મહારાષ્ટ્રમાં શિંદે સરકારના પ્રધાન અબ્દુલ સત્તારે એનસીપી સુપ્રીમો શરદ પવારની દીકરી અને લોકસભા સાંસદ સુપ્રિયા સૂળે વિશે જાહેરમાં આપત્તિજનક ટિપ્પણી કર્યા બાદ રાજકારણ ગરમાયું છે. એનસીપી, કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના જૂથ દ્વારા સત્તારના રાજીનામાની માગણી કરવામાં આવી રહી છે. હવે સમાજવાદી પાર્ટીના સાંસદ અને પીઢ અભિનેત્રી જયા બચ્ચને પણ આ અંગે આક્રમક પ્રતિક્રિયા આપી છે.
જયા બચ્ચને સોમવારે એનસીપી અને ઉદ્ધવ જૂથના શિવસેનાના નેતાઓએ મહિલા જનપ્રતિનિધિ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન તેમણે અબ્દુલ સત્તારની આપત્તિજનક ટિપ્પણી પર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે રાજ્યપાલને જણાવ્યું હતું કે મહિલાઓ વિશે આવા પ્રકારના નિવેદન સાંખી લેવાશે નહીં. તાત્કાલિક પ્રધાનનું રાજીનામું લેવું જોઈએ.
જયા બચ્ચને જણાવ્યું હતું કે, આજે અમે રાજ્યપાલની મુલાકાત લીધી હતી અને ટૂંક સમયમાં રાષ્ટ્રપતિને પણ મળીશું. રાજકારણીઓ સહિત કોઈપણ વ્યક્તિ મહિલાઓ વિરુદ્ધ આપત્તિજનક ટિપણી કરશે તો તેને એવી સજા મળી જોઈએ કે આખા દેશને યાદ રહે.