Homeવીકએન્ડઅમેરિકા નામના ‘સ્વર્ગ’ જવા કેટલાક ગુજરાતીઓ મૃત્યુના મુખમાંથી પસાર થવા પણ તૈયાર

અમેરિકા નામના ‘સ્વર્ગ’ જવા કેટલાક ગુજરાતીઓ મૃત્યુના મુખમાંથી પસાર થવા પણ તૈયાર

કવર સ્ટોરી -ગીતા માણેક

ગયા વર્ષની ૧૨ જાન્યુઆરીએ ગાંધીનગર જિલ્લાના કલોલ પાસે આવેલા ડિંગુચા ગામના પાંત્રીસ વર્ષીય જગદીશ પટેલ તેમની ૩૩ વર્ષની પત્ની વૈશાલી, ૧૨ વર્ષની દીકરી વિહંગા જેને તેઓ લાડથી ગોપી બોલાવતા હતા અને ત્રણ વર્ષના દીકરા ધાર્મિકની સાથે આંખમાં અમેરિકા નામના ‘સ્વર્ગ’માં પ્રવેશવાનું સપનું આંજીને કેનેડાના ટોરેન્ટો શહેરમાં પહોંચ્યા હતા. ત્યાંથી એજન્ટોએ તેમને વાહનમાં અમેરિકાની બોર્ડર પરના વીનીપેગ ગામે પહોંચાડ્યા. કેનેડાના આ સ્થાન પરથી અમેરિકાની બોર્ડર આઠેક કિલોમીટર દૂર છે. આમ તો આ માર્ગે અમેરિકા પહોંચવા માટે ત્રણથી છ મહિનાની રાહ જોવી પડે છે, પણ જગદીશ પટેલને પરિવાર સહિત અમેરિકામાં પ્રવેશી ખણખણતા ડોલર કમાઈ જીવતાજીવત ‘સ્વર્ગ’નું સુખ માણવાની ઉતાવળ હતી.
ગેરકાયદેસર રીતે મેક્સિકોના માર્ગે અમેરિકામાં પહોંચાડતા એજન્ટોને સર્વિલન્સ રાખતા કેમેરાઓની જાણ હોય છે. ૧૮મી જાન્યુઆરીએ અન્ય આવી જ રીતે ગેરકાયદે અમેરિકામાં ઘૂસવા માગતી સાત વ્યક્તિઓ સાથે મેનિટોબા રાજ્યના વીનીપેગ શહેરમાં પહોંચ્યા ત્યારે અંધારી રાત હતી અને શહેરનું તાપમાન હતું માઇનસ ૩૫ ડિગ્રી! પંદર સીટર કારમાં બેઠેલા અમેરિકામાં ઘૂસવા માગતા આ અગિયાર પ્રવાસીઓને કારમાંથી વરસતા બરફની વચ્ચે ઉતારવાનું કહેવામાં આવ્યું. સામે એક ગેસ સ્ટેશનની લાઈટ હતી ત્યાંથી ચાલીને આગળ કઈ રીતે જવું એ સમજાવવામાં આવ્યું. કાળી અંધારી રાતમાં બરફમાં ચાલીને જવાનું મુશ્કેલ હતું, કારણ કે આગળ એક મીટર સુધી પણ કંઈ દેખાતું નહોતું. છેવટે રાતભર કારમાં પડ્યા રહીને વહેલી સવારે ચાલવા માંડવું એવું નક્કી થયું. એજન્ટના માણસો જે તેમને કારમાં મૂકવા આવ્યા હતા તેમણે કહ્યું કે આવા હવામાનનો જ લાભ લેવાનો છે અને અમેરિકામાં ઘૂસવાનું છે. સરહદની પેલી પાર કાર લઈને સેન્ડી નામનો ડ્રાઇવર તમારી રાહ જોતો હશે એટલું કહીને વહેલી સવારે તેમને સરહદ પાર જવા માટે રવાના કરી દેવાયા.
ડોલરિયા દેશમાં જઈ સ્વર્ગનું સુખ માણવા પહોંચવા માગતા આ ૧૧ યાત્રીઓએ ચાલવા માંડ્યું પણ ચાલતા-ચાલતા બધા એકબીજાથી વિખૂટા પડી ગયા. આ અગિયારમાંના બે યુવાનો ૧૧ કલાક ચાલ્યા પછી અમેરિકાની ધરતી પર એ જગ્યાએ પહોંચ્યા જ્યાં સેન્ડી તેમની રાહ જોતો હતો. બાકીના નવ સહપ્રવાસીઓની રાહ જોવાને બદલે સેન્ડીએ કાર શરૂ કરી પણ બરફમાં કાર ફસાઈ ગઈ એટલે ન છૂટકે તેણે ક્રેનને બોલાવી પડી. ક્રેનના ડ્રાઇવરને આખો મામલો શંકાસ્પદ લાગતા તેણે પોલીસને ફોન કર્યો અને હકીકત બહાર આવી. પહેલાં પહોંચી ગયેલા બે યુવાનોએ પોલીસને કહેવું પડ્યું કે તેમની સાથે બીજા નવ પ્રવાસીઓ હતા. બાકીના પાંચ પ્રવાસીઓ તો મળી ગયા પણ ડિંગુચા ગામના જગદીશ પટેલ, તેમની પત્ની વૈશાલી, દીકરી વિહંગી અને દીકરો ધાર્મિક મૃત અવસ્થામાં બરફમાં દટાયેલા મળ્યા. આ લોકો જેને સ્વર્ગ ગણતા હતા એ અમેરિકા તો ન પહોંચ્યા પણ સ્વર્ગવાસી જરૂર થઈ ગયા હતા! આવું ભયાનક મોત પામવાના તેમણે એજન્ટને કુલ દોઢેક કરોડ રૂપિયાથી પણ વધુ ચૂકવ્યા હતા!
ગુજરાત પોલીસ ક્રાઈમ બ્રાન્ચે આ મહિનાની ૧૪મી તારીખે યોગેશ પટેલ, ભાવેશ પટેલની અને ત્યાર બાદ દશરથ ચૌધરીની ધરપકડ કરી ત્યારે આ આખો મામલો સ્પષ્ટપણે સામે આવ્યો હતો. આ યોગેશ પટેલ કેનેડા થઈ મેક્સિકોની બોર્ડર પરથી અમેરિકામાં ઘુસાડવા માટે વ્યક્તિદીઠ ૬૫ લાખ અને ચાર જણનો પરિવાર હોય તો હોલસેલ ડિસકાઉન્ટ આપતો હતો. સૂત્રોના જણાવવા પ્રમાણે યોગેશ પટેલ પાસે હિંદુસ્તાન, અમેરિકા, કેનેડામાં કરોડો રૂપિયાની સંપત્તિ છે. જે માહિતી જાણવા મળી રહી છે એ પ્રમાણે યોગેશ પટેલ અને તેની ગેન્ગે મળીને અત્યાર સુધીમાં લગભગ ૩૫૦૦ વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસાડ્યા છે જેમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા.
અમેરિકામાં ગેરકાયદે ઘુસાડવા માગતા યોગેશ પટેલ આણિ મંડળીની મોડસ ઓપરેન્ડીની વાત કરતા ગુજરાત ક્રાઈમના ડીસીપી ચૈતન્ય મંડલિક કહે છે, આવા અનેક એજન્ટો ગુજરાતમાં છે કારણ કે અમેરિકાની ધરતી પર વસવાટ કરવાનું સપનું ઘણા ગુજરાતીઓમાં છે. આમાં એક મુખ્ય એજન્ટ હોય છે અને બીજા પેટા એજન્ટો હોય છે. આ પેટા એજન્ટો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ફેલાયેલા છે. તેઓ જાણી લે છે કે કયા ગામમાં કોને અમેરિકા જવાનું વળગણ છે. તેઓ આવા ગ્રાહકોનો સંપર્ક કરે છે અને પછી તેમનો પરિચય મુખ્ય એજન્ટ સાથે કરાવી આપે છે. મુખ્ય એજન્ટ ગ્રાહકના પાસપોર્ટ, વિઝા, ટિકિટ વગેરેની વ્યવસ્થા કરી આપે છે અને અહીંથી રવાના કરે છે. બીજો એક એજન્ટ કેનેડામાં હોય છે જેને ક્રોસિંગ કરાવનાર એજન્ટ કહે છે. આમ લગભગ ૭-૮ જણાંની ટોળકી આમાં સંડોવાયેલી હોય છે. આમાં અમેરિકામાં તેમનો એક લીગલ એજન્ટ પણ હોય છે. એક વાર અમેરિકા પહોંચી ગયા પછી કાં તો આ ગેરકાયદે ઘુસેલા લોકો પોતાની ઓળખ છુપાવીને રહે છે અથવા તો સરકારની શરણાગતિ સ્વીકારી રેફ્યુજી પાસપોર્ટ-વિઝાથી અમેરિકામાં વસવાટ કરી લે છે. ડીસીપી ચૈતન્ય માંડલિકના જણાવ્યા પ્રમાણે યોગેશ પટેલ વ્યક્તિદીઠ ૬૫ લાખ રૂપિયા લેતો હતો પણ જો ચાર જણનો એક પરિવાર હોય તો તેને ડિસકાઉન્ટ આપી દોઢેક કરોડમાં અમેરિકા પહોંચાડવાનું કામ કરતો હતો. ડિંગુચા પરિવાર પાસેથી તેણે ચોક્કસ કેટલી રકમ લીધી હતી એની અમે તપાસ કરી રહ્યા છીએ. આ કિસ્સામાં અન્ય બે એજન્ટ ફેનિલ અને બિટ્ટુ પાજી પણ હતા, પણ પોલીસની પકડમાં હજુ સુધી આવ્યા નથી.
આ પૂર્વે લગભગ એક મહિના અગાઉ ગાંધીનગર જિલ્લાના કાલોલ ખાતેના વતની બ્રિજકુમાર યાદવનું પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવા જતા દીવાલ કૂદાવતી વખતે મૃત્યુ થયું હતું. તેમની સાથે એ વખતે તેમની પત્ની પૂજા તેમનો ત્રણ વર્ષનો દીકરો તન્મય પણ હતો. બ્રિજકુમાર યાદવની પત્નીએ ફોન કરીને કલોલ ખાતે પરિવારને બ્રિજકુમારના મૃત્યુની જાણકારી આપી અને ફોન ડિસકનેક્ટ કરી દીધો હતો ત્યાર બાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી એવું બ્રિજકુમારના પરિવારના સભ્યોનું કહેવું છે.
પાંચ પેઢીથી કલોલમાં વસેલો યાદવ પરિવાર કંઈ બહુ ગરીબ તો નહોતો જ. ત્રણ બેડરૂમના ઘરમાં બે ભાઈઓનો પરિવાર રહેતો હતો અને બ્રિજકુમાર પોતે એક ખાનગી કંપનીમાં અકાઉન્ટન્ટ તરીકે અને તેની પત્ની પૂજા ખાનગી શાળામાં શિક્ષિકા
તરીકે ૨૦ હજાર રૂપિયા કમાતી હતી. તેમ છતાં અમેરિકાનું વળગણ તેમને ગેરકાયદે તે ડોલરિયા દેશમાં પ્રવેશવા માટે લઈ ગયું હતું.
જીવ જોખમમાં મૂકીને અમેરિકામાં પહોંચવાની ઘેલછા કંઈ જગદીશ પટેલ કે બ્રિજકુમાર યાદવને જ નહોતી. ગુજરાતના દરેક ગામમાંથી આવી ઘેલછા ધરાવનારાઓ મળી આવે છે. ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મેક્સિકો માર્ગે ગેરકાયદે અમેરિકા પ્રવેશવા માટેના રીતસર કેમ્પ ચાલે છે. આ પ્રકારના કેમ્પ અંતરિયાળ પ્રદેશમાં કે અમુક ફાર્મ હાઉસમાં ચાલે છે જ્યાં અમેરિકા જવા માગતા આવા ‘કબૂતરો’ (આ રીતે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસાડવાની પ્રવૃતિને કબૂતરબાજી કહે છે.)ને ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ટ્રેનિંગમાં સામાન ઉંચકીને દોડવાની અને દીવાલ કૂદાવવાની ટ્રેનિંગ પણ અપાય છે. જોકે ડીસીપી ક્રાઈમ ચૈતન્ય માંડલિક કહે છે કે ‘ડિંગુચા ગામના આ પરિવારને આવી કોઈ તાલીમ મળી નહોતી. હકીકતમાં તેમને તો એવી જાણ પણ નહોતી કરવામાં આવી કે તેમણે માઇનસ પાંત્રીસ ડિગ્રીની કડકડતી ઠંડીમાં બરફ વચ્ચેથી ચાલવું પડશે.’
મેક્સિકો તરફથી અમેરિકામાં ઘૂસવા માટેના આ માર્ગને ‘ડોન્કી રૂટ’ કહે છે અને ગેરકાયદે ઘુસનારાઓ મોટા ભાગે આ રૂટનો જ ઉપયોગ કરે છે. ડીસીપી ક્રાઇમ ચૈતન્ય માંડલિક કહે છે કે ‘કેનેડા તરફથી જ્યારે તેમને અમેરિકામાં ઘૂસવા માટે મોકલવામાં આવે છે ત્યારે તેમના ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવેલું હોય છે જેમાં લોકેશન નાખ્યું હોય છે અને એના આધારે ચાલવાનું હોય છે. આ એજન્ટો એવા સ્થાનનું લોકેશન નાખે છે જ્યાં એક તરફ સીડી અને બીજી તરફ રેતીના ઢગલાઓ છે.’
ડિંગુચા ગામના પટેલ પરિવારની સાથે ગયેલા બાકીના સાત જણાનું શું થયું ? એવા સવાલના જવાબમાં આ પોલીસ અધિકારી કહે છે કે તેમાંની એક પ્રિયંકા ચૌધરી નામની છોકરીનો હાથ થીજી ગયો હતો અને તેને તકલીફ રહી ગઈ છે બાકીના બધા પહોંચી ગયા હતા. આ રીતે ગેરકાયદે ઘૂસેલા લોકોને ડિપોર્ટ કરવા કે રેફ્યુજી પાસપોર્ટ પર રાખી લેવા એનો નિર્ણય ત્યાંની સરકાર જ કરે છે. ડીસીપી માંડલિકના કહેવા પ્રમાણે બાકીના સાત જણાં ત્યાં વસી ગયા છે. ડિંગુચા ગામના પટેલ પરિવારના સભ્યોને અંદાજ જ નહોતો કે તેમણે આવી ઠંડીમાં અગિયાર કલાક ચાલવું પડશે અને તેમની પાસે તો એવા ગરમ કપડાંની પણ વ્યવસ્થા નહોતી એટલે જ તેમનું મૃત્યુ થયું હતું.
યોગેશ પટેલ અને ભાવેશ પટેલ જેવા અસંખ્ય એજન્ટો હજુ પણ ગુજરાતમાં કાર્યરત છે. જાણકારો કહે છે કે ડિંગુચાના પટેલ પરિવારની ઘટના પછી તેમણે પોતાના ભાવ પણ વધારી નાખ્યા છે. જ્યાં સુધી અમેરિકા નામના કહેવાતા ‘સ્વર્ગ’માં વસવાટ કરવાનું લોભામણું સપનું લોકોની આંખોમાં છે ત્યાં સુધી યોગેશ, ભાવેશ પટેલો કે દશરથ ચૌધરીઓ, ફેનિલ અને બિટ્ટુ પાજીઓ જેવા ધૂતારાઓ કરોડો કમાતા જ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -