Homeઉત્સવસીબીઆઇને બગાડવા સોરી સુધારવાના (જો શક્યતા હોય તો) કાયદાનો મુસદ્દો વાંચવો છે?

સીબીઆઇને બગાડવા સોરી સુધારવાના (જો શક્યતા હોય તો) કાયદાનો મુસદ્દો વાંચવો છે?

વ્યંગ -ભરત વૈષ્ણવ

આજ સવારથી ડાબી જમણી આંખ ફરકતી હતી. જાણે ટ્રાફિક આઇલેન્ડ પરના પોલ પર લાલ-લીલી-ઓરેન્જ લાઇટ ઝબુકતી ન હોય! બન્ને આંખ ફરકે તો શુકન કે અપશુકન શું થાય એ જ્યોતિષની લાલ કિતાબમાં પણ લખ્યું નથી. અધૂરામાં પૂરું બખડજંતર ચેનલનો સર્વેસર્વા સેવક ગણપત ગાંગડો પેટરનિટી લીવ પર હતો. ગલ્લે જઇને મોળા મૂતર (જીવનમાં શિવામ્બુ ચિકિત્સા આત્મસાત કરેલા મોરારજી દેસાઇએ મૂતર મોળું હોય એવું કયાં કહ્યું છે?)
તો પછી મોળા મૂતર જેવો રૂઢિપ્રયોગ કયાંથી ઉદ્ભવ્યો હશે એ પણ લઘુશંકા જેવો ગુરૂ પ્રશ્ર્ન છે!) ચા ઢીંચી. ચામાં કેરોસીન જેવી બદબૂ આવતી હતી. ટૂંકમાં દિવસની ઘણી સારી એવી ખરાબ શરૂઆત થયેલી.
બોસ બરકે છે. તદ્દન ટિપિકલ લહેજામાં ચંદુ ચૌદસે સૂચના આપી.
મે આઇ કમ ઇન બોસસસ? ડોર પર નોક કરી બારણું ખોલતાં જ મેં આવો પ્રોફેશનલ પ્લાસ્ટિકિયો પ્રશ્ર્ન પૂછ્યો. સિગારેટને ફિલ્ટર સુધી પીતા પીતા બોસે, કમ ઇન ગિરધરલાલ કહ્યું.
બખડજંતર ચેનલના બોસ બાબુલાલ બબુચક ચેમ્બરમાં એકમાત્ર ખુરશી સમાઇ શકે તેટલી સ્પેસ છે. બાકી બધા કાચા કામના કેદી હોય તેમ ખડેપગે રહે છે! તેની સમક્ષ ઊભેલા માટે બેસવાની જગ્યા નથી. એએમટીએસની બસની જેમ પંખાને ડાંડો માની ઊભા રહેવાનું. સામાવાળો મનોમન ચિડાય, પરંતુ શું કરી શકે ? બીકોઝ મેન ઇઝ મેન ઓલવેઇઝ સૂત્રને ન્યાયે બોસ રીમેઇન્સ બોસ!! બાબુલાલમાં સૌજન્ય ફટાકડાની જેમ ઠાંસીને ઠાંસીને ભરેલ છે. મને કે રાજુ રદીને કમ્ફર્ટેબલ ઉભા રહેવાની આઝાદી આપે !!!
બોસ, ઓલ ઇઝ વેલ?? મેં પૂછયું.
નથીંગ વેલ .મિ . ગરબડિયા સીબીઆઇ વિશે તમે શું જાણો છો?? ઇડીના ક્રૂર અધિકારી જેમ બાબુલાલે સવાલનો બૉમ્બ ફોડ્યો . બબુચક મગજમાં કયું તોફાન ચાલે છે તેની કયાંથી ખબર પડે?? પરંતુ, ગિરધરલાલ ગરબડિયાના વહાણ સાતે દરિયામાં ડૂબશે એ નક્કી છે!! અહીં તો પાપ તારું પ્રકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં ભજન નેપથ્યે સંભળાતું હતું!!!
સર, સીબીઆઇ એટલે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્ડિયા. દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ઍકટ -૧૯૪૭ હેઠળ તેની સ્થાપના થયેલી છે. સીબીઆઇને તપાસ સોંપવા માટે જે તે રાજ્યની સરકારે જાહેરનામું બહાર પાડવું પડે. પછી જ સીબીઆઇ તપાસ કરી શકે. સીબીઆઇનો કન્વિશન રેઇટ સંદિગ્ધ છે
બસ, બસ, સ્ટોપ ધીસ નોનસ્ટોપ નોનસેન્સ. આઇ નો વેરી વેલ ધેન યુ!! બાબુલાલ બબુચકે મને ઝાટકી નાખ્યો.
સોરી સર. એક્સ્ટ્રિમલી સોરી. લે ઓફના જમાનામાં તાબેદાર મૂંછ નીચી કરી દિવસમાં દસ વાર આવું કહી નોકરી બચાવવી પડે.!!!
લુક. મિં ગરબડિયા. હું તમને હર્ટ કરવા માગતો ન હતો. આઇ વોઝ એક્સાઇટેડ, હેન્સ આઇ નોંધ વોઝ એનોયડ. સીબીઆઇ એટલે કરેપ્ટ બ્યૂરો ઑફ ઇન્ડિયા કહેવાય છે. સુપ્રીમ કોર્ટે તેને તોતા એટલે પઢો પોપટરામ કહેલ છે. સીબીઆઇની મથરાવટી નહીં પણ આખી બોડી રામ તેરી ગંગા મેલીની હીરોઇન મંદાકિની જેવી છે. શાસક પક્ષનું વાજું છે. વિપક્ષોને હેરાન કરવાનું હોરીબલ હથિયાર છે!! બાબુલાલ બકબક કરતા રહ્યા !
સર કમ ટુ ધી પોઇન્ટ મેં નો બકવાસ સીધી વાતનો સૂત્રનો પુનરોચ્ચાર કર્યો.
મિ. ગરબડિયા સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ સીબીઆઇ ઍકટને સુધારવા ભલામણ કરી છે. હોમ મિનિસ્ટ્રીએ તેનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આપણે મેળવીને ચેનલ પર પેનલ ડિસેકશન કરવી છે. ગમે તે ભોગે તમારે અને રાજુ રદીએ ડ્રાફ્ટ લઇ આવવાનો છે. રૂપિયાની ચિંતા ન કરશો. થોડા રૂપિયા વેરવા પડે તો વેરજો. હાબુલાલે પૂરું કર્યું.
બાબુલાલને બખોલ જેવડી ચેમ્બરમાં બેસીને સૂચના આપવી છે. અમારે વાઘની બોડમાં હાથ નાંખી ડ્રાફ્ટ કાઢવાનો છે!!
હું અને રાજુ રદી દિલ્હી ગયા. જાકુબીના ધંધા કરી બાબુઓને ફોડી મહામહેનતે ડ્રાફ્ટ મેળવ્યો. રાજા ભગીરથને તો મહાદેવની જટામાં ગંગાવતરણ કપાવવાનું હતું. અમારે તો તેનાથી વધુ ભગીરથતમ કામ પાર પાડવાનું હતું. તો પણ ઇતિહાસે માટીના અક્ષરે નોંધ ન લીધી. હવે અમારે એનસીઆરઇટીનો સંપર્ક કરી અમારી દુર્લભ કામગીરી સાતમાં ધોરણના પાઠયપુસ્તકમાં લેવડાવવી પડશે!!!
લો આ રહ્યો સીબીઆઇના કાયદાનો મુસદ્દો!!
સીબીઆઇ સુધારણા કમ એટલે ઓછી અને બગાડા વધુ અધિનિયમ ૨૦૨૩ (૨૦૨૩નો ૪૨૦મો) કાયદો કહેવાશે.
અમુક અપવાદો- પરંતુકની જોગવાઈને બાદ કરતાં કાયદામાં ગમે તેટલી જોગવાઇ હોવા છતાં શાસક પક્ષને કાયદો લાગુ પડશે નહીં. કાયદામાં શાસકપક્ષની વ્યાખ્યા કરવામાં આવેલ ન હોય તો મજકુર શબ્દને લાગે વળગે છે ત્યાં સુધી જનરલ કલોઝીસ ઍકટ ૧૮૩૫ ની જોગવાઇ હુબહુ (અટલે કે ડીટો ટુ ડીટો – ઇન્ટેક લાગુ પડશે).
વિરોધ પક્ષની સરકાર ધારાસભ્યશ્રીઓનો અંતરાત્મા જાગી જવાથી લોભ, લાલચ , ઇડીની રેડ, ઇન્કમટેકસના દરોડા, હવાલા વગેરે કારણોથી અને પૂરતો અવેજ આપી ધારાસભ્યોની નિર્દોષ હોર્સ કે ડોન્કી ટ્રેડિંગથી બિનહિસાબી નાણાંથી વફાદારી ખરીદી શાસક પક્ષે બાકાયદા સરકારની રચના કરી હોય તેવા સંજોગોમાં તપાસ એજન્સી ( અહીં હવે એજન્સી શબ્દ વપરાશે) તપાસ કરશે નહીં, ચાલુ તપાસને કોલ્ડ સ્ટોરેજમાં શિફટ કરી શકશે !!
કોઇ ગમે તે કહે ( બંધારણ કે કાયદાનો અમલ સીઝ કરવામાં આવશે!!) વિરોધપક્ષના તમામ નેતા, હોદ્દેદારો, કાર્યકરોને જેમ નાઝીઓ યહૂદીને પકડી પકડીને ઠુંસતા હતા તેમ પકડી પકડીને કેસ ઠોકવામાં આવશે!!
કાયદાનું અર્થઘટન નાગપુર બેન્ચ દ્વારા કરવામાં આવશે!!
રાષ્ટ્રપતિના નામે અને હુકમથી.
શાકે કાલિનાહન ૨૩૮૯,
વૈશાખ માસની વદ ત્રીજ,
સ્થળ : નવી દિલ્હી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -