મધુ રાયની વાર્તા -મધુ રાય
છોકરીનું નામ લહરી હતું. ઉંમર બાવીસ, ત્રેવીસ: એની સાથે એક વૃદ્ધવયનો માણસ હતો. બન્ને ચોવીસમી સ્ટ્રિટ પરથી ફિફ્થ એવેન્યૂ પર આવ્યાં. હાથ લંબાવી તેની સાથેના માણસે કહ્યું, ‘આ જુઓ, આ ફિક્થ એવેન્યૂ, અને તેને કૈંચી કટથી ક્રોસ કરે છે, તે આ બ્રોડવે.’ તેની સાથેનો વૃદ્ધવયનો એ માણસ તે હું હતો.
‘બ્રોડવે હા!’ લહરીએ માથું હલાવી હા પાડી.
‘અને અહીંયાં ઊભાં રહીને ચારે તરફ તમે આકાશ સામે જુઓ તો એકેએક મકાન પોતાની અલગ અલગ છટા બતાવશે. જુઓ, આ જુઓ, આ સ્ટીમરના આકારમાં આ બિલ્ડિંગ કેવું જુદું લાગે છે.’
‘જુદું લાગે છે, હા!’ લહરીએ માથું હલાવી હા પાડી.
‘એને ‘ફ્લેટ આયર્ન બિલ્ડિંગ’ કહેવાય છે.’ મેં ડહાપણના ડોળથી કહ્યું. લહરીની આંખો અચાનક છાલકાઈ ઊઠી. કાજળવાળાં પોપચાંમાંથી બે કાળા લીટા લસર્યા, રેલના પાટાની જેમ તેના સરિયામ ગાલ ઉપર સરતા સરતા અલોપ થઈ ગયા. છોકરીના કપાળ ઉપર બે ઝીણા વાળ તેના માથામાંથી વાંકા વળીને ઊડતા હતા, એ બે ઝીણા વાળ તેના લમણા ઉપર જાણે કે નાનાં નગારાં વગાડતા હતા. લહરીએ બેધ્યાન રીતે કપાળે ખંજવાળ કરી. વાળ ફરીથી ગલી કરવા લાગ્યા. લહરીનું ધ્યાન બીજે હતું. વાળને ગણકાર્યા વિના રશ અવર્સમાં સ્ટીમરના આકારની ફ્લેટ આયર્ન બિલ્ડિંગ તરફ સરકતી એક ટેક્સીની નંબરપ્લેટ તે જોવા લાગી.
‘હા, આ બિલ્ડિંગ ઘણી ફિલ્મોમાં બતાવતા હોય છે,’ લહરીએ ફરી માથું હલાવ્યું. ‘ન્યૂયોર્ક બતાવવું હોય એટલે આ મકાન બતાવે.’
‘સાચું, આવો, આપણે ક્રોસ કરીએ, ત્યાં સામે બગીચો છે, એમાં ખાલી ખાલી ફરવાથી પણ મન પ્રફુલ્લ થશે.’
બન્નેએ રસ્તો ક્રોસ કર્યો. મને થયું, હું લહરીનું બાંવડું પકડી રસ્તો પાર કરાવું, પણ સામું લહરીએ મને દોરતી હોય તેમ મારા ખભે પોતાની હાથની આંગળીઓ અડકાડી રસ્તો પાર કરાવવાનો વિવેક કર્યો.
લહરી બગીચાની બેન્ચ ઉપર ઊભડક બેઠી. જાણે કોઈ તેને ઊભા થવા કહે તો તરત થઈ શકે. એની આંખોમાં પાણી ભરાયું, અને મેં તે આંખોની સામે જોયું. તેની આંખોએ પાણીના પરદા પાછળથી કાંઈક ચેતવણીનો ઇંગિત કરીને, મેં આપેલી ‘હું કાંઈ નહીં પૂછું’ એવી ખાતરી મૂંગા મૂંગા યાદ દેવડાવી. પરંતુ, હું કાંઈ નહીં પૂછું એ ખાતરીની સાથે સાથે, મેં જાત સાથે એવી શરત પણ કરી હતી કે લહરી તેની ઉદાસીનું કારણ મને સામેથી કહે તો પણ મેં નથી સાંભળ્યું એવો દેખાવ કરવાનો, અને કાંઈ સલાહ ન આપવી, ન સહાનુભૂતિ દર્શાવવી, કોઈ રીતે લહરીના દુ:ખમાં શામિલ નહીં થવું.
રવિવારની બપોરે હર હફતે સિકસ્થ એવેન્યુની શેરીઓના નાકે નાકે પાર્કિંગ લોટ્સમાં ગુજરીની બજારો ભરાય છે. એમાં જૂનાં મેજ, ખુરશીઓ, રોશનદાન, ‘એન્ટિક’ બનીને વેચાવા આવે છે. કેટલાક લોકો પોતાનાં પુરાણાં ખજાના અદલા-બદલી કરવા આવે છે. અને દર વર્ષે
ફક્ત એક દિવસ, ફક્ત ચોથી જુલાઈના રોજ રજાના દિવસે, શહેરીઓ પોતાનાં પુરાણાં સુખદુ:ખ જોખાવવા, વેચવા આ ફ્લી-માર્કેટમાં આવે છે. આજે હું અને લહરી પોતપોતાનાં દુ:ખોની પ્લાસ્ટિક બેગ હાથમાં પકડીને આ બાગમાં બેઠાં છીએ, કેમકે વર્ષોથી વેઠેલાં, પંપાળેલાં, પુરાણાં દુ:ખોને ફ્લી-માર્કેટમાં સાવ અચાનક અજાણ્યાંના હાથમાં આપતાં આપી દેતાં જીવ કચવાય છે.
ફ્લી-માર્કેટમાં સામેથી એક ભણેલીગણેલી, યુવાન, દેખાવડી, ગરમ શ્ર્વાસોચ્છ્વાસ લેતી આ છોકરી આવે છે, પ્રતાપી સૂરજના ક્રોધીલા તાપની પણ ક્ષમા ચાહતી હોય તેમ, તે આંખે તેની ઝીણી આંગળીઓનો છાંયો કરે છે. પછી ફ્લી-માર્કેટમાં આવ્યાની ક્ષમા ચાહતી હોય તેમ તે ગુજરીની ભીડ તરફ જુએ છે. હું તેના ટીશર્ટ પર ચીતરેલા પિયાનોના કીબોર્ડની ચાવીઓ જોઉં છું.
‘એન્ટિક લેવા આવ્યાં છો?’ હું પૂછું છું.
બોલ્યા વિના ફ્કત માથું હલાવીને છોકરી ના પાડે છે. ઘડીભર લાગે છે કે તે ભાષા સમજી નથી. પછી છોકરી તેના કોપીરાઈટ ગરમ શ્ર્વાસ લે છે. કહે છે:
‘મારું નામ લહરી.’ લહરીનાં પોપચાંનાં શકોરાંમાં અડાલજની વાવ જેવાં પાણી થથરે છે.
‘મારું નામ અનુપમ.’ હું કહું છું.
થોડી વાર વિચાર કરીને લહરી હસે છે. પછી એકદમ દાંત દેખાડીને કહે છે:
‘આપણાં બન્નેનાં નામનાં છ-છ અક્ષર છે.’
હું મનોમન અક્ષરો ગણું છું: એલ-એ-એચ-એ-આર-આઈ… એ-એન-યુ…
અમે બન્ને બીજી તરફ આંખો ફેરવી લઈએ છીએ. મેં નજરે જોયું નથી પણ મને ખબર છે કે લહરીની આંખો ફરી અડાલજને અડકી આવી છે. લહરી પણ મારી જેમ જ પુરાણાં દુ:ખ આજે ગુજરીમાં વેચવા આવી છે. હું કહું છું:
‘આવો બીજી હાટડીઓ જોઈશું?’
અને લહરી મૂગી મૂગી હા પાડી મારો હાથ પકડી ચાલવા માંડે છે.
હાથ લંબાવી હું કહું છું:
‘જુઓ, હું કાંઈ પૂછીશ નહીં.’
માથું હલાવી છોકરી સંમતિ સૂચવે છે, અને આંખો હલાવી કૃતજ્ઞતા દર્શાવે છે. અને હું મનોમન જાતને ખાતરી આપું છું, કે લહરી તેનું દુ:ખ મને કહેશે તો પણ હું ન સાંભળવાનો દેખાવ કરીશ, અને સલાહ નહીં આપું, કે બીજી કોઈ રીતે તેના દુ:ખમાં ભાગ નહીં પડાવું. અમે બન્ને ચોવીસમી સ્ટ્રીટ પરથી ફિફ્થ એવેન્યુ પર આવીએ છીએ, અને હાથ લંબાવી હું તેને કહું છું:
‘આ જુઓ, આ ફિફ્થ એવેન્યૂ, તેને કૈંચી કટથી ક્રોસ કરે છે, તે આ બ્રોડવે.’
અને અમે ક્યારનાં આ બગીચાની બેન્ચ ઉપર બેઠાં છીએ.
ઘણી વાર સુધી ચૂપચાપ બેસી રહ્યાથી સારું લાગે છે. અમે બન્ને એકબીજાંને માટે અજાણ્યાં હોવાથી કૃતજ્ઞતા અનુભવીએ છીએ. કોઈએ કોઈને પૂછવાની જરૂર નથી, કેમ ચૂપ છો? શું વિચારો છો? કશી ચિંતામાં છો? પોતપોતાની ઝોળીમાં પોતપોતાનાં દુ:ખનાં પડીકાં બાંધી યોગ્ય પાત્રની સાથે અદલા-બદલી કરવાની અપેક્ષાએ અમે બેઠાં છીએ.
‘એક વાર્તા કહું, ખાલી ટાઈમ પાસ માટે?’ હું પૂછું છું.
લહરીની આંખો થથરી ઊઠે છે. હવે જાણે દુ:ખની આડે બાંધેલો પાટો ખોલવો પડશે. હું હાથની ઈશારત કરી સૂચવું છું, અને સાથે સાથે કહું છું, કે મારી વાર્તાને અને તેના દુ:ખને, કે મારા દુ:ખને કે બીજી કોઈ ચીજને કોઈ સંબંધ નથી. લહરી માથું નમાવી હા પાડે છે.
એક રાજકુમાર હતો, હું કહું છું. તેણે હઠ કરી કે મારે ચંદ્ર જોઈએ. રાજ્યમાં બધા ગભરાયાં કે ચંદ્ર ક્યાંથી લાવવો, ચંદ્ર ક્યાંથી લાવવો?
આખરે રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે રાજકુમારને ચંદ્ર લાવી આપે તેને અડધું રાજપાટ ઈનામમાં મળશે. તો રાજ્યના એક ડાહ્યા માણસે રાજકુમાર સાથે વાત કરવાની રજા માગી.
વાત કરતાં કરતાં હું અટકું છું. ખ્યાલ આવે છે કે વાતમાં હું ઉમેરા કરતો કરતો વાર્તા કહું છું, જાણે એમ કરવાથી મૂળ લખનારાએ જે લખ્યું હોય તેના ઉપરથી તેનું નામ ભૂંસીને હું નવી વાર્તા બનાવું છું.
ડાહ્યા માણસે રાજકુમારને પૂછ્યું કે રાજકુમાર, રાજકુમાર, તમારે ચન્દ્ર જોઈએ છે તે ક્યાં છે?
રાજકુમાર કહે છે, ચન્દ્ર આકાશમાં છે.
ચન્દ્ર ક્યાં રહે છે?
ચન્દ્ર આ બારીની સામેનાં ઝાડની પાછળથી નીકળીને ફરતો ફરતો પેલા પહાડ પાછળ ચાલ્યો જાય છે.
તે કઈ રીતે ફરતો ફરતો જાય છે?
વાદળોની ગાડીમાં બેસીને.
એ શાનો બનેલો છે?
ચન્દ્ર સફેદ માવાનો બનેલો છે.
અને ચન્દ્ર કેવડો મોટો હોય?
ચન્દ્ર થાળી જેવડો મોટો હોય છે!
ડાહ્યા માણસે રાજાને જણાવ્યું કે થાળીના આકારનો, માવાનો બનાવેલો ચન્દ્ર રાજકુમારને મગાવી આપો. રાજાએ એવો ચન્દ્ર બનાવડાવી રાજકુમારને આપ્યો. રાજકુમાર રાજી થઈ ગયો. પણ બધાના મનમાં ફાળ હતી કે હમણાં તો રાજકુમાર રાજી છે, પણ રાત પડ્યે આકાશમાં ચન્દ્ર ઊગશે ત્યારે રાજકુમાર કેવો કજિયો કરશે! વાત ફરતી ફરતી પેલા ડાહ્યા માણસ પાસે આવી. તો ડાહ્યો માણસ ફરી રાજકુમાર પાસે ગયો. સાંજ પડતાં બારીની બહારનાં ઝાડ પાછળથી ચન્દ્ર ઊગ્યો તે બતાવી તેણે રાજકુમારને પૂછ્યું કે રાજકુમાર, રાજકુમાર! આપણે તો ચન્દ્ર તમારા માટે લઈ આવ્યા તો પછી આ બીજો ચન્દ્ર ક્યાંથી આવ્યો?
રાજકુમારે હસીને કહ્યું કે ડાહ્યા માણસ, ડાહ્યા માણસ, તમેયે કેવી વાતો કરો છો? આપણો એક દાંત પડી જાય પછી બીજો નથી આવતો? આપણે ઝાડ ઉપરથી એક ફૂલ તોડી લઈએ તો બીજું ઊગે કે નહીં?
ડાહ્યા માણસે કહ્યું કે ઊગે, ઊગે, રાજકુમાર સાહેબ! અને એમ રાજકુમાર રાજી થઈને ચન્દ્ર સાથે રમવા લાગ્યો, રાજા પ્રસન્ન થયા, ડાહ્યા માણસને અડધું રાજપાટ આપ્યું અને બધાએ ખાધું પીધું ને રાજ કીધું.
વાર્તા પૂરી કરીને હું ચૂપ થઈ જાઉં છું. લહરી તેના પગ નીચેની માટીમાં ઊગી નીકળેલા લીલા ઘાસ ઉપર નજર રાખીને બેઠી છે. અમારી આસપાસ બે ખિસકોલીઓ સાતતાળી રમે છે. એમાંથી એક અચાનક અમને જુએ છે, મને જોઈ લહરી ઉપર તેની પોપૈયાનાં પાણીદાર બીજ જેવી આંખો સ્થિર કરે છે.
‘તમે બેટ્રી પાર્ક ગયા છો?’ લહરી સામાન્ય સ્વરમાં પૂછે છે.
કેટલીય વારથી પોતપોતાના ખાનગી સંતાપના તાપણે હાથ તાપતાં અમે ચૂપ બેઠાં છીએ, પાર્કમાં માણસોની આસપાસ ખિસકોલીઓ ખિસકોલીની સાતતાળી રમત રમે છે. તે તરફ નજર કરી લહરી કહે છે, ‘તમે બેટ્રી પાર્ક ગયા છો?’
હું નથી ગયો તેવું સૂચવું છું.
‘ત્યાં…’ છોકરી કહે છે, ‘આ સો – લોટ્સ ઑફ સ્કવીર્લ્સ ઇન બેટ્રી પાર્ક.’
હું કાંઈ કહેતો નથી.
લહરી કાંઈક નહીં કહેવા માગે છે, તેમાં વચ્ચે હોંકારો કેવળ બિનજરૂરી જ નહીં, ખલેલકર્તા છે. બેટ્રી પાર્કની ખિસકોલીઓની વાત કરીને લહરી શાની વાત નથી કરતી તેની પણ મને જિજ્ઞાસા નથી.
મને બસ ગમે છે કે લહરી વાત કરે છે. મને ગમે છે કે લહરી છે, અને પોતાના કશાય પણ અસુખથી આંખો વાવની જેમ છલકી જાય તેવી તે સરળ છે, અને અત્યારે મારી સાથે આ પાર્કની પાટલી ઉપર બેસીને ખિસકોલીની વાર્તા કહે તેવી પારદર્શક છે. અને તેની પણ મારી જેમ જ સહી ન શકાય અને કહી ન શકાય અને ગુજરીમાં કાઢી નાખવું પડે તેવું ખાનગી દુ:ખ છે, એની મને ઢાઢસ છે.
‘પણ તમને ખબર છે? બેટ્રી પાર્કની ખિસકોલીઓની પીઠ ઉપર ભગવાન રામની ત્રણ આંગળીઓનાં નિશાન નથી! તમને ખબર છે?’
મને કશી ખબર નથી કે બેટ્રી પાર્કની ખિસકોલીઓની પીઠે ભગવાન રામની આંગળીઓનાં નિશાન નથી. કે એ આંગળીઓનાં નિશાન કેમ નથી. કે કોઈ પણ ખિસકોલીની પીઠે ભગવાન રામની આંગળીઓનાં નિશાન શા માટે હોય.
‘અરે? યુ ડોન્ટ નો ધ સ્ટોરી?’ લહરી આંખોથી વઢવાનો અભિનય કરીને પૂછવાનો અભિનય કરે છે. સાતતાળી રમતી ખિસકોલીઓ તરફ આંગળી ચીંધી લહરી મને બતાવે છે. જોયું અહીં પણ ખિસકોલીઓની પીઠે રામ ભગવાનની આંગળીઓનાં નિશાન નથી. હું મેં તે જોયું તેમ સૂચવું છું. પછી કહું છું:
‘નહીં. ડોન્ટ નો ધ સ્ટોરી.’
અને જાણે આ જ વાત કરવા અમે અહીં આવ્યાં હોઈએ એવા ઉત્સાહથી લહરી બેટ્રી પાર્કની ખિસકોલીઓની પીઠે ભગવાન રામની આંગળીઓનાં નિશાનની કથા કહે છે. લહરીના કપાળ ઉપરના પેલા બે ઝીણા વાળ પણ અધવચ્ચ પોતાનો નાચ અટકાવી જાણે રામકથા સાંભળવા ઊભા રહે છે.
લહરી કહે છે કે જ્યારે રામ ભગવાન લંકા જીતવા ગયા ત્યારે વચ્ચે દરિયો આવ્યો. વાનરસેનાના મોટા મોટા લડવૈયા દરિયો કેમ પાર કરવો તેના વ્યૂહ ઘડતા હતા, બડી વિમાસણમાં પડ્યા હતા, ત્યારે યેહ એક ગિલહરી આયી રામ ભગવાન કે પાસ, કહેતી હૈ, રામ ભગવાન, રામ ભગવાન, ચલો મૈં દરિયા કે ઉપર પૂલ બાંધ દૂં. સભી લોગ હંસને લગે, કિ ઈતને બડે બડે સિપહસાલાર સોચ સોચ કે પાગલ હો ગયે કિ દરિયા કૈસે લાંઘા જાય, ઔર યેહ ઈત્તી સી ગિલહરી કેહતી હૈ કિ લાઓ પૂલ બાંધ દૂં? સભી લોગ ઝોર ઝોર સે હંસને લગે.
કહેતાં કહેતાં લહરી થંભીને મારી સામે જોવા લાગી. મેં મૂગામૂગા સૂચવ્યું કે હું એકદમ ધ્યાનથી સાંભળું છું. લહરીને આ કથા કહેવા જેટલા સમય પૂરતી માનો કે તેના અસુખમાંથી ‘રજા’ મળી હતી. જેટલો સમય વાત કહે તેટલા સમય તેનું નાક દુ:ખનાં પાણીની સપાટીથી અધ્ધર રહેશે. લહરી વાતને લાંબી કરી કરીને કહેતી હતી.
‘પછી?’
પછી તો સભી હંસને લગે, તો બિચારી ગિલહરી કા દિલ દુખ ગયા. તો રામ ભગવાનને કહા, ઈધર આ, ઐ ગિલહરી. તૂ કૈસે પૂલ બનાયેગી? તો ગિલહરીને કહા, મૈં અપની પીઠ પર એક એક પત્થર ઉઠા ઉઠા કે દરિયા મેં ડાલૂંગી. અપને આપ પૂલ બન જાયેગા, તો રામ ભગવાનને ગિલહરી સે કહા, ઈધર આ, ઐ ગિલહરી. ગિલહરી જો રામ ભગવાન કે પાસ ગયી તો રામ ભગવાનને ઉસકી પીઠ પર યોં હાથ ફેર દિયા. ગિલહરી કી આંખ ભર આયીં, યુ નો, જ્વાય સે. તભી સે ગિલહરી કી પીઠ પર, આપ દેખિયેગા, અકસર રામ ભગવાન કી તીન ઉંગલિયોં કા નિશાન રહતા હૈ.
‘ચલો, બેટ્રી પાર્ક ચલેંગે?’ હું ઊભો થઈ ગયો.
એકાએક કોઈ અકળ કારણે ગ્લાનિનું એક મોજું મારા પગ પાસે ઘેરાયું. ક્ષોભનું ખાબોચિયું ઊછળીને તળાવ બની ગયું મારી આસપાસ, અને મારાં ગાત્રો ડૂબવા માંડ્યાં. એની લિજલિજી ભીનાશ મને ડુબાડે તે પહેલાં હું ઊભો થઈ ગયો. ‘ચલો, બેટ્રી પાર્ક ચલેંગે?’
‘આજ લોગ કમ હૈં, યહાં.’ બેટ્રી પાર્કમાં પાણીની દિશામાં હજી તડકો હતો. ચૂપચાપ દરિયા તરફ પીઠ કરીને બેઠાં અમે બે જણ.
‘અચ્છા?’ મેં વિવેકથી કહ્યું.
‘મૈં છુટ્ટી કે દિન આયી થી. યહાં બાઝાર સા લગતા હૈ, વીકૈન્ડ મેં. આફ્રિકા કી એક ઔરત યહાં માસ્ક બેચતી થી. સમઝે ના, માસ્ક? મુખૌટા? ચહેરે પે લગા દો, તો ચહેરે કે એક્સપ્રેશન્સ ઢક જાયેંગે.’ છોકરી પોતાનો બાળકી જેવો લીસો ચહેરો મારી સામે ધરીને કહેવા લાગી, ‘સમઝે ના, માસ્ક? મુખૌટા?’
અને અંધારું થયું ત્યાં સુધી અમે બેઠાં ત્યાં, પાણી તરફ પીઠ કરીને. મેં કહ્યું, ‘જમીશું?’
લહરીએ લાંબો જવાબ આપ્યો, અંગ્રેજીમાં. આસપાસ કોઈ રેસ્ટોરન્ટ નથી. એક કોફી હાઉસ છે. કાંઈ નહિ, ચાલો કોફી પીએ? લહરી કહે છે, ત્યાં બિયર પણ મળશે, બિયર પીશો? તેનું વાક્ય પૂરું થાય ત્યાં મેં કહ્યું, હું શરાબ નથી પીતો.
‘યુ સ્વોર ઑફ્ફ શરાબ? વ્હાય?’ લહરી પૂછે છે, ‘ક્યોં?’
ઘણી વાર સુધી હું બોલતો નથી. બેટ્રી પાર્કની ખિસકોલીઓ અંધારું થવાથી અલોપ થઈ ગઈ છે.
લહરીએ દુ:ખની અદલા-બદલીની એટીકેટ તોડી છે. તેણે મને કારણ પૂછ્યું છે, ‘તૌબા કર લી? ક્યોં? મેડિકલ રીઝન્સ હૈ ક્યા?’
હું શ્ર્વાસ લઉં છું. લહરી શ્ર્વાસ અટકાવી જોઈ રહે છે. શરાબનો મને શોખ છે. કોઈ ડાકટરી કારણ નથી. શરાબ તૌબા કરવાનું જજબાતી કારણ છે. ભગવાન સાથે મેં બોલી કરી છે, હું શરાબ છોડી દઉં, અને ભગવાન, તું ‘અમુક’ને સાજો કરી દે. હું બોલતો નથી. એ અમુકનું દુ:ખ અસહ્ય બને ત્યારે ત્યારે મને યાદ આવે છે, પ્રત્યેક ફોર્થ ઑફ જુલાઈએ, કે મારે સુખદુ:ખની અદલાબદલી કરવાને સિકસ્થ એવેન્યૂની ગુજરીમાં જવાનું છે.
ગ્લાનિનું મોજું મારા ગળે ચંદનહારની જેમ વીંટળાય છે. ક્ષોભના સરોવરની સપાટી ક્ષણે ક્ષણે ઊંચે ચઢે છે. એની લિજલિજી ભીનાશ મારાં ગાત્રોને ઘેરો નાખે છે. ગ્લાનિના ગુરુત્વાકર્ષણમાં હું પકડાઉં તે પહેલાં હું ઊભો થઈ જાઉં છું. ફક્ત મારી આંખો ભીની થઈ છે. તે જોતાં વેંત લહરી વીજળી પડી હોય તેમ ઊભી થઈ જાય છે.
‘માઈ ગોડ! ઓહ માઈ ગોડ!’ લહરી જીભ કચરીને કહે છે. તેને સમજાય છે કે તેના અજાણતાં પુછાયેલા સવાલથી મારા દુ:ખની આસપાસ વીંટેલા પાટા ઊખડી રહ્યા છે.
પાણીમાં કાંપતા બત્તીના પ્રતિબિંબની જેમ લહરી પશ્ર્ચાત્તાપથી ધ્રૂજે છે.
અમે બન્ને અમારી પ્લાસ્ટિક બેગોનાં નાળચાં પકડી છાતીએ ચાંપીને ઊભાં છીએ.
ન્યુયોર્ક, ૨૦૦૦