ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી ટોચના પુરસ્કારમાં જેની ગણતરી થાય છે એવો ઓસ્કાર એવોર્ડ આજે લોસ એન્જલસના ડોલ્બી થિયેરમાં પાર પડ્યો હતો. ઈન્ડિયન ટાઈમ પ્રમાણે સવારે છ વાગ્યે આ શોની શરૂઆત થઈ હતી.
ઓસ્કાર એવોર્ડનું આ 95મુ વર્ષ હોઈ ભારતીયો માટે આ એવોર્ડ ફંક્શન ખૂબ જ મહત્ત્વનો હતો, કારણ કે ઈન્ડિયન ફિલ્મ આરઆરઆરના નાટુ નાટુ ગીતને મ્યુઝિક કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું અને આખરે નાટુ નાટુને ઓસ્કાર મળ્યો અને ભારતીયો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. આ બધા વચ્ચે ફિલ્મના ડિરેક્ટર એસએસ રાજામૌલી સોશિયલ મીડિયા પર લોકોની ચર્ચાનું કારણ બન્યા હતા.
રાજામૌલી ચર્ચામાં આવ્યા એનું કારણ હતું તેમનું સાદગીપૂર્ણ આઉટફિટ… ઓસ્કારના રેડ કાર્પેટ પર રાજામૌલીએ હાજરી પુરાવી હતી અને લોકો તેમના આ સિમ્પલ અને ગ્રેસફૂલ લૂકને જોઈને એકદમ ચોંકી ઉઠ્યા હતા. ઓસ્કારમાં આસપાસમાં જ્યાં લોકો સૂટ-બૂટમાં ફરી રહ્યા હતા ત્યાં રાજામૌલીએ પોતાની ભારતીય સંસ્કૃતિનો પરિચય લોકોને આપ્યો હતો. આ એવોર્ડના રેડકાર્પેટમાં રાજામૌલી ધોતી, કૂર્તો અને મોજડી પહેરીને પહોંચ્યા હતા.
તેમનો આ લૂક સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યું હતું. તેમને પરંપરા પ્રત્યેનું આકર્ષણ, આસ્થા તેમના પહેરવેશ પરથી દેખાઈ રહી છે એવી કમેન્ટ પણ ચાહકોએ કરી હતી.
એટલું જ નહીં જુનિયર એનટીઆર અને રામચરણ પણ આ એવોર્ડ ફંક્શનમાં હાજર રહ્યા હતા અને તેમણે પણ ઈન્ડિયન સ્ટાઈલ આઉટફિટ પહેર્યા હતા. કાળા રંગના ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટ તેમણે પહેર્યા હતા….