ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી
સવારનો અગિયાર થી બાર – સાડાબારનો સમય એટલે ઘરમાં મોક્ષાની અંગત સ્વતંત્રતાનો સમય. લગભગ એકાદ વાગ્યે ક્લાસમાં જવા નીકળે એ પહેલા જયારે ઘરમાં કોઈજ ના હોય એ સમય એનો ફેવરીટ હતો. માત્ર એ પોતે અને સાથે એનું ઘર. સંગીતની શોખીન એવી મોક્ષા આખો દિવસ રૂમમાં ભરાય રહેતી, પરંતુ આ દોઢ કલાક તેનો પોતાનો જેમાં તેણી ઊંચા અવાજે ગીતો સાંભળે, સાથે સાથે ગાવા પણ લાગે, ક્યારેક ફોનમાં વાતો કરે અને કોઈ રોકટોક પણ ના કરે એવા આ સમય દરમિયાન. આજે પણ મમ્મી સોંપીને ગઈ હતી એ રસોડાની જવાબદારીઓમાં વ્યસ્ત અને રેડિયોની ટયુનમાં મસ્ત મોક્ષા એની કહેવાતી અંગત સ્વતંત્રતાને માણી રહી હતી. અચાનક એના કાન પર જોરશોરથી એકધારા વાગતાં ગીતો અને જાહેરાતના અવાજો વચ્ચે એક મીઠડો રણકાર રેલાયો. રેડિયો પર એની ખૂબ ગમતી પોતાના જેવી જ લાગતી યંગ, ચુલબુલી, એનર્જેટીક આર.જે. પાછલા થોડા દિવસોની પોતાની ગેરહાજરીનું કારણ વર્ણવી રહી હતી. દૌડી – દૌડી , ભાગી – ભાગી સી એવી જિંદગીની રોજબરોજની ઘટમાળ માંથી થોડો વિરામ લઇ કેવી રીતે સાવ એકલા જ સફર પર એ પોતે નીકળેલી તેની ખૂબ રસપ્રદ વાતો અને અનુભવોની શરૂઆત કરવા એ જઈ રહી હતી એવું કઈક હેન્ડ બ્લેન્ડની ઘરરરાટી વચ્ચે એના કાન પર અથડાયું. અત્યાર સુધી બેધ્યાનપણે સાંભળતા એના કાન અચાનક સરવા થયા. એણે તુરંતજ બ્લેન્ડરની સ્વિચ બંધ કરી અને શાકનો વઘાર મુકતા હાઈ પીચ પર સડસડાટ એકીશ્ર્વાસે બોલતા અવાજ પર ધ્યાન કેન્દ્રિત કર્યું ત્યાં સુધીમાં વાતોના પ્રવાહને બ્રેક લાગી ચુકી હતી. છેલ્લો શબ્દ જે ધમ્મ કરતો કાન સાથે સીધો મગજ પર પણ અથડાયો એ હતો સોલો ટ્રીપ. એને આ શબ્દ હમણાથી છાશવારે કાને અથડાતો અને આંખ નીચેથી પસાર થતો ક્યારેક વાંચ્યું હોય તો કોઈ સાથે વાત થઇ હોય અને મોટાભાગે ઈન્સ્ટાગ્રામ જેવી સોશ્યલ મીડિયા એપ પર સોલો ટ્રીપના અઢળક વીડિયોઝ ઠલવાતા રહેતા એ અચાનક યાદ આવી ગયું, મારે પણ જવું છે પણ મને ઘરમાં કોઈ મોટી સમજે છે જ ક્યાં તે એકલી જવા દે. સતત બંધાયને હવે કંટાળો આવી ગયો છે, એકવાર મમ્મી-પપ્પાને પૂછવાનો જુગાડ તો કરી જ લેવો જોઈએ એવા વિચારોની તંદ્રા અચાનક ડોરબેલ વાગતા તૂટી. કોણ આવ્યું હશે અત્યારે? દરવાજો ખોલતાંજ સામાન્ય રીતે બપોર પહેલા ઘરે નજરે ના પડતી એની શાળામાં શિક્ષિકા એવી મમ્મી આજે થોડી વહેલી ઘેર આવી ગયેલી. રેડિયો પર ચાલતી સોલો ટ્રીપની વાત એના કાને પણ પડી હતી અને એટલે એણે તુરંતજ કહ્યું, અરે, હમણાથી તો મારા ક્લાસમાં પણ આની ખૂબ વાતો થઈ હતી ને સ્ટાફરૂમમાં ચર્ચાઓએ જબરદસ્ત જોર પકડેલું. આ સોલો ટ્રીપે તો મોકાણ માંડી છે , “મોક્ષા આ સોલો ટ્રીપ એ ખરેખર છે શું? રસોડામાં પહોંચી તેની મમ્મીએ સામેથી જ પૂછી લીધું.
સોલો ટ્રિપ – એકલા પ્રવાસ કે સ્વ સાથે સફર કરવાની ઘટનાને અંગ્રેજીમાં સોલો ટ્રિપ તરીકે ઓળખવામાં આવે છે. એકલા જ કોઈ જગ્યાએ થોડા દિવસો માટે જવું, પોતાની કાળજી જાતે જ લેવી, જાતેજ નિર્ણયો લેવા, સારા નરસા અનુભવોથી શીખવું, દરેક પરિસ્થિતિમાં પોતાનું ધ્યાન રાખવાની જવાબદારી પોતાના જ શિરે લેવાની થવી. આ બધું જ એકલા સફર કરતી વ્યક્તિઓ માટે અનિવાર્ય છે. આવું જાણ્યા પછી એના મનમાં પહેલો સવાલ એ આવ્યો કે એકલું તે જવાતું હશે? આજના યુગમાં યુવતીઓ કે યુવા સ્ત્રીઓ માટે એકલા ફરવા જવું એ અસુરક્ષા અને ભયનું પર્યાયવાચી છે.
બીજું બધુંજ પછી આવે પણ એક સ્ત્રી માટે સુરક્ષિત રહેવું એ પાયાની જરૂરિયાત હોય છે. માત્ર સ્ત્રીજ શું કામ કોઈપણ વ્યક્તિ માટે સુરક્ષાથી વિશેષ ભાગ્યેજ કઈ બીજું પ્રાથમિકતા ધરાવતું હોય છે. ખાસ કરીને જયારે એ પોતાના સગવડતાભર્યા, જાણીતા વાતાવરણમાંથી બહાર નીકળી કોઈ નવી જગ્યા કે નવી દિશા તરફ પ્રયાણ કરે છે ત્યારે.
સ્ત્રીઓ માટે સમાજ સુરક્ષિત નથી એવું માનવું એ પણ ખોટું તો નથી જ છતાં એવું પણ બિલકુલ નથી કે દરેક સ્થળ સમય અને સહવાસ અસુરક્ષિત જ હોય, પરંતુ આપણે ડરના માર્યા નાનપણથી જ દીકરીને અસુરક્ષાનું કવચ પહેરાવી દેતા હોય છે. ભૂલેચૂકે પણ ક્યાય એકલી રમવા જતી રહે તો એના પર ગુસ્સે થઇ જઈએ છીએ. સતત કોઈ સાથે ને સાથે હોવું જરૂરી છે એ માનસિકતા અજાણપણે સ્ત્રીઓમાં આપણે ઉગાડી દેતા હોઈએ છીએ. અને આથીજ એ દીકરી તરુણાવસ્થા પસાર કરીને યુવાનીમાં પ્રવેશે કે ત્યાંથી ચાલીસી સુધી પહોંચે ત્યારે પણ એના મનમાં એક ભય યથાવત રહે છે. હું એકલી ક્યાય ના જઈ શકું. એ હરહંમેશ આસપાસના લોકોને પૂછતી જોવા મળે કે તમે આવશો? મને લઇ જશો? કોઈ સથવારો હોય તો જતી આવું. પણ એકલા તો કેમ જવાય????
દુનિયામાં એકલા જ આવ્યા છીએ અને એકલા જ જવાના છીએ એ ઉક્તિ અનેકવાર અલગ અલગ રીતે આપણને સમજાવવામાં આવતી હોવા છતાં આવી ને જવાની વચ્ચેના સમયમાં એકલા ક્યાય જવું નહીં આવો દ્રઢ નિર્ધાર સ્ત્રી મનમાં કરીને બેઠી હોય છે. ત્યારે હવે દીકરી આજે અમુક દિવસો એકલા પ્રવાસ પર જવાની વાત કરે એવો વિચાર પણ ક્યાંથી આવે?? એકલું એકલુ કોઈ માણસ ક્યાંથી મજા કરી શકે? અને એમાં આનંદ પણ શું આવે? કદાચ કોઈને જવાની ઈચ્છા હોય તો પણ એને હજુ મંજૂરી
આપવી કે નહિ એ પણ નિશ્ર્ચિંત હોતું નથી, પરંતુ યુવાની એનું તો નામ છે ક્યારેય ના વિચાર્યું હોય એ રસ્તા પર જિંદગી જીવવાની મજા જ અલગ હોય છે જેનો અનુભવ મોક્ષાને કરવો જ હતો એ નક્કી કરી લીધેલું. (ક્રમશ:)