આમ તો આપણે કહેતા હોઈએ છીએ કે રાજકારણીઓની ચામડી જાડી હોય તેમને કંઈ ન થાય, પરંતુ રોગ વ્યક્તિનો વ્યવસાય જોઈને આવતો નથી. ભારતના એવા ઘણા રાજકારણીઓ છે જેમણે કેન્સરની બીમારીને વિરોધી પક્ષ સમજીને બરાબરની ટકકર આપી છે જ્યારે અમુકે પોતાનું જીવન ગુમાવ્યું છે.
જ્યારે કેન્સર સામે લડી લેવાની વાત આવે ત્યારે પહેલું નામ મહારાષ્ટ્રના કદાવર નેતા અને એનસીપીના ચીફ શરદ પવારનું આવે. લગભગ દોઢેક દાયકા કરતા પણ વધારે સમય થયો હશે જ્યારે પવારને ઓરલ કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારી પહેલી સર્જરી બાદ મને ડોક્ટરે કહ્યું હતું કે હું છએક મહિનાનો મહેમાન છું. પણ હું લડ્યો. મેં બીજી બે સર્જરી કરાવી, તેમ તેમણે કહેતા પોતે કઈ રીતે તમાકુના વ્યસની બની ગયા હતા તે પણ તેમણે જણાવ્યું હતું.
આજે તમામ વિરોધીપક્ષ સામે પડકાર બનેલા પવાર કેન્સર થયા બાદ તમાકુ પરના પ્રતિબંધ માટેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ ઓલખાય છે.
તો બીજા આવા જ કેન્સરને મ્હાત કરનારા નેતા છે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિન્હા.
તેમને લિમ્ફોમા થયો હતો. લિમ્ફોમા શરીરના જીવજંતુઓ સામે લડતા અવયવોના નેટવર્કને અસર કરતું કેન્સર છે. સિન્હાએ જણાવ્યું હતું કે મારા સદનસીબે મને આ કેન્સર વિશે પહેલા તબક્કામાં જાણ થઈ. જોકે હું ઘણો વ્યથિત રહ્યો. સિન્હાએ છ કેમિયોથેરેપીના સેશન લીધા. ઘણાએ તેમને વિદેશ જવાની સલાહ આપી, પરંતુ તેમણે ભારતના ડોક્ટરોનો જ ભરોસો કર્યો અને મુંબઈ તેમ જ દિલ્હી ખાતે ઈલાજ કરાવ્યો અને 2007માં તેઓ કેન્સરમુક્ત થયા. એક સમયના બોરીવલીના સાંસદ અને રેલવે પ્રધાન રામ નાઈક પણ 1993માં કેન્સરનો શિકાર બન્યા હતા, પરંતુ તેમણે પણ મુંબઈમાં સારવાર લીધી અને કેન્સરને હરાવી દીધું. અભિનેત્રી અને સાંસદ કિરણ ખેરે પણ કેન્સર સામે ભારે લડત આપી છે.

તો બીજી તરફ એવા ઘણા રાજકારણીઓ છે જેઓ વિરોધીપક્ષો સામે તો ઉઘાડી છાતીએ લડ્યા, પણ કેન્સર સામે લડી ન શક્યા. ભૂતપૂર્વ વડા પ્રધાન વી.પી. સિંહ, પૂર્વ વડા પ્રધાન ચંદ્ર શેખર, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૈરોસિંહ શેખાવત, હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભજન લાલ, ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકર, કેન્દ્રમા પ્રધાન અનંત કુમાર કેન્સરનો ભોગ બન્યા હતા અને શ્રેષ્ઠ સારવાર મળી હોવા છતાં મોતને ટાળી શક્યા ન હતા.