નવી દિલ્હી: જાપાનની ટેકનોલોજી ઈન્વેસ્ટર સોફ્ટબેન્ક ગ્રુપ કોર્પે અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડમાં પોતાની બાકીની હિસ્સેદારી વેચવાનો નિર્ણય કર્યો છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સે તેના એક રિપોર્ટમાં આ વાત જાહેર કરી છે. આ રિપોર્ટ પ્રસાર માધ્યમોમાં આવ્યા બાદ ચીનની દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીના હોંગકોંગમાં લિસ્ટેડ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સના એક રિપોર્ટ અનુસાર, જાપાની ટેક ઈન્વેસ્ટરે એવા સમયે વેચાણનો નિર્ણય કર્યો છે કે, જ્યારે ચીનની દિગ્ગજ ટેક કંપનીઓ શેરોમાં રિકવરી દેખાડવાની શરૂ થઈ છે.
લગભગ બે વર્ષ સુધી કડક રેગ્યુલેટરી તપાસ બાદ હવે મોટી કંપનીઓમાં રિકવરી જોવા મળી રહી છે. આ સ્થિતિમાં સોફ્ટબેન્ક જેવા લાંબાગાળાના રોકાણકારોને પોતાનું એક્સપોઝર ઘટાડવાનો અવસર મળ્યો છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ સોફ્ટબેન્કના શેર ગુરૂવારે એક ટકા ઘટીને બંધ રહ્યા હતા. આ રીતે સોફ્ટબેન્કની સૌથી મૂલ્યવાન એસેટમાંથી એક અલીબાબાના શેરમાં હોંગકોંગમાં ૫.૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સ્ટોક લગભગ બે ટકા તૂટ્યા હતા. સોફ્ટબેન્ક અલીબાબામાં પોતાના હિસ્સેદારીને મોનેટાઈઝ કરવાનો રસ્તો શોધી રહી હતી. એ નોંધવું રહ્યું કે, જાપાનના આ દિગ્ગજ ઈન્વેસ્ટરે આશરે બે દાયકા પહેલા માત્ર બે કરોડ ડોલરના રોકાણ સાથે અલીબાબામાં હિસ્સો ખરીદ્યો હતો.