લોકો આજે પણ આંતરજ્ઞાતિય લગ્નો નો વિરોધ કરે છે. છોકરા અને છોકરી પોતાની મરજીથી લગ્ન કરે તે બંધારણીય હક આજે પણ લાખો યુવક-યુવતીને મળતો નથી. મધ્ય પ્રદેશના છત્તરપર ગામમાં પણ આવી એક ઘટના ઘટી છે, પણ અહીં જે થયું છે તે શરમજનક છે. અહીંના પંચમ પુર ક્ષેત્રમાં ઉધા આહીરવાડ નામના એક વ્યક્તિનો દિકરો ગામની જ છોકરીને લઈ ભાગી ગયો હતો. તો છોકરીવાળાએ બન્નેને શોધવાને બદલે તેના પિતાને ઘરેથી ઉઠાવી ગામમાં ઝાડ સાથે બાંધી દઈ બે દિવસ સુધી ઢોરમાર માર્યો હતો. ઉધાની પત્ની કરગરતી રહી, પણ લોકોએ એક વાત ન માની. બે દિવસ બાદ તેને છોડવામાં આવ્યો. બન્ને પતિ પત્ની ઘરે ગયા અને પત્ની શૌચક્રિયા માટે ઘરની બહાર ગઈ. તે પાછી ફરી તો પતિ ફાંસીએ લટકેલો મળ્યો. આવાક થઈ ગયેલી પત્નીએ દાવો કર્યો હતો કે તેણે ઘરની બહાર સાત-આઠ જણને જોયા હતા. જે જાણીતા ન હતા. તેનો દાવો છે કે પતિએ આત્મહત્યા નથી કરી, પરંતુ તેને મારી નાખવામાં આવ્યા છે. આટલી મોટી ઘટના ગામમાં બની હોવા છતાં કોઈએ પોલીસને જાણ કરી ન હતી અને પોલીસને પણ ખબર પડી ન હતી. હવે પોલીસ હરકતમાં આવી છે અને કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
ગામના લોકો આટલી હદે અત્યાચાર કરે અને પોલીસને ખબર જ ન પડે અને એ સાથે પોલીસનો કે કાયદાનો ડર જ ન હોય તે આખા દેશ માટે શરમજનક ઘટના છે. દેશના ઘણા ગામડાઓમાં હજુ જાતપાતને આધારે વ્યવહાર થાય છે અને પોલીસ પણ આ રીતે જ વર્તતી હોય છે. આ માનસિકતામાં કોઈ ફરક આવ્યો નથી. આવા અમાનૂષી વ્યવહાર બદલ દોષિતોને સજા મળે તો જ ન્યાય થયો કહેવાય.