અમદાવાદમાં લોકો જેમ ઉત્તરાયણની તૈયારીમાં લાગ્યા છે, તેમ પોલીસ ફોર્સ પણ લોકોની સુરક્ષા અને કાયદો તેમ જ વ્યવસ્થાની જાળવણી માટે સજજ્ થઈ રહી છે. ઘણા પતંગબાજો તહેવારની મજા લેવાને બદલે ટીખ્ખળ કે તોફાન કરતા નજરે ચડે છે અને અન્યોને નુકસાન પહોંચાડે છે. પોલીસે આ વખતે સ્પેશિયલ બ્રાન્ચના ૫૮ પોલીસકર્મીની ટીમ બનાવી છે, જે શહેરમાં ખાનગી અને સરકારી વાહનોમાં ફરશે અને જે પણ કોઈ કાયદાનો ભંગ કરતું દેખાશે તેનો ફોટો લઈ નજીકના પોલીસ સ્ટેશનને મોકલશે. આ સાથે પતંગ બજારો પર પણ નજર રાખવામાં આવશે. અહીંથી ચાઈનીઝ માંઝા અને કંડિલ-પતંગ વેચતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પણ પોલીસનું આ ગ્રુપ એક્ટિવ છે અને પોલીસે જે કંઈ માંઝાનો જથ્થો પકડ્યો છે, તે આ ગ્રુપ દ્વારા મળેલી માહિતીને આધારે પકડ્યો છે, તેમ પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.
આ સાથે જે વિસ્તારોમાં બે સમૂહો વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા હોય તેવા સંવેદનશીલ વિસ્તારોમાં પણ આ ટીમ પેટ્રોલિંગ કરશે. બૂટલેગર, ડ્રગ્સ પેડલર્સ પર પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. જોકે પોલીસ તંત્ર પોતાનું કામ કરે, પરંતુ લોકો પોતે સ્વયંશિસ્ત દાખવી તહેવારોની ઉજવણી કરે તો સમસ્યાઓ ઉદભવવાની શક્યતા ઓછી રહે.