માનસ મંથન -મોરારિબાપુ
મારાં ભાઈ-બહેનો, ‘હનુમાન ચાલીસા’ કરો તો પતંજલિવાળા પાંચેય ક્લેશોમાંથી મુક્તિ મળે. અવિદ્યા, અસ્મિતા, રાગ દ્વેષ અને અભિનિવેશ. બ્રહ્મવિદ્યાને, જ્ઞાનને આપણે બહુ જ ક્લિષ્ટ કરી દીધાં છે ! અલબત, છે પરંતુ એનો રસ કાઢવો જોઈએ. લીંબુ તો કઠોર છે, ઉપર છાલ છે, પરંતુ મા લીંબુનો રસ કાઢી દે છે અને છાલ-બીયા કાઢી નાખીને આપણને રસ પીવડાવી દે છે. ‘રામચરિતમાનસ’ શું છે ? छओ साख सब ग्रंथन को रस। વેદ, ઉપનિષદ, દર્શન, સંખ્ય, બ્રહ્મસૂત્ર, ‘ભગવદ્દ ગીતા’ મહાભારત એ બધાને એક મિક્ષ્ચરમાં નાખીને તુલસીદાસજીએ છયે શાસ્ત્રનો રસ કાઢ્યો છે. એ રસ છે અને ઈશ્ર્વર રસશ્ર્પ છે; પરમાત્મા સ્વરૂપ છે, પરંતુ અધ્યાત્મને આપણે ક્લિષ્ટ બનાવી દીધું છે.
ઓશો રજનીશે આપેલું એક દ્રષ્ટાંત યાદ આવે છે. મુલ્લા નસીરુદ્દી ન ઓશોનું ગમતું પાત્ર રહ્યું છે. પોતાની વાત સમજાવવા માટે ઓશો અનેક વખત મુલ્લા નસીરુદ્દીનના પાત્રને કેન્દ્રમાં રાખીને વિવિધ કથાઓ કહેતા. આવી એક કથા, આવું એક દૃષ્ટાંત અત્રે યાદ આવે છે. મુલ્લા નસીરુદ્દીન જે શહેરમાં રહેતા હતા તે શહેરમાં રોજની માફક આજે પણ બજારો ખુલી રહી છે. ધીમે ધીમે લોકોની અવરજવર પણ વધવા લાગી છે. મુલ્લા નસીરુદ્દીન એ શહેરમાં જાણીતી વ્યક્તિ. આજે મુલ્લાને જોઇને લોકોને અચરજ થાય છે.
મુલ્લા પોતાના ગધેડા પર બેસીને ભરી બજારમાં ભાગતા જતા હતા ! મુલ્લા આજે એકદમ ઉતાવળમાં હોય તેવું લોકોને દેખાય છે. કોઈએ મુલ્લાને રોક્યા છે. કેમ મુલ્લાજી, આજે કેમ આટલી ઉતાવળમાં છો ? રોજ તો અમારી પાસે થોડો સમય થોભો છો, વાતો કરો છો, પણ આજની તમારી ઉતાવળ કંઈક જુદી જ છે. ઘરમાં બધું બરાબર તો છે ને ? જરા ફોડ પાડીને વાત કરો તો ખરા. મુલ્લાએ કહ્યું, આજે મને રોકશો નહીં. હું ઉતાવળમાં છું. આમ કહી મુલ્લાએ ગધેડાને વધુ એક-બે ચાબુક વીંઝી ને ભગાડ્યો છે.
આમ ત્રણ કલાક પસાર થયા છે. થાકેલા અને તૃષિત મુલ્લા પાછા ફરે છે. થાકેલા-હારેલા છે. ગરમી અને સૂર્યના તાપમાં રહેવાથી મુલ્લાની ત્વચા શ્યામ થઈ ગઈ છે. શરીર પર પ્રસ્વેદ જોવા મળે છે. બજારમાં તો એ જ લોકો હતા જેમણે ત્રણ કલાક પહેલાં મુલ્લાને રોક્યા હતા. બધાએ પૂછ્યું કે મુલ્લા, વાત શું હતી ? તમે કેમ આટલી ઉતાવળમાં હતા ? મુલ્લાએ કહ્યું, હું મારાં ગધેડાને શોધવા જઈ રહ્યો હતો. લોકોએ હસતાં હસતાં કહ્યું કે મુલ્લા તમે પણ ગજબની વ્યક્તિ છો ! તમે ગધેડા પર તો બેઠા હતા ! એટલે મુલ્લા બોલ્યા, હા, મને ત્રણ કલાક પછી ખબર પડી કે હું મારા ગધેડા પર જ બેઠો હતો
મારાં શ્રોતા ભાઈ-બહેનો, ક્યારેક ત્રણ-ત્રણ જિંદગી વીતી જાય ત્યાર પછી આપણને ખબર પડે છે કે આપણે જેને શોધવા નીકળ્યાં હતા એ ત્યાં જ હતા અને આપણે પણ ત્યાં જ બેઠા હતા ! તમારો પણ અનુભવ હશે કે ક્યારેક ક્યારેક આપણે ચશ્માં પહેર્યા હોય અને આપણે ચશ્માં શોધીએ છીએ ! મારો તો અનુભવ છે કે આમ જનતા ઓલરેડી પરમતત્ત્વને પામી ચૂકી છે: એને આપણે ક્લિષ્ટ કરીએ છીએ કે પામો, પામો પરમતત્ત્વને ! બ્રહ્મને આટલા બધા મોંઘા કેમ બનાવી દીધા ? જરા સરળ કરો. सर्व भूतानाम ઈશ્ર્વર સર્વત્ર છે. દુનિયામાં દસેય દિશાઓમાંથી જ્યાંથી શુભ મળે ત્યાંથી લઈ લો. સત્ય, પ્રેમ અને કરુણા જ્યાંથી મળે ત્યાંથી લઇ લેવા. દરવાજા બંધ ન કરવા. દુનિયા સંકીર્ણ થઈ ગઈ છે. દુનિયા બંધિયાર થઈ ગઈ છે. બ્રહ્મવિદ્યાને, જ્ઞાનને આપણે બહુ ક્લિષ્ટ કરી દીધા છે ! અલબત છે, પરંતુ એનો રસ કાઢવો જોઈએ. આપણાં શાસ્ત્રોએ જે ધર્મની વાતો કરી છે, વિશેષણમુક્ત ધર્મની ચર્ચા કરી છે. તેમાં છેવાડાના માણસનું ધ્યાન રાખ્યું છે. અધ્યાત્મ વિદ્યાને રસિક બનીને પીવડાવવી જોઈએ. એક બીજું ઉદાહરણ યાદ આવે છે.
ભારતનું અધ્યાત્મ જગત બહુ જ રસપ્રદ છે, આકર્ષક છે. દેશ-વિદેશના સાધકોને આકર્ષે છે. સાધના પદ્ધતિઓની કેવી વિવિધતા છે ! કોઈ ભક્તિમાર્ગ પસંદ કરે છે, કોઈ ધ્યાનમાર્ગ, તો કોઈને કર્મ માર્ગ આકર્ષે છે. અધ્યાત્મના કેન્દ્રમાં વ્યક્તિની આત્મખોજ છે. આજે એક સાધક અને સિદ્ધની વાત કરવી છે. એક મહાત્મા છે. જંગલમાં રહે છે. આ બડા પહોંચેલા મહાત્માને એક નવો સવો સાધક મળે છે. આ સાધક અધ્યાત્મ જગતમાં હજુ પા પા પગલી માંડે છે. જિજ્ઞાસાઓથી ભરેલા એ સાધકને કોઈએ પેલા મસ્ત મહાત્માને મળવા જણાવ્યું હતું. તે મહાત્મા પાસે જાય છે.
શાંત મુદ્રામાં આ મહાત્મા બેઠા છે. જેમના હકારાત્મક વાઈબ્રેશન પેલા સાધકને પણ શાંતિ પ્રદાન કરે છે. મહાત્માએ તેને પૂછ્યું કે બોલ, તારે શું જાણવું છે ? એટલે પેલાએ પૂછ્યું કે બાપજી, શું આપને બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થઈ છે ? બ્રહ્મનો અનુભવ થયો છે ? મહાત્માએ કહ્યું હા, મને બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થઈ ગઈ છે. સાધક આગળ પૂછે છે કે ઈશ્ર્વરનો અનુભવ થયા પછી તમે શું માગવા ઈચ્છો છો ? મહાત્મા કહે એક કપ ચાય ! આ સાંભળીને સાધક પોતાના કાન પર વિશ્ર્વાસ કરી શકતો નથી. આ તે કઈ પ્રકારની સાધના અને કેવી ઉપલબ્ધી અને કેવી વિચિત્ર માગણી? બ્રહ્મનો અનુભવ, બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ, અને એક કપ ચાય ? તો પણ આગળ પૂછે છે કે શું વાત કરો છો ? તમે પરમાત્માને પામી લીધા, ઈશ્ર્વર પામી લીધા, નિર્વાણને મુઠ્ઠીમાં લઇ લીધું અને એક કપ ચાય ?
મહાત્મા બોલ્યા: બેટા, મને બધું જ મળી ગયું છે. શું શેષ રહ્યું છે ? અને એટલે હું જ્યાં સુધી છું ત્યાં સુધી કંઈક કરવું તો પડશે. કંઈક કરતા રહેવું પડશે. માટે એક કપ ચાય પીવડાવી દે !
મારાં શ્રોતા ભાઈ-બહેનો, હશે કોઈ પહોંચેલો ફકીર. હશે કોઈ મસ્ત મહાત્મા. અને પહોંચેલાઓની આપણને ક્યાં ખબર છે ! આપણેતો જૂઠને સત્યનો દરજજો દઈએ છીએ અને સત્યને જુઠનું આભૂષણ પહેરાવી દઈએ છીએ ! આ જ તો પતંજલિની અવિદ્યા છે સાહેબ ! એમાંથી બહાર કાઢે છે ભગવદ્દકથાનો સત્સંગ અને સત્સંગમાંથી પ્રાપ્ત થયેલો વિવેક, જે આપણને નીર-ક્ષીરનો બોધ આપે છે. અધ્યાત્મવિદ્યાને રસિક બનીને પીવડાવવી જોઈએ. વસિષ્ઠજી વેદ-પુરાણની ગાથાઓ સંભળાવતા હતા અને રામ બધું જ જાણવા છતાં પણ સાંભળતા હતા! બુદ્ધપુરુષ પાસેથી આપણા જેવા મૂઢોને આ પ્રપંચમાં પણ કોઈ પારમાર્થિક ગાથા સાંભળવા મળી જાય તો આપણા જીવનના પારમાર્થિક માર્ગમાં ચાલવા માટે કંઈક વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે. કથા ક્યારેય એકની એક હોતી જ નથી. મૂળ એક હોય છે. હું આટલાં વર્ષોથી રામકથા કહી રહ્યો છું. રામ તો વનમાં જ જશે, વોશિંગ્ટન થોડા જશે ? પરંતુ રામનું વનગમન આપણા પારમાર્થિક પથ માટે રોજ એક નવું પથદર્શન છે. કેટલીક વાતોને આપણે બહુ જટિલ કરી દીધી છે. (સંકલન: જયદેવ માંકડ)