Homeધર્મતેજકેટલાક માણસો સાથે બની શકે ત્યાં સુધી સંઘર્ષમાં ઊતરવું નહીં, આમાં સરવાળે...

કેટલાક માણસો સાથે બની શકે ત્યાં સુધી સંઘર્ષમાં ઊતરવું નહીં, આમાં સરવાળે આપણને જ નુકસાન

જીવન એ તો કુરુક્ષેત્ર છે. આમ છતાં કેટલીક વખત નાછૂટકે આપણા પોતાના માણસો સામે લડવું પડે છે. બને ત્યાં સુધી વિના કારણે કોઈની આડે આવવું નહીં એ સૌથી મોટો ધર્મ છે

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર

જીવન વ્યવહારમાં આપણે ભિન્ન ભિન્ન પ્રકૃતિના અનેક માણસો સાથે પરિચયમાં આવીએ છીએ. માનવીની કેટલીક સ્વભાવગત નબળાઈઓ અને ઊણપો હોય છે. કોઈ માણસ સંપૂર્ણ નથી. દરેક માણસનો સ્વભાવ ગમો અણગમો અને જીવન જીવવાની અને કાર્ય કરવાની રીત અલગ અલગ હોય છે. એટલે કેટલીક વખત આવી પ્રકૃતિના માણસો વચ્ચે સંઘર્ષ અનિવાર્ય બની જાય છે. પરંતુ સમજદાર માણસ આની એક મર્યાદા બાંધી લે છે. અને બને ત્યાં સુધી આ પ્રકારનાં વાદ વિવાદમાં ઊતરતો નથી. વિચારો જુદા જુદા હોય છે ત્યારે મતભેદ ઊભા થાય છે. અને આ પ્રકારનાં મતભેદો પરસ્પર સમજૂતીથી ઉકેલી શકાય છે. પરંતુ મનભેદ ઊભાં થાય ત્યારે જલ્દીથી ઉકેલી શકાતા નથી.
આમ જોઈએ તો આપણે અનેક બાબતો જે આપણા ચોકઠામાં બેસતી ન હોય તે અંગે વિરોધ અને અણગમો વ્યક્ત કરતા રહીએ છીએ. કેટલીક વખત આ વિરોધ સીધો હોય છે તો કેટલીક વખત આડકતરો હોય છે. વિરોધ અનેક પ્રકારે થાય છે. રોષથી કે મેણું મારીને, સામા માણસને ન ગમતી વાત કરીને અથવા તેના મર્મસ્થાન પર ઘા કરીને અણગમો વ્યક્ત થતો હોય છે. ચાલાક માણસો સમય અને સંજોગો જોઈને મનમાં રહેલા રોષને બહાર કાઢે છે અને ન કહેવાનું કહી નાખે છે. પણ વિરોધનો પ્રતિભાવ ઊભો ન થાય તો વિરોધ બુઠ્ઠો બની જાય છે.
આપણી સામે થતા વિરોધને ટીકાને આપણે કોઈપણ જાતના પ્રતિભાવ નહીં આપીને મહાત કરી શકીએ. સાચી વાતમાં ગુસ્સે થયા વગર સામા માણસને સમજવાનો પ્રયાસ કરીએ તો ખોટા વાદ વિવાદને ટાળી શકાય. આપણે કોઈ પણ ક્ષેત્રમાં હોઈએ ત્યાં કામ કરતાં લોકો વચ્ચે કોઈને કોઈ બાબત અંગે ઘર્ષણ થતું રહેવાનું છે. કારણ કે બધા માણસોનો સ્વભાવ સરખો હોતો નથી. માણસને ક્યાંક ને ક્યાંક ઘા લાગી જાય છે. કેટલીક વખત એકનો ગુસ્સો બીજા પર ઊતરે છે. કેટલીક વખત જૂની વાતો અને જૂના પૂર્વગ્રહો મનમાં રહેલા હોય છે એટલે કાંઈક બહાનું મળી જતા રોષ પ્રજ્વલિત બને છે.
કેટલાક માણસો એવા હોય છે જેઓ પુરુ સમજ્યા વગર વાત વાતમાં મિજાજ ગુમાવે છે. તેમને ગમે ત્યારે આડુ પડી જાય. તમે તેને માટે સારી વાત કરવા જાઓ તો પણ પાછાં પડવું પડે. કેટલાક લોકો આડું જોવા માટે ટેવાયેલા હોય છે. તેમને ગમે તેટલું સારું થયું હોય પરંતુ ખોડખાંપણ કાઢ્યા વગર ચેન પડતું નથી.
કુટુંબ, સમાજ કે કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં આપણે કામ કરતા હોઈએ ત્યાં બિનજરૂરી વિરોધ ટીકા નિંદા થી દૂર રહેવું જોઈએ. આ બધી બાબતોને પોતપોતાની મર્યાદા હોય છે. કેટલાક માણસો માત્ર ઈશારાથી સમજી જાય છે. તો બીજા કેટલાક એવા માણસો હોય છે જેઓ એક કાનેથી સાંભળે છે અને બીજા કાનેથી કાઢી નાખે છે. વિરોધ ટીકા નિંદા સહન કરવાની દરેકની સ્વાભાવિક મર્યાદા હોય છે. કેટલાક લોકો બહુ ટચી હોય છે. જરાક અમથું કોઈ કહે તો તેમને ખોટું લાગી જાય. સ્ત્રી હોય તો આંખમાંથી આંસુ પડવા માંડે. આ પ્રકારની વ્યક્તિઓ પછી તે વાતને ભૂલે નહીં અને મનમાં ને મનમાં એ વાતને ઘુમાવ્યા કરે અને પોતે જાતે દુ:ખી થાય અને બીજાને દુ:ખી કરે. આવી બધી વાતો જલદીથી ભૂલી જવી જોઈએ. તેમાંથી સારું જોવાનો પ્રયાસ કરવો જોઈએ. દોષનો ટોપલો પોતાના પર ઢોળી દેવાની જરૂર નથી. દરેક બાબતને સાચી રીતે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
આમ છતાં જ્ઞાની માણસો જીવનના પરમ સિદ્ધાંતોને સમજાવતા કહે છે કે સમાજમાં એવા કેટલાય માણસો હોય છે તેની સાથે બને ત્યાં સુધી સંઘર્ષમાં ઊતરવું નહીં, વિરોધ કરવો નહીં. વિરોધ કરીએ, આડા ઊતરીએ તો સરવાળે આપણને જ નુકસાન થાય.
(૧) માર્મિક રીતે કહીએ તો ગૃહિણીનો વિરોધ ન કરવો. એટલે કે ઘરમાં રસોઈ કરનારી સન્નારીનો વિરોધ ન કરવો. વાતવાતમાં તેને ટોકતાં રહીએ તો પરિણામ શું આવે તે સૌ કોઈ જાણે છે.બને ત્યાં સુધી ચલાવી લેવું. કાંઈ કહેવું હોય તો પ્રેમથી કહેવું.
(૨) મૂર્ખ માણસનો વિરોધ ન કરવો. તમે તેને ગમે તેટલું સમજાવશો તો પણ તેનો કોઈ અર્થ સરવાનો નથી. મૂર્ખ માણસો તમે કહો તેના કરતાં આડું કરવા ટેવાયેલા હોય છે. આવા માણસોને તમે ગમે એટલી સાચી સલાહ આપો. પરંતુ તેમને કશી અસર થશે નહીં.
(૩) જેની પાસે શસ્ત્ર હોય તેનો વિરોધ ન કરવો. હાથમાં રહેલું હથિયાર ક્યારે આપણી પર ત્રાટકે તેનો કોઈ ભરોસો નહીં. ગુસ્સામાં માણસ ગમે તે કરી બેસે. અખબારોમાં આપણે એવા કિસ્સાઓ જોઈએ છીએ. કોઈ માણસ ઝઘડતા બે માણસોને સમજાવવા જાય અને હુમલાનો ભોગ થઈ પડે. હુમલો કરનારને આવા માણસો સામે વેર હોતું નથી પરંતુ ક્ષણિક આવેશમાં તે ન કરવાનું કરી બેસે છે.
(૪) મર્મીઓનો એટલે કે આપણો ભેદ જાણનારનો વિરોધ ન કરવો. વિરોધ કરીએ તો આપણી પોલ ખુલ્લી પડી જાય. આપણા રહસ્યો જે જાણતો હોય તેની આડા ઊતરવું નહીં. આડા ઊતરીએ તો તે આ શસ્ત્રથી આપણને દબાવ્યા કરે. કેટલીક વસ્તુઓ માણસ છુપાવતો હોય છે. કેટલાક ભેદભરમ હોય છે. આ ભેદ જાણનારા તમારું ઘણું બગાડી શકે છે. આબરૂની, માનની, મર્યાદાની સૌને કિંમત હોય છે. માણસની ભૂલ કેટલીક વખત થઈ જાય પરંતુ આ ભૂલને જાહેરમાં કબૂલ કરવાની હિંમત હોતી નથી એટલે તેને આ બધું છુપાવવું પડે છે. સમાજમાં કેટલાક લોકોને બીજાની આવી વાતો જાણવામાં રસ હોય છે. તેમને આમાં આનંદ આવતો હોય છે.
(૫) શઠ, ધુતારાઓનો વિરોધ ન કરવો. તેમનાથી છેટું રાખવું. તેઓ ગમે ત્યારે આપણને ફસાવી શકે છે. તેમની વાતો અને વર્તનમાં આસમાન જમીનનું અંતર હોય છે. તેઓ સજ્જનના સ્વાંગમાં હોય છે એટલે એમને ઓળખી શકવાનું મુશ્કેલ છે. જ્યારે અનુભવ થાય ત્યારે જ ખબર પડે અને આશ્ર્ચર્ય થાય છે કે આવો સારો માણસ આવું કરે ? અત્યારના જગતમાં કોણ સારું અને કોણ ખરાબ એની કલ્પના કરવાનું મુશ્કેલ બની ગયું છે.
(૬) માથાભારે માણસોનો વિરોધ ન કરવો. માથાભારે માણસો બધા વર્ગમાં હોય છે. માત્ર અંધારી આલમમાં આવા માણસો હોય છે એવું નથી. સારા સમૂહમાં પણ આવાં માણસો હોય છે. તેઓ બધાને દબડાવતા ધમકાવતા હોય છે. પોતે કહે તે જ સાચું. બીજાની વાત સાંભળવાની તેઓ દરકાર કરતા નથી. વાત-વાતમાં તેઓ બાયો ચડાવીને બેસે છે. કોઈ પણ તેની અડફેટમાં આવવું જોઈએ. આવા માથાભારે માણસોથી દૂર રહેવામાં આપણું ભલું છે.
(૭) જીવન વ્યવહારમાં ધનવાન માણસોનો પણ વિરોધ કરવો નહીં. પૈસાદાર માણસનો વિરોધ કરો તો તેનું પરિણામ શું આવે તેની આપણને બધાને ખબર છે. શ્રીમંત માણસો સામે તમારી સાચી વાત પણ કોણ સાંભળવાનું
હતું ? તેમની આડા ઊતરવું નહીં. વહેવારમાં બધું જ્યારે લક્ષ્મીના ત્રાજવે તોળાતું હોય ત્યારે તમારો ભાવ કોણ પૂછે? સમાજમાં શ્રીમંત માણસોનું વર્ચસ્વ રહેલું હોય છે. તે કરે તે કાયદો ગણાય. તેમની ધૂન સમાજમાં સુધારો બની જતી હોય છે. અને તેમની હર ચાલ ફેશનમાં અને આધુનિકતામાં ખપે છે. આ પૈસાનો પ્રભાવ છે.
(૮) વૈદ અને ડોક્ટરોનો વિરોધ કરવો નહીં. આપણા તન અને મનનો જે ભેદ જાણતા હોય તેની સામે વિરોધ કેવી રીતે થઈ શકે ? બીમાર થઈએ તો બધો આધાર ડોક્ટર પર રાખવો પડે. તેમની સલાહ માનવી પડે તેમાં આપણું ડહાપણ ડોળાય નહીં. ડોક્ટર અને વૈદને વેરી બનાવાય નહીં. તે કહે તેમ કરવું તેમાં આપણી ભલાઈ છે.
(૯) શાસ્ત્રમાં કહ્યું છે કે ગુણીજનો અને જ્ઞાની માણસોનો વિરોધ ન કરવો કારણ કે તેમની વાતમાં કંઈક સારું હોય છે. તે વાત ભલે આપણને કદાચ ન સમજાય પરંતુ તેમાં ઘણું સત્ય અને તથ્ય રહેલું હોય છે. તેમની વાતોમાં ઊંડાણ, સમજદારી હોય છે. તેમનું કહેવાનું તાત્પર્ય હોય છે. આવા માણસો સમજી વિચારીને બોલતા હોય છે.ળ આવા માણસોમાં આપણે વિશ્વાસ મૂકી શકીએ.
(૧૦) કવિ, ભાટ, ચારણનો વિરોધ કરવો નહીં. ખુશામત અને પ્રશંસા કરનારા માણસોને સાચવી લેવા. તેઓ સ્વતંત્ર મિજાજના હોય છે. તેમની જીભ ક્યારે કાતર બનીને વેતરી નાખે તે કહેવાય નહીં કવિ, ભાટ અને ચારણ તો માત્ર પ્રતીક છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેની જીભ બહુ લાંબી હોય તેનો વિરોધ ન કરવો.
(૧૧) ઈશ્ર્વરનો, વિધાતાનો, નિયતિનો કદી વિરોધ કરવો નહીં. ભલે લાખ માથા પછાડો પણ જીવનમાં જે કાંઈ બનવાનું છે તે મિથ્યા થવાનું નથી. નિયતિ પાસે કોઈનું કશું ચાલતું નથી. કર્મના ફળ ભોગવવા પડે છે.
(૧૨) છેવટે સાર રૂપે એટલું જ કહેવાનું કે માણસે ખુદનો વિરોધ ન કરવો, પણ અંતરાત્માનો અવાજ સાંભળવો અને તેને અનુસરવું.
કોઈની અડફેટમાં આવવું નહીં તેનો અર્થ એ નથી કે અન્યાય સહન કરવો, લાચારી ભોગવવી કે ઘૂંટણીયા ભરવા. સચ્ચાઈથી અને ખુમારીથી જીવવું. સારા માણસો કંટાળીને હાર સ્વીકારી લે છે ત્યારે ખરાબ માણસોને મોકળું મેદાન મળતું હોય છે. જીવન એતો કુરુક્ષેત્ર છે આમ છતાં કેટલીક વખત ના છૂટકે આપણા પોતાના માણસો સામે લડવું પડે છે. આમ છતાં બને ત્યાં સુધી વિના કારણે કોઈની આડે આવવું નહીં એ સૌથી મોટો ધર્મ છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -