કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને આજે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીના પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા તેમની સાથે હોસ્પિટલમાં આવ્યા હતા.
આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીની તબિયત મંગળવારથી જ અસ્વસ્થ હતી. તેમણે રાહુલ અને પ્રિયંકાને આની જાણ કરી હતી, તેથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા મંગળવારે સાંજે ઉત્તર પ્રદેશમાં પ્રવેશેલી ભારત જોડો યાત્રામાં સાત કિલોમીટર ચાલીને દિલ્હી પરત ફર્યા હતા. કોંગ્રેસની ભારત જોડો યાત્રા ઉત્તર પ્રદેશના બાગપતમાં માવિકલાનમાં રાત રોકાયા બાદ બુધવારે સવારે 6 વાગ્યે ફરી શરૂ થઈ હતી, પણ પ્રિયંકા ગાંધી તેમાં જોડાયા નહોતા.
ગંગારામ હૉસ્પિટલે સોનિયા ગાંધીની તબિયત વિશે હેલ્થ બુલેટિન જારી કરીને કહ્યું હતું કે, સોનિયા ગાંધીને વાયરલ શ્વસન ચેપના નિરીક્ષણ અને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ નિરીક્ષણ હેઠળ છે.
ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી છેલ્લે 28 ડિસેમ્બરના રોજ કોંગ્રેસના સ્થાપના દિવસ પર જાહેરમાં જોવા મળ્યા હતા. તે પહેલા તેમણે 24 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં ભારત જોડો યાત્રા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.