ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)માં ગુરુવારે રમાયેલી રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે(KKR) સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH)ને પાંચ રનથી હરાવ્યું હતું..
KKRએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા KKRએ હૈદરાબાદ સામે જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. KKRના અફઘાન વિકેટકીપર રહેમાનુલ્લાહ ગુરબાઝ 0 રન અને વેંકટેશ ઐયર 7 રન બનાવી આઉટ થઇ જતા KKRની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ અહીંથી કેપ્ટન નીતિશ રાણાએ 42 રણ, રિંકુ સિંહે 46 રન અને આન્દ્રે રસેલે 24 રન બનાવી ઇનિંગને આગળ વધારી હતી. KKR 9 વિકેટે 171 રનના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. SRH તરફથી માર્કો જેસન અને ટી. નટરાજને બે-બે વિકેટ લીધી હતી જ્યારે ભુવનેશ્વર, કાર્તિક, માર્કરામ અને માર્કંડેએ એક-એક વિકેટ લીધી હતી.
જીત માટે 172 રનનો પીછો કરવા ઉતારેલી હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી કારણ કે મયંક અગ્રવાલ 18 રન અને અભિષેક શર્મા 9 રનમાં આઉટ થઇ ગયા. રાહુલ ત્રિપાઠી પણ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો તે 20 રન બનાવી આઉટ થઇ ગયો. ત્યાર બાદ હેરી બ્રુક ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો ત્યારે એવું લાગી રહ્યું હતું કે હૈદરાબાદ હારના રસ્તા પર પર છે. પરંતુ કેપ્ટન માર્કરામ અને હેનરિક ક્લાસેને ઝડપી બેટિંગ કરીને ટીમને ટ્રેક પર લાવી દીધી, તો અબ્દુલ સમદ 21 રન બનાવી હૈદરાબાદની જીતની આશા જગાડી હતી.
અંતિમ નિર્ણાયક ક્ષણોમાં હૈદરાબાદની વિકેટો ઝડપથી પડી ગઈ. છેલ્લી ઓવરમાં હૈદરાબાદે જીતવા માટે નવ રન અને છેલ્લા બોલ પર છ રન બનાવવાના હતા, સામે છેડે વરુણ ચક્રવર્તીએ ધારદાર બોલિંગ કરી હતી. ચક્રવર્તીએ છેલ્લી ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા હતા. આ સાથે KKR એ મેચ પાંચ રને જીતી લીધી હતી. KKR તરફથી વૈભવ અને શાર્દુલે બે-બે વિકેટ લીધી હતી જ્યારે હર્ષિત રાણા, આન્દ્રે રસેલ, અનુકુલ રોય અને ચક્રવર્તીએ એક-એક વિકેટ લીધી હતી.