Homeવીકએન્ડ‘પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ વિશ્ર્વંભર ભરવા નયણે હો જી’

‘પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ વિશ્ર્વંભર ભરવા નયણે હો જી’

કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા

ઉમાશંકર જોશીની હેડિંગમાં લખાયેલી પંકિતઓ વિશ્ર્વભ્રમણ કરતા યાત્રીઓને સમર્પિત છે. વિશ્ર્વને તેમણે માત્ર પોતાના નયનોમાં ભર્યું નથી, પણ પોતપોતાની રીતે કાગળ ઉપર ઉતાર્યું પણ છે. કોઈએ ચિત્ર દ્વારા, કોઈએ પ્રવાસવર્ણન દ્વારા, કોઈએ કાવ્ય દ્વારા તો કોઈએ વાર્તા દ્વારા. પણ વિશ્ર્વની ઓળખ વિશ્ર્વ તરીકે કરાવવામાં સૌથી મોટો ફાળો કોનો? એવું જો પૂછવામાં આવે તો નિ:સંદેહ નક્શાઓનો ઉલ્લેખ કરવો પડે.
આજે તો આખું વિશ્ર્વ નાના ગેજેટ્સમાં સમેટાઈ ગયું છે અને ખિસ્સામાં આવી ગયું છે. વિશ્ર્વનો કોઈપણ ખૂણો માત્ર એક ક્લિક દૂર છે. આજે આપણે એવા રસ્તે પણ નિર્ભય થઈને ચાલીએ છીએ કે જેનો આરંભ કે અંત ખબર નથી. આપણે બેફિકર થઈ જઈએ છીએ, એ વિચારીને કે આપણી પાસે ૠજ્ઞજ્ઞલહય ખફાત છે. તે આપણને ભટકવા નહીં દે.
પરંતુ પાંચસો વર્ષ પહેલાં આવું નહોતું. જરા કલ્પના કરો કે જ્યારે લોકો પાસે આવા સંસાધનો નહોતા ત્યારે લોકોએ કેવી રીતે મુસાફરી કરી હશે. જ્યારે લોકોને ખબર નહોતી કે કેટલા મહાસાગરો છે, કેટલા ખંડો છે. અમેરિકા ક્યાં છે? ઇન્ડોનેશિયા ક્યાં છે? એ જમાનામાં પણ ઘણા બહાદુર લોકો હોડીમાં કે પગપાળા વિશ્ર્વની સફરે નીકળતા હતા. આજે દરેક જગ્યાનો નકશો છે. ગૂગલ મેપે દુનિયાને પગલાંમાં માપીને તમારા મોબાઈલમાં મુકી આપી છે. પરંતુ પાંચસો વર્ષ પહેલાં, વિશ્ર્વનો એક સચોટ નકશો પણ કાગળ પર ચીતરવામાં આવ્યો નહોતો.
દુનિયાનો પહેલો નકશો
પ્રારંભિક યુગના નકશા વિશ્ર્વના અડધાંપડધા ચિત્રો રજૂ કરતા હતા. તે સમયગાળામાં, નકશા બનાવવાનું કેન્દ્ર ઇટાલીના શહેરો હતા. ઈટાલી અને સ્પેનના ઉદ્યોગપતિઓ અને સંશોધકો પૂરા ઉત્સાહથી દુનિયાની શોધમાં નીકળતા હતા. ત્યારબાદ મેળવેલી માહિતીનો ઉપયોગ કરીને પહેલેથી બનેલા જૂના નકશામાં સુધારો કરવામાં આવતો હતો. વિશ્ર્વનો પ્રથમ નકશો ૧૪૪૮માં યુરોપમાં તૈયાર કરવામાં આવ્યો હતો, જે સુંદર અને આકર્ષક હતો. તે વેનેશિયન કાર્ટોગ્રાફર જીઓવાન્ની લિયાર્ડો દ્વારા ચામડા પર તૈયાર કરવામાં આવ્યો હતો. તેનું નામ પ્લાનિસફેરો હતું.
આ નકશાનો આધાર ગ્રીકો-રોમન વિદ્વાન ટોલેમીનું ભૂકેન્દ્રીય મોડેલ, મૂર્તિપૂજકોના નિશાન, ખ્રિસ્તી વિશ્વાસ, અરબી ભૌગોલિક સિદ્ધાંત અને વૈજ્ઞાનિક સૂત્રો હતા. આ નકશામાં, તમામ દ્વીપકલ્પને એ જ નામો સાથે દર્શાવવામાં આવ્યા છે જેનાથી તે સમયે યુરોપના લોકો તેમને ઓળખતા હતા. નકશામાં વિશ્ર્વભરમાં છ વર્તુળો છે, જેમાં નાની સંખ્યાઓ અને અક્ષરો લખેલા છે. આ સંખ્યાઓ અને વર્તુળોનો ઉપયોગ પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ, ઋતુઓ અને તહેવારોના ચક્રને સમજાવવા માટે કરવામાં આવતો હતો.
પ્લાનિસફેરો લેટિન શબ્દ છે. પ્લાનસ એટલે સપાટ અને સ્ફેરસ એટલે ગોળો. કાર્ટોગ્રાફર જીઓવાન્ની લિયાર્ડો દ્વારા હસ્તાક્ષર કરાયેલ માત્ર ત્રણ નકશા આજે અસ્તિત્વમાં છે. સૌથી જૂનો નકશો ૧૪૪૨નો છે, જે ઇટાલીના મધ્યયુગીન શહેર વેરોનામાં આવેલી ઇશબહશજ્ઞયિંભફ ઈજ્ઞળીક્ષયહહફ નામની લાઇબ્રેરીમાં સચવાયેલો છે. લિયાર્ડોનો છેલ્લો નકશો ૧૪૫૨નો છે, જે અમેરિકન જિયોગ્રાફિકલ સોસાયટી લાઇબ્રેરીમાં છે.
ઇટાલીના વિસેન્ઝા શહેરમાં મોટી સંખ્યામાં અમીર લોકો રહેતા હતા. કહેવાય છે કે આ અમીરો પુસ્તકાલયને નકશા, માર્ગદર્શિકા અને મૂલ્યવાન પુસ્તકો દાનમાં આપતા હતા. ૧૫મી અને ૧૬મી સદીમાં, આ નકશાએ શોધખોળની મુસાફરી કરનારાઓ માટે પ્રવાસ માર્ગદર્શિકા તરીકે કામ કર્યું હતું. આ નકશાઓના આધારે, નાવિકોએ વિશ્ર્વના ઘણા ભાગો શોધી કાઢ્યા.
૧૫મી અને ૧૬મી સદીના અંતમાં જ્યારે વિશ્ર્વના નવા ક્ષેત્રોની શોધ થઈ રહી હતી, તે જ સમયે પ્રિન્ટિંગનું કામ પણ શરૂ થયું હતું. જેમણે નકશા છાપવાના કામમાં ક્રાંતિ લાવવાનું કામ કર્યું. ખલાસીઓ, વેપારીઓ પાસેથી જે પણ માહિતી મળતી હતી તે છપાવીને બને તેટલા લોકોને મોકલવામાં આવતી હતી. છપાયા પછી જીઓવાન્ની લિયાર્ડોની પ્લેનિસફેરો જૂની થઈ ગઈ હતી. આજે આપણે વિશ્ર્વને જેટલું જાણીએ છીએ તેટલું આ ખલાસીઓ અને વેપારીઓની માહિતીના કારણે જાણીએ છીએ.
ટોલેમી અનુસાર, વિશ્ર્વ સપાટ અને ૭૦ ડિગ્રી પહોળું છે. ટોલેમી જાણતો હતો કે ભારત અને ચીન યુરોપના પૂર્વમાં છે. આ માહિતીના આધારે ટોલેમીએ એક નકશો પણ બનાવ્યો હતો, જેના આધારે શોધકર્તાઓએ ૧૫મી સદીમાં પોતાની યાત્રા શરૂ કરી હતી.
ટોલેમીના નકશાની પ્રથમ નકલ લેટિનમાં ૧૪૭૫માં છાપવામાં આવી હતી. ટોલેમીને લોકો ગણિતશાસ્ત્રી, ભૂગોળના માસ્ટર અને નજુમી (જ્યોતિષશાસ્ત્ર) તરીકે જાણે છે જેમને બીજી સદીમાં રોમન સામ્રાજ્યમાં વિશ્ર્વની ભૂગોળ બતાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
વર્ષો સુધી, ટોલેમીની ભૂગોળ સાચી માનવામાં આવતી હતી. પરંતુ કમનસીબે ટોલેમીના નકશાઓનો ખજાનો ગાયબ થઈ ગયો. તેથી, ૧૩મી સદીમાં બાયઝેન્ટાઇન સામ્રાજ્યમાં, મેક્સિમસ પ્લેન્યુડસે વિશ્વની નવેસરથી શોધખોળ શરૂ કરી. ટોલેમીની તમામ માહિતી ૧૪૦૬ સુધીમાં ગ્રીક ભાષામાંથી લેટિનમાં હાથ દ્વારા લખવામાં આવી હોવાથી, આ માહિતીના આધારે નવા નકશા બનાવવામાં આવ્યા હતા.
ટોલેમીની ૧૪૭૫ની હસ્તપ્રતોમાં નકશાનો સમાવેશ થતો નહોતો. માહિતી ફક્ત અનુભવના આધારે લખવામાં આવી હતી. પરંતુ પાછળથી જે નકશા બનાવવામાં આવ્યા હતા તેમાં હાથ વડે રંગો ભરવામાં આવ્યા હતા. પીળો રંગ જમીનને દર્શાવવા માટે અને વાદળીનો સમુદ્ર માટે ઉપયોગ થતો હતો.
વર્ષ ૧૫૦૦ પહેલાના નકશા આધારિત તમામ પુસ્તકો કે હસ્તપ્રતો માં પુસ્તકની પ્રસ્તાવના, પુસ્તકનું નામ અને લેખક, તારીખ વગેરે લખેલું હોય તેવું પાનું નથી.
તેની શરૂઆત ૧૫૦૦ પછી પ્રિન્ટિંગના યુગમાં એલ્ડસ મેન્યુટિયસ દ્વારા કરવામાં આવી હતી. તે ઇટાલિક ફોન્ટનો ઉપયોગ કરનાર પ્રથમ વ્યક્તિ હતા અને ગ્રીકથી લેટિનમાં લગભગ ૧૩૦ પુસ્તકો છાપ્યા હતા. ૧૫૨૪ માં, જર્મનીના પેટરસ એપ્યાનુસે કોસ્મોગ્રાફિયા નામનું પુસ્તક લખ્યું, જે ગણિતના આધારે ભૂસ્તરશાસ્ત્રની બારીકીઓ જણાવે છે. પેટરસને નકશા, ગણિત અને ખગોળશાસ્ત્રમાં નિપુણતા પ્રાપ્ત હતી.
પેટરસનું આ પુસ્તક ૧૪ ભાષાઓમાં ૩૦ વખત છાપવામાં આવ્યું હતું. તેની પ્રથમ લેટિન આવૃત્તિ
૧૫૪૦માં છપાઈ હતી. કોસ્મોગ્રાફિયાની ખાસ વિશેષતા એ હતી કે તેમાં વ્યંજનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમાં ફરતા વ્હિલ ચાર્ટ હતા.
આ ચાર્ટ કાગળના બહુવિધ સ્તરોમાંથી બનાવવામાં આવ્યા હતા. તેને પ્રારંભિક એનાલોગ કમ્પ્યુટર અને કેલ્ક્યુલેટરના ઉદાહરણ તરીકે પણ સમજી શકાય છે. આની મદદથી, રાશિચક્રના સંકેતો, ચંદ્ર અને સૂર્યની ગતિને સમજી શકાય છે. કોસ્મોગ્રાફિયાનો ઉપયોગ ખલાસીઓ માટે ઘણી વધુ મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડતો હતો.
આ ઉપરાંત, કોસ્મોગ્રાફિયા એ વિશ્ર્વના સૌથી જૂના નકશા માટે પણ જાણીતું છે જેમાં ઉત્તર અમેરિકાનો પશ્ર્ચિમી કિનારો પ્રથમ વખત બતાવવામાં આવ્યો હતો. આ સમયગાળામાં, પૃથ્વીના નવા ભાગોની શોધ થઈ રહી હતી. શોધકર્તાઓ પાસેથી મળેલી માહિતીના આધારે અનેક પ્રકારના નકશા પુસ્તકો, અબાકસના પુસ્તકો, દરિયાઈ માર્ગોના પુસ્તકો લખવામાં આવી રહ્યા હતા. આ પુસ્તકોએ સેનાઓને જમીન અને દરિયાઈ માર્ગો સમજવામાં પણ ઘણી મદદ કરી.
પ્રથમ એટલાસ – થિયેટર ઓફ ધ વર્લ્ડ
પ્રથમ એટલાસ ૧૫૭૦ માં છાપવામાં આવ્યું હતું, જેનું નામ થિયેટર ઓફ ધ વર્લ્ડ હતું. તેને પ્રથમ આધુનિક નકશો પણ કહેવામાં આવે છે. તે ફ્લેમિશ વિદ્વાન અને ભૂસ્તરશાસ્ત્રી અબ્રાહમ ઓર્ટેલિયસ દ્વારા લખવામાં આવ્યું હતું.
પ્રથમ વખત આ એટલાસમાં નકશા સાથે વિગતવાર માહિતી હતી. નકશા નિષ્ણાત કાર્ટોગ્રાફરો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. જે જગ્યાની વિશેષતા હતી તેના નિશાન પણ બનાવવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે, રણ દર્શાવવા કરવા માટે ત્યાં ઊંટ અને પામ વૃક્ષો બનાવવામાં આવ્યા હતા. પ્રથમ વખત નકશા છાપવા માટે તાંબાની પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ નકશાઓમાં વપરાતા રંગો આજે પણ ચમકે છે. થિયેટર ઓફ ધ વર્લ્ડ તે યુગના સમૃદ્ધ લોકો માટે માહિતીનો ખજાનો હતો. આ માર્ગદર્શિકા પુસ્તક ૧૫૭૦ થી ૧૬૧૨ દરમિયાન જર્મન, ફ્રેન્ચ, ડચ, લેટિન અને અન્ય ઘણી ભાષાઓમાં પણ છાપવામાં આવ્યું હતું. તેની કિંમત પણ ઘણી હતી.
કોઈની પાસે થિયેટર ઓફ ધ વર્લ્ડ હોવું એ બુદ્ધિશાળી અને સમૃદ્ધ હોવાની નિશાની માનવામાં આવતું હતું. આમાં ઘણા એવા નકશા પણ છે જેની માહિતીનો સ્ત્રોત આજે કોઈને ખબર નથી. ૧૫૭૦ માં પ્રથમ વખત થિયેટર ઓફ ધ વર્લ્ડની એ આવૃત્તિ છપાઈ હતી, જેમાં આવા ૮૭ ભૂસ્તરશાસ્ત્રીઓ અને નકશાકારોને આ નકશાના સ્ત્રોત તરીકે નામ આપવામાં આવ્યું હતું. બાદમાં આ યાદીમાં બીજા ઘણા નામ ઉમેરાયા અને આ યાદી ૧૮૩ નામની બની ગઈ.
દુનિયા ગોળ છે
નકશાના ઘણા પુસ્તકો પ્રકાશિત થયા હતા, પરંતુ વિશ્ર્વ ગોળ છે, તે આપણને ઇટાલિયન સંશોધક એન્ટોનિયો પિગાફેટા દ્વારા કહેવામાં આવ્યું હતું. પિગાફેટાએ એક ડાયરીમાં સમુદ્ર દ્વારા વિશ્ર્વની સફરની યાદો લખી હતી. તેણે આ ડાયરી રોમન સામ્રાજ્યના સમ્રાટ ચાર્લ્સ પાંચમને ભેટ તરીકે આપી હતી. ૧૫૨૪માં આ ડાયરી પુસ્તકના રૂપમાં છપાઈ હતી. આ ડાયરીમાં લખેલી માહિતીના આધારે જ પેસિફિક મહાસાગરની જાણકારી મળી હતી.
નકશાની સફર જાણ્યા પછી એટલું જ કહી શકાય કે વિશ્ર્વને નજીક લાવવામાં, તેને નવી રીતે સમજવામાં અને વિજ્ઞાનની પ્રગતિમાં તેણે બહુમૂલ્ય ભૂમિકા ભજવી છે. જો નકશા નિર્માતા પ્રવાસ પર ન નીકળ્યા હોત તો વિશ્ર્વમાં પ્રગતિ શક્ય ન બની હોત.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -