ.મી.ના અંતરે છે તે ચંદ્રની અંદર દેખાય નહીં, તેને તો ચંદ્ર ઢાંકે. બીજું કે ચંદ્ર અપારદર્શક હોવાથી તેમાં તારો હોઈ શકે નહીં, તે તારાને સંપૂર્ણપણે ઢાંકે.
બૅથલ્હેમનો તારો ભગવાન ઈસુના જન્મ સાથે સંકળાયેલો છે. ઈસુનો જન્મ હેરોડ રાજા જ્યારે જેરુસાલેમ પર રાજ્ય કરતો હતો ત્યારે થયો હતો પણ આ સમય ઈસુના જન્મ પહેલાં ૩૯ થી ૪૦ વર્ષનો હતો. ઈસુના જન્મ સાથે જોડાયેલો બૅથલ્હેમનો તારો ખરેખર શું હતો તે જાણવા આપણે તે સમયનાં ખગોળ નિરીક્ષકોની નોંધો પર આધાર રાખવો પડે. બીજું ઈસુનો જન્મ ખરેખર ક્યારે થયો હતો તે પણ જાણવું પડે. સેન્ટ મેથ્યુના કે સેન્ટ લ્યુકના ગૉસ્પેલોમાં આ બાબતની તારીખ વિશે કાંઈ પણ ઉલ્લેખ નથી. તેથી આ બાબત વધારે ગૂંચવાયેલી છે. તેથી દુનિયાના તે સમયના બધાં જ ખગોળનિરીક્ષકોનાં નિરીક્ષણોની નોંધોનો અભ્યાસ કરવો પડે.
એક નોંધ પ્રમાણે ચીનાઓએ ઈસ પૂર્વેના પાંચમાં વર્ષે માર્ચની ૯ અને એપ્રિલની ૬ તારીખ વચ્ચે મકરરાશિમાં એક પ્રકાશિત તારો જોયો હતો અને તેને પૂંછડી હતી, એટલે કે તે ધૂમકેતુ હતો. એમ પણ જણાય છે કે તે નોવા (ન્યુસ્ટાર, તારાનો નાનો વિસ્ફોટ) હતો.
ઈસુ પહેલાંના ચોથા વર્ષમાં એપ્રિલ મહિનાની ૪ તારીખે ગરૂડ નક્ષત્રમાં એક બીજો નોવા દેખાયેલો હોવાની પણ નોંધ થઈ છે.
ઈસુ પૂર્વે સાતમા અને છઠ્ઠા વર્ષે મીન રાશિમાં શનિ અને ગુરુની યુતિ પણ થઈ હતી. આ રાશિમાં ગ્રહોની વક્રગતિને લીધે આ બે ગ્રહોની ત્રણવાર યુતિ થઈ હતી. આ જ અરસામાં બીજી એક ખગોળીય ઘટના પરોઢના સમયે પ્રકાશિત શુક્રના તારાની (ગ્રહની) થઈ હતી.
ઈસુના જન્મ પહેલાંના બીજા વર્ષે જૂન મહિનામાં સિંહરાશિના પ્રકાશિત મઘા તારા નજીક ગુરુ અને શુક્રગ્રહની યુતિ થઈ હતી, પણ આ સમયે રાજા હેરોડ મૃત્યુ પામી ગયો હતો. કોઈ માને છે કે તે ત્યારે હજુ જીવતો હતો.
આ બધી ખગોળીય ઘટના પરથી લાગે છે કે ઈસુના જન્મ વખતે દેખાયેલો બૅથલ્હેમનો તારો મોટાભાગે ગુરુ અને શનિની યુતિ હતી, જે તે સમયે મીનરાશિમાં થઈ હતી. દર ૨૦ વર્ષે આ બે ગ્રહોની આકાશના તે જ ભાગમાં યુતિ થાય છે અને દર ૧૨૦ વર્ષે તેઓની છ મહિનામાં ત્રણવાર યુતિ થાય છે. ૨૦૦૦ વર્ષમાં આવી યુતિ થાય. આવી યુતિ મીન રાશિમાં લગભગ ૮૦૦ વર્ષે થાય, એટલે કે ૨૦૦૦ વર્ષમાં ગુરુ-શનિની મીનરાશિમાં યુતિ લગભગ બે વાર થાય. યહૂદી લોકો માટે ગુરુ-શનિની મીનરાશિમાં યુતિ ખૂબ જ અગત્ય ધરાવે છે. તેઓ શનિને વૃદ્ધ રાજા માને છે અને ગુરુને યુવાન રાજા માને છે. યહૂદી લોકો આ યુતિને નવા યુગનો પ્રારંભ માનતા. આ અર્થમાં તે ત્રણ ખ્રિસ્તી ધર્મગુરુઓએ બૅથલ્હેમના તારાના ઉદય સંદર્ભે નવા રાજાના ઉદયની વાત કહી હોવી જોઈએ. તેઓએ કદાચ ગુરુ-શનિની યુતિની આગાહી કરી હોવી જોઈએ અને તેના સંદર્ભે ઉપરોક્ત સંદેશ વહેતો મુક્યો હોવો જોઈએ. એ સ્પષ્ટ છે કે આ ત્રણેય ખ્રિસ્તી ધર્મગુરુઓ જ્યોતિષીઓ તો હતા જ. ગુરુ-શનિની યુતિ આ આકાશીપિંડો (ગ્રહો) ખૂબ જ નજીક આવી ગયા હોય અને તે એક ખૂબ જ પ્રકાશિત તારા તરીકે દેખાતા હોય. આવું બની શકે છે, કારણ કે શનિ જો કે ગુરુથી ૭૫ કરોડ કિ.મી. દૂર છે પણ તે બરાબર ગુરુની પાછળ આવી ગયો હોય તો ગુરુ-શનિની જોડીનો પ્રકાશ ખૂબ જ વધી જાય. (ક્રમશ:)