નવી દિલ્હી: ત્રણ સામાજિક સુરક્ષા યોજનાઓ દેશના પછાત સમુદાયોને આર્થિક શોષણ, આર્થિક જોખમો અને આર્થિક અનિશ્ર્ચિતતાઓ સામે રક્ષણ આપનારી હોવાનું નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૫ની ૯ મેએ શરૂ કરવામાં આવેલી જનસુરક્ષાની ત્રણ યોજનાઓ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બિમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બિમા યોજના અને અટલ પેન્શન યોજનાઓ પછાત વર્ગોના નાગરિકોને અત્યંત ઉપયોગી નીવડતી હોવાનું નાણાં પ્રધાને જણાવ્યું હતું.
નાણાકીય અનિશ્ર્ચિતતાઓ અને અચાનક આવી પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને નાગરિકોના કલ્યાણ માટે આઠ વર્ષ પહેલાં ત્રણ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી. અસંગઠિત ક્ષેત્રના લોકોને નાણાકીય દૃષ્ટિએ સુરક્ષિત બનાવવાના હેતુસર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બિમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા બિમા યોજના અમલમાં મૂકવામાં આવી હતી. વૃદ્ધાવસ્થાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અટલ પેન્શન યોજના લાગુ કરવામાં આવી હતી.
ત્રણ જનસુરક્ષા યોજનાઓની ૮મી વર્ષગાંઠ નિમિત્તે નાણાં પ્રધાને જણાવ્યું હતું કે પછાત વર્ગોના લોકોની નાણાકીય ભીંસ અને મુશ્કેલીઓ ઘટાડીને આવશ્યક આર્થિક સેવાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી આ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ત્રણ યોજનાઓ શરૂ કરવામાં આવી ત્યારથી વર્ષ ૨૦૨૩ની ૨૬ એપ્રિલ સુધીમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બિમા યોજનામાં ૧૬.૨ કરોડ, પ્રધાનમંત્રી સુરક્ષા બિમા યોજનામાં ૩૪.૨ કરોડ અને અટલ પેન્શન યોજનામાં ૫.૨ કરોડ એન્રોલમેન્ટ્સ નોંધાયા છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બિમા યોજના હેઠળ ૬.૬૪ કરોડ પરિવારોના ૧૩,૨૯૦ કરોડ રૂપિયાના ક્લેઇમ્સ સેટલ કરાયા છે. પ્રધાનમંત્રી સુરક્ષા બિમા યોજના હેઠળ ૧.૧૫ લાખ પરિવારોના ૨૩૦૨ કરોડ રૂપિયાના ક્લેઇમ્સ સેટલ કરાયા છે. આ યોજનાઓના ક્લેઇમ્સ સેટલમેન્ટની કાર્યવાહી સરળ બનાવાતાં લોકોની અરજીઓનો નિકાલ ઝડપી બન્યો છે. (એજન્સી)