એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ચાલી રહેલાં કૉંગ્રેસના મહાઅધિવેશનમાં સોનિયા ગાંધીએ સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લેવાનો સંકેત આપી દીધો છે. સોનિયાએ કૉંગ્રેસના કાર્યકરોને સંબોધતાં એવું કહેલું કે, ભારત જોડો યાત્રા સાથે મારો કાર્યકાળ પૂરો થઈ શકે છે. સોનિયા ગાંધીએ સ્પષ્ટ રીતે પોતે સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થશે એવું કહ્યું નથી પણ જે રીતે સોનિયા ગાંધીએ ૧૯૯૮માં પહેલી વાર કૉંગ્રેસ પ્રમુખપદ સંભાળ્યું ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીની રાજકીય કારકિર્દીના પોતાના ઉતાર-ચઢાવની વાત કરી તેના પરથી લાગે છે કે, હવે સોનિયા ગાંધી સંકેલો કરી લેવાના મૂડમાં છે.
સોનિયા ગાંધીએ ૧૯૯૮માં પહેલી વાર કૉંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું ત્યારથી માંડીને આજ સુધી એટલે કે છેલ્લાં ૨૫ વર્ષોમાં થયેલા અનેક સારા અને ખરાબ અનુભવોનો ઉલ્લેખ કર્યો. લોકસભાની ૨૦૦૪ અને ૨૦૦૯માં કૉંગ્રેસના દેખાવ અને ડૉ. મનમોહન સિંહને વડા પ્રધાન બનાવવાના પોતાના નિર્ણય વિશે વાત કરી અને આ નિર્ણયો વ્યક્તિગત રીતે પોતાના માટે સંતોષજનક રહ્યા હોવાનું કહીને સંપૂર્ણ સહયોગ આપવા માટે પક્ષના કાર્યકરોનો આભાર પણ માન્યો.
સોનિયાની આ બધી વાતો પરથી લાગે છે કે, હવે એ થાક્યાં છે અને સક્રિય રાજકારણથી દૂર થવા માગે છે. સોનિયા છેલ્લાં અઢી દાયકાથી ભારતના રાજકારણમાં એક મહત્ત્વનું પાત્ર રહ્યાં છે એ જોતાં એ સક્રિય રાજકારણથી દૂર થાય એ ઘટના મહત્ત્વની ખરી પણ તેની ભારતના રાજકારણ પર કોઈ અસર ના થાય એ પણ એટલી મોટી વાસ્તવિકતા છે. રાજકીય રીતે સોનિયા ગાંધીનો સુવર્ણકાળ ક્યારનોય સમાપ્ત થઈ ચૂક્યો છે એ જોતાં તેમની નિવૃત્તિથી ભારતના રાજકારણ પર કોઈ અસર ના પડે. બલ્કે કૉંગ્રેસને પણ કોઈ અસર ના થાય કેમ કે હવે સોનિયા ગાંધીની હાજરી, માર્ગદર્શન કે નેતૃત્વ કૉંગ્રેસને કોઈ ફાયદો કરાવી શકે તેમ નથી.
સોનિયા ગાંધીએ કૉંગ્રેસને જેટલું આપી શકાય એટલું યોગદાન આપી દીધું છે. કૉંગ્રેસ સાવ પતી જવાના આરે હતી ત્યારે સોનિયાએ તેને બેઠી કરી અને સત્તા પણ અપાવી. સળંગ દસ વર્ષ લગી કૉંગ્રેસ સત્તામાં રહી ને તેનું રાજકીય અસ્તિત્વ ટકી ગયું એ સોનિયાને આભારી હતું. સોનિયાએ બે દાયકા લગી કૉંગ્રેસ માટે જાત ઘસી નાખી તેમાં શંકા નથી. સોનિયાના પરિવારને પણ તેનો ફાયદો મળ્યો પણ એ તો દરેક રાજકારણી કરતો હોય છે. તેના કારણે સોનિયાએ કૉંગ્રેસને બેઠી કરવા કરેલી મહેનત ઓછી થતી નથી.
કૉંગ્રેસ ૧૯૯૦ના દાયકાના પાછલા ભાગમાં સાવ પતી જવાના આરે હતી ત્યારે સોનિયા ગાંધીનો રાજકીય તખ્તે ઉદય થયો. નહેરૂ-ગાંધી ખાનદાનના વફાદારો સોનિયાને વિનંતી કરીને લઈ આવેલા કેમે કે કૉંગ્રેસ પાસે ખાઈ બદેલા ને જૂના નેતા જ બાકી રહી ગયેલા. આ નેતાઓ લોકોને દીઠા નહોતા ગમતા. ચૂંટણીમાં જીતી ના શકે એવા નેતાઓની ફોજ કૉંગ્રેસ પાસે હતી ને એ બધા કૉંગ્રેસ પર કુંડાળું વળીને બેસી ગયેલા.
સોનિયા પહેલી વાર પ્રમુખ બનવા મેદાનમાં ઉતર્યાં ત્યારે તેમની સામે બહુ બધા પડકારો હતા. સીતારામ કેસરી આણિ મંડળી કૉંગ્રેસમાં તેમનો ટાંટિયો ના ટકે એ માટે મચી પડેલી. રાજેશ પાયલોટ, જિતેન્દ્ર પ્રસાદ વગેરે નેતા સોનિયા ગાંધીની વિરુદ્ધ હતા ને તેમના હાથમાં કૉંગ્રેસની કમાન ના જાય એ માટે પૂરી તાકાતથી મચી પડેલા. કૉંગ્રેસની બહાર વિપક્ષો સોનિયાને ફાવવા નહીં દેવા માટે પૂરી તાકાત લગાવીને મચ્યા હતા.
સોનિયા ગાંધીના વિદેશી કુળનો મુદ્દો પણ એ વખતે ગરમાગરમ હતો. મુલાયમસિંહ યાદવ સહિતના નેતા રાજકીય ફાયદા માટે એ મુદ્દો ચગાવતા હતા. કૉંગ્રેસમાં પણ સોનિયાના વિદેશી કુળને મુદ્દે ઘમાસાણ મચેલું. તેના કારણે તો શરદ પવાર, પૂર્ણો સંગમા ને તારિક અનવરે કૉંગ્રેસથી છૂટા થઈને નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) નામે નવો ચોકો રચેલો. સોનિયા ૧૯૯૮માં પ્રમુખ બનવા ઉતર્યાં ત્યારે પણ બહુ મોટું જૂથ તેમની સામે પડેલું. એ વખતે સોનિયાએ જોરદાર માનસિક તાકાત બતાવી હતી.
સોનિયાએ પહેલાં તો પ્રમુખપદની ચૂંટણી જીતીને પોતાની તાકાત બતાવી. પ્રમુખપદે બેઠા પછી સોનિયાએ ખાઈ બદેલા નેતાઓને એક પછી એક દૂર કર્યા ને કૉંગ્રેસ પર પોતાનો કબજો કર્યો. એ પછી તેમણે મતદારોમાં કૉંગ્રેસને લોકપ્રિય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ૧૯૯૮ અને ૧૯૯૯ની લોકસભા ચૂંટણીમાં હાર છતાં સોનિયા ડગ્યાં નહીં ને સોનિયા કમર બાંધીને નીકળી પડ્યાં હતાં. સોનિયા પદયાત્રાઓ દ્વારા આખા દેશમાં ફરી વળેલાં. છ વર્ષમાં તો તેમણે કૉંગ્રેસને બેઠી કરીને ૨૦૦૪માં સત્તામાં લાવી દીધી હતી. ૨૦૦૪માં સત્તા મળ્યા પછી સોનિયાએ સરકાર પર જોરદાર અંકુશ રાખેલો તેથી ૨૦૦૯માં કૉંગ્રેસ ૨૦૦ કરતાં વધારે લોકસભા બેઠકો જીતીને ફરી સત્તામાં આવી હતી. જો કે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીનો ઉદય થયા પછી કોંગ્રેસનાં વળતાં પાણી શરૂ થયાં ને ભાજપ એ હદે હાવી થઈ ગયો છે કે, બીજા કોઈ પક્ષને તક જ નથી એવું લાગે.
આપણે સોનિયાની વાત પર પાછા ફરીએ. સોનિયા માટે હવે એ વખતના સંજોગો ને અત્યારના સંજોગો તમામ રીતે અલગ છે. હવે સોનિયા પચ્ચીસ વરસ ઘરડાં છે ને કૉંગ્રેસ એ વખતે હતી તેના કરતાં પણ વધારે ખરાબ હાલતમાં છે. અત્યારે ભાજપની તાકાત અનેકગણી વધી ગઈ છે ને તેને હરાવવાની કલ્પના પણ ના થઈ શકે.
સોનિયાની લડાયકતા હજુ એ જ હોય તો પણ તેમની તબિયત સાથ નથી આપતી. સોનિયાની ઉંમર પણ પંચોતેર વરસને પાર થઈ ગઈ છે. તેમની તબિયત પણ સારી નથી તેથી એ મહેનત કરી શકે તેમ જ નથી. સોનિયાએ તાકાત હતી ત્યારે અપાય એટલું યોગદાન આપ્યું પણ હવે એ કશું કરી શકે તેમ નથી. તેમનું યોગદાન મોટું છે ને તેના કરતાં વધારે યોગદાનની અપેક્ષા કૉંગ્રેસીઓ સોનિયા પાસેથી રાખી ના શકે.. રાહુલના રાજીનામા પછી કૉંગ્રેસે સોનિયાને પ્રમુખપદે બેસાડ્યાં હતાં પણ એ કશું કરી શક્યાં નથી એ જોતાં તેમના જવાથી કોઈ ફરક ના પડે.
કૉંગ્રેસીઓએ તેમને વિનંતી કરીને માનભેર નિવૃત્ત કરવાં જોઈએ. તેમનો બોજ હળવો કરીને શાંતિથી રહેવા દેવાં જોઈએ.