હોલીવુડ સ્ટાર કપલ અને સ્પાઈડર મેન સ્ટાર્સ ટોમ હોલેન્ડ અને ઝેન્ડાયા પ્રથમ વખત મુંબઈ આવી પહોંચ્યા હતા. કાલીના એરપોર્ટથી બહાર નીકળ્યા પછી તરત જ બંનેની કેટલીક તસવીરો ઓનલાઈન સામે આવી હતી. જ્યારે તેઓ એરપોર્ટની બહાર નીકળ્યા, ત્યારે ઝેન્ડાયાએ કેમેરા તરફ સ્મિત કર્યું હતું અને પછી ટોમ સાથે કારમાં બેસી ગઈ હતી. ‘યુફોરિયા’ અભિનેત્રી ડેનિમ અને લાંબા જેકેટ સાથે સફેદ ટી-શર્ટમાં સજ્જ હતી. ટોમે બ્લુ ડેનિમ પેન્ટ સાથે પિંક કલરનું ટી-શર્ટ અને બ્લેક જેકેટ પહેર્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના લોન્ચિંગમાં હાજરી આપવા માટે ભારત આવ્યા છે. અગાઉ, ‘અનચાર્ટેડ’ ફિલ્મનું પ્રમોશન કરતી વખતે, ટોમે કહ્યું હતું કે ભલે તેને ક્યારેય ભારત આવવાનો મોકો મળ્યો નથી, પણ તે ભારતનો મોટો ચાહક છે. તેણે કહ્યું હતું કે, મને જે પ્રકારનો પ્રેમ અને સમર્થન મળ્યું છે તેના માટે હું ભારતમાં મારા ચાહકોનો આભારી છું.