(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક જોવા મળતાં કોપર સહિતની અન્ય ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના ઓવરનાઈટ નિર્દેશ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે ખાસ કરીને નિકલ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં કોપરની અન્ય વેરાઈટીઓના ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૧૦નો ઘટાડો આવ્યો હતો.
જોકે, તેની સામે આજે માત્ર ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે અને લીડ ઈન્ગોટ્સમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૮ અને રૂ. ૧નો સુધારો જોવા મળ્યો હતો. તેમ જ અન્ય ધાતુઓના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે માત્ર ટીનમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નીકળેલી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮ વધીને રૂ. ૧૯૪૩ના મથાળે રહ્યા હતા, જ્યારે લીડ ઈન્ગોટ્સમાં ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એકના સાધારણ સુધારા સાથે રૂ. ૧૯૫ના મથાળે રહ્યા હતા.
જોકે, વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં કિલોદીઠ ધોરણે નિકલના ભાવ રૂ. ૧૦ ઘટીને રૂ. ૨૧૯૫, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ રૂ. પાંચ ઘટીને રૂ. ૨૧૩, કોપર આર્મિચરના ભાવ રૂ. ૨ ઘટીને રૂ. ૬૪૩ અને કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર વાયરબારના ભાવ રૂ. એકના ઘટાડા સાથે અનુક્રમે રૂ. ૬૬૫, રૂ. ૬૫૫ અને રૂ. ૭૧૩ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ અને ઝિન્ક સ્લેબમાં છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.