યમનની રાજધાની સનામાં બુધવારની રાતે જકાતનું વિતરણ કરવાના એક કાર્યક્રમ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. મીડિયા રીપોર્ટસ અનુસાર નાસભાગમાં 80થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. હુતી સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે સનાના બાબ અલ-યમન જિલ્લામાં ભાગદોડ મચી જવાથી 80થી વધુ લોકો માર્યા ગયા અને 322 થી વધુ ઘાયલ થયા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના એક શાળાની અંદર બની હતી જ્યાં રમઝાન નિમિત્તે જકાતનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. દાન વિતરણ કાર્યક્રમ દરમિયાન નાસભાગમાં 80 થી વધુ લોકો માર્યા ગયા છે, મૃત્યુ પામેલા લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સામેલ છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.
નાસભાગ બાદ આસપાસના વિસ્તારમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. લોકો તેમના સંબંધીઓની શોધ માટે ઘટના સ્થળે પહોંચી રહ્યા છે, પરંતુ તેમને ઘટના સ્થળે જતા અટકાવવામાં આવી રહ્યા છે. યમનના ગૃહ મંત્રાલયે આપેલી માહિતી મુજબ મૃતકો અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. નાણાં વિતરણ કાર્યક્રમનું આયોજન કરનારાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જો કે, હુથી શાસિત સરકારના ગૃહ મંત્રાલયે માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની ચોક્કસ વિગતો આપી નથી.
સુત્રોએ જણવ્યું કે કેટલાક વેપારીઓએ પૈસા વહેંચવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જે દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાથી સંબંધિત વીડિયોમાં એક મોટા કમ્પાઉન્ડની અંદર જમીન પર શબ પડેલા જોવા મળે છે.