સુખનો પાસવર્ડ -આશુ પટેલ
થોડા દિવસો અગાઉ અમદાવાદના લેખક મિત્ર રમેશ તન્નાએ એક સરસ મજાની વાત શેર કરી હતી એ વાંચીને વાચકો સમક્ષ મૂકવાનું મન થયું. નેગેટિવ ન્યૂઝના સુનામી વચ્ચે રમેશભાઈ પોઝિટિવ વાતો શોધીને ફેસબુક પર મૂકે છે જેના દસ પુસ્તકો પણ થઈ ચૂક્યાં છે. આવી વાતો લખીને તેઓ પણ લોકોને સુખનો પાસવર્ડ આપવાની કોશિશ કરે છે. તેમની આવી જ એક વાત વાચકો સામે મૂકું છું. આગળના શબ્દો રમેશભાઈના છે.
૦૦૦
સાત એપ્રિલ, ૨૦૨૩ની સવારે અમદાવાદમાં સોલા રોડ પર, ભૂયંગદેવ ચાર રસ્તા અને પારસનગરની વચ્ચે કાંકરિયા હનુમાન મંદિરમાં મેં એક રળિયામણું દૃશ્ય જોયું. હું ઘરેથી ચાલતો – ચાલતો કાર્યાલય જતો હતો ત્યારે મને એક સુંદર અનુભવ થયો. મારા જીવનનાં જે કેટલાંક રળિયામણાં દૃશ્યો મેં જોયાં છે તે પૈકીનું એ એક શ્રેષ્ઠ હતું.
ભૂયંગદેવ ચાર રસ્તાથી હું પારસનગર તરફ આગળ વધતો હતો. કાંકરિયા હનુમાન પાસે મારી આગળ મેં ત્રણ બાળકોને ચાલતાંચાલતાં આગળ જતાં જોયાં. મારા જમણા હાથમાં ટિફિનની થેલી હતી અને ડાબા હાથમાં મોબાઈલ ફોન. ચાલતાંચાલતાં તસવીરો લેવાની મને ટેવ છે.
એ ત્રણ બાળકો મને ખૂબ ગમ્યાં. હું ધીમે ધીમે તેમની પાછળ ચાલ્યો. એ બાળકોમાં પાંચ-છ વર્ષની છોકરી સૌથી મોટી હતી. તે પોતાનાં નાના ભાઈ અને નાની બહેનને લઈને જઈ રહી હતી.્
તે બાળકોએ મંદિરની બહાર બેસતા ફૂલવાળાને દસ રૂપિયા આપીને ફૂલો ખરીદ્યાં. મોટી છોકરીએ પોતાનાં નાના-ભાઈ બહેનને સિક્કા આપ્યા. મંદિરના દરવાજે એક ભિક્ષુકભાઈ બેઠા હતા. તે ત્રણેય બાળકોએ તેમના પાત્રમાં પ્રેમથી એકએક સિક્કો મૂક્યો.
કેવું સરસ દૃશ્ય!
મોટી છોકરીએ પોતાના નાના ભાઈનાં બુટ કઢાવ્યાં. એ પછી તેણે પોતાનું પીઠ પાછળ ભરાવેલું સ્કૂલ-દફતર કાઢીને ડાબી બાજુના ઓટલા પર મૂક્યું. અને પછી નાની બહેને ભરાવેલું સ્કૂલ-દફતર પણ કાઢીને ઓટલા પર મૂક્યું.
એ પછી તે ત્રણેય બાળકો કાંકરિયા હનુમાનજીનાં દર્શન કરવા અંદર ગયાં. સરસ રીતે ભગવાનને પગે લાગ્યાં. ત્રણ-ચાર વર્ષનો છોકરો ઊંચાઈ ઓછી હોવાને કારણે ઉપર ફૂલો મૂકી શકતો નહોતો. તેની મોટીબહેને ડાબી બાજુની નીચી જગ્યા હતી ત્યાં તેની પાસે ફૂલો મુકાવડાવ્યાં.
એ પછી તે ત્રણેય બાળકો જમણી બાજુ એક મૂર્તિ હતી ત્યાં દર્શન કરવા માટે ગયાં. ત્યાં તેમણે ફૂલો મૂકીને સરસ રીતે દર્શન કર્યાં. હું તેમની આ પવિત્ર પ્રવૃત્તિ અને ખાસ તો મોટી છોકરીની આત્મવિશ્વાસ સાથેની દોરવણી જોયા કરતો હતો.
એ પછી ત્રણેય બાળકો શિવલિંગ પાસે ગયાં. ત્યાં ભક્તો અભિષેક કરતા હતા. આ ત્રણેય બાળકોએ પહેલા શિવલિંગ, નંદી અને કાચબાને ફૂલો ધરાવ્યાં. એ પછી અભિષેક પણ કર્યો. મેં જોયું કે મોટી દીકરી ખૂબ જ સરસ રીતે પોતાના નાનાભાઈ અને બહેન પાસે યોગ્ય રીતે આ બધી પૂજાવિધિ કરાવતી હતી. તેમને શીખવાડતી હતી. ફૂલો આપીને યોગ્ય રીતે ફૂલો ચડાવાય, લોટીમાં પાણી લઈને શિવલિંગ પર યોગ્ય રીતે અભિષેક કરાય. આ બધું પાંચ-છ વર્ષની દીકરી નાનાં ભાઈ – બેનને શીખવતી હતી.
એ પછી તે ત્રિપુટી જ્યાં કાંકરિયા હનુમાનની પ્રતિમા હતી ત્યાં ગઈ અને મોટી બહેને પોતાનાં ભાઈ-બહેનના કપાળમાં તિલક કર્યાં અને પોતે પણ પોતાના ભાલ પર સિંદૂરથી ચાંદલો કર્યો.
એ પછી તેમણે ડાબી બાજુ આવેલા બીજા ભગવાનનાં પણ દર્શન કરીને ફૂલો ચરણે ધર્યાં. બહારના ભાગમાં શનિદેવનું મંદિર આવેલું છે ત્યાં પણ તેમણે દર્શન કર્યાં.
એ પછી સરસ રીતે દફતર લીધાં, દફતરને શરીર ઉપર પહેરી લીધાં. મોટી બહેને નાના ભાઈને બૂટ પહેરાવ્યાં અને એ પછી તે બાળભક્તો ગયા.
તે ત્રિપુટીમાંથી મોટી બહેનનું નામ નીલમ, તેની ચારેક વર્ષની નાની બહેનનું નામ રિદ્ધિ અને નાનકડા ભાઈનું નામ બાદલ છે એવું મને જાણવા મળ્યું. નીલમ પોતાનાં ભાઈબહેનને લઈને દરરોજ આ રીતે દર્શન કરવા આવે છે. તે આ રીતે રોજ ફૂલો ખરીદે, ભિક્ષુકને પૈસા આપે અને ભગવાનોનાં દર્શન કરે.
એ પછી નીલમ પોતાના ભાઈને ઘરે મૂકીને નાનીબહેનને લઈને ભણવા જાય છે. પહેલા ધોરણમાં ભણે છે. મારા મિત્રો, નીલમની જવાબદારી લેવાની ભાવના અને પોતાનાં નાના ભાઈબહેનને સાચવવાની તેની રીતભાત જોઈને હું ખૂબ રાજી થયો. ભિક્ષુકને પૈસા આપવાની તેમની સંવેદનશીલતા પણ મને ગમી. તેમના દેખાવ અને પહેરવેશ ઉપરથી લાગતું હતું કે તે ત્રણેય બાળકો કોઈ શ્રમજીવી પરિવારનાં બાળકો છે. છ વર્ષની દીકરી, પોતાનાં ભાઈબહેનને લઈને એકલી મંદિરમાં દર્શન કરવા આવે એ તેનો આત્મવિશ્વાસ બતાવે છે.
નાનકડી નીલમની જે સજ્જતા છે, જે સંવેદનશીલતા છે, પરિવાર માટેની તેની જે ભાવના છે એ મને ખૂબ જ સ્પર્શી ગઈ. આ પ્રતિભા અને સંવેદનશીલતા જો બરકરાર રહે તો આગળ જતાં, અત્યારે તેના પરિવારને તેનો લાભ મળી રહ્યો છે, તેનો લાભ આખા સમાજને મળે.
આ બાળકોની પાછળ-પાછળ રહેવામાં અને તસવીરો લેવામાં હું હનુમાનજીનાં દર્શન કરવાનું ભૂલી ગયો.
દર્શન કર્યા વિના આગળ વધ્યો ત્યાં મને લાગ્યું કે પાછળથી ખુદ હનુમાનજીનો અવાજ આવ્યો: “અલ્યા, તું મારા મંદિરમાં આવ્યો અને તેં મારાં દર્શન ન કર્યાં?
અને હું તેમની માફી માગું એ પહેલાં તો હનુમાનજીએ કહ્યું કે “એની કોઈ જરૂર નથી. તેં મારી બાળભક્ત નીલમ અને તેનાં ભાઈબહેનના દર્શન કર્યાં એમાં મારાં દર્શન આવી ગયા!
હું મનોમન હનુમાનજી, નીલમ, તેનાં ભાઈબહેનને વંદન કરીને મારા કાર્યાલય તરફ આગળ વધ્યો.
***
દેખીતી રીતે આ વાત અત્યંત સામાન્ય લાગે, પણ આવી નાનીનાની વાતો પણ મનને ઠંડક આપી જતી હોય છે.
ક્યારેક બાળકો પાસેથી પણ સુખનો પાસવર્ડ મળી જતો હોય છે.