જાસૂસી બલૂનને લઈને અમેરિકા અને ચીન વચ્ચેના મતભેદો શમ્યા નથી. અમેરિકાએ ચીનના બલૂન પ્રોગ્રામને સપોર્ટ કરતી 6 કંપનીઓને બ્લેકલિસ્ટ કરી છે. યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે તેણે બેઇજિંગના સૈન્ય આધુનિકીકરણના પ્રયાસોને ટેકો આપવા બદલ છ ચીની કંપનીઓને બ્લેકલિસ્ટ કરી છે.
અમેરિકાનો આરોપ છે કે ચીની સેના હાઈ એલ્ટિટ્યુડ બલૂનનો ઉપયોગ કરીને ગુપ્તચર પ્રવૃત્તિઓ કરી રહી છે. ચીને તેને સિવિલ બલૂન ગણાવ્યું હતું.
અમેરિકા એ બ્લેકલિસ્ટ કરેલીછ કંપનીઓમાં બેઇજિંગ નાનજિયાંગ એરોસ્પેસ ટેક્નોલોજી, ચાઇના ઇલેક્ટ્રોનિક્સ ટેક્નોલોજી ગ્રુપ કોર્પોરેશન અને ડોંગગુઆન લિંગકોંગ રિમોટ સેન્સિંગ ટેક્નોલોજી કંપનીનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય ત્રણ ઈગલ્સમેન એવિએશન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગ્રુપની કંપનીઓ છે.
યુએસ સુરક્ષા અધિકારી એલન એસ્ટવેઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના એલ્ટિટ્યુડ બલૂનનો ઉપયોગ કરીને અમારા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જે અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરારૂપ છે. આજની કાર્યવાહી સ્પષ્ટ કરે છે કે અમેરીકાની રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડતી સંસ્થાઓને અમે સહન નહીં કરીએ.”