સોલાપુરઃ નાશિકની કંપનીમાં ફાટી નીકળેલી આગ બાદ હવે મહારાષ્ટ્રના સોલાપુરના બાર્શીમાં એક ફટાકડાના કારખાનામાં ભીષણ સ્ફોટ થયો હતો, જેમાં ત્રણ જણના મૃત્યુ થયા હોવાની પ્રાથિમક માહિતી મળી રહી છે. મૃતકોનો આંકડો વધી શકે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. બાર્શી તાલુકાના પાંગરી ગામ નજીક આ કારખાનું આવ્યું છે અને કારખાનામાં ફટાકડાં બનાવવાનું કામ ચાલી રહ્યું હતું એ જ સમયે ભીષણ સ્ફોટ થયો હતો.
ચાર એકરમાં ફેલાયેલા આ કારખાનામાં ચાલીસ લોકો કામ કરી રહ્યા હતા. આ સ્ફોટમાં 9 જણના મૃત્યુ થયા હતા અને પાંચ જણને ઈજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે. સમયસર સારવાર ના મળતાં લોકો મૃત્યુ પામ્યા હોવાનો આક્ષેપ ગામવાસીઓ દ્વારા કરાઈ રહ્યો છે. મૃતકોના આંકડા અંગે શાસન દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
મદદ કરવા આવી પહોંચેલા એક ગામવાસીએ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્ફોટનો અવાજ સાંભળીને અમે મદદ માટે દોડી આવ્યા. શેરડીના ખેતરમાં બે મહિલાઓના મૃતદેહ ઊડીને પડ્યા હતા, તો કેટલાક લોકો તરફડી રહ્યા હતા. મદદ માટે એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કર્યો. પણ સ્ફોટના એક કલાક સુધી તો 108 એમ્બ્યુલન્સ, પોલીસ કે બીજી કોઈ પણ એમ્બ્યુલન્સ આવી નહોતી.