(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ઉત્તર ભારત અને જમ્મુ-કાશ્મિરમાં તાજેતરમાં થયેલી અતિભારે બરફવર્ષાને પગલે પાકિસ્તાનની સરહદને અડકીને આવેલા સરહદી કચ્છ જિલ્લામાં લઘુતમ ઉષ્ણતામાનનો આંક ઉપર આવતાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
ભારત-પાકિસ્તાન વચ્ચેની સીમાને અડકીને આવેલાં અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં આજે ૭ ડિગ્રી જેટલું ન્યુનત્તમ તાપમાન, જયારે ૨૬ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાતાં ટાઢથી મૂર્છિત થઇ ગયેલા જનજીવને ભારે રાહત અનુભવી છે.
નલિયા સિવાયના અન્ય મથકોમાં પણ આજે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે જેમાં જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આજે ધાબડીયા માહોલ વચ્ચે લઘુતમ તાપમાનનો પારો ૧૧ ડિગ્રી સેલ્સિયસ જેટલો નોંધાતા ઠંડીમાં રાહત વર્તાઈ હતી જેને પગલે ખાલી ભાસતા માર્ગો પર રોનક પાછી ફરી રહી છે.
મહાબંદર કંડલામાં લઘુતમ તાપમાનનો આંક ૧૪ ડિગ્રી સે. પર પહોંચી જતાં સમગ્ર કંડલા-ગાંધીધામ સંકુલે ભારે રાહત અનુભવી હતી.
વહેલી સવારે અને સાંજ ઢળ્યા પછી ધાબળીયા માહોલ વચ્ચે હવામાં ભેજ ઘટી જતાં ગ્રામીણ કચ્છમાં શહેરો કરતાં થોડી વધારે ઠંડી અનુભવાઈ હતી અને લોકો ઠેર-ઠેર તાપણાં કરી, ઠંડીથી બચવાના પ્રયાસો કરતા નજરે પડ્યા હતા.
દરમિયાન, રાજસ્થાન પર સર્જાયેલા હવાના હળવાં દબાણને પગલે ગુજરાતના કેટલાક ભાગોમાં મિની વાવાઝોડાં સાથે કમોસમી માવઠાંની હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજથી ન્યૂનત્તમ પારો ત્રણથી પાંચ ડિગ્રી જેટલું ઊંચકાવાની સાથે મહત્તમ તાપમાન પણ ઊંચું આવશે, જો કે, શીતમથક નલિયામાં હજુ પણ ઠંડીનું સામ્રાજ્ય થોડા દિવસો માટે જારી રહેશે તેવી શક્યતા મોસમ વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે.