Homeસ્પેશિયલ ફિચર્સસોશિયલ મીડિયા પર કેટલું અને શું પોસ્ટ કરવું?

સોશિયલ મીડિયા પર કેટલું અને શું પોસ્ટ કરવું?

સોશિયલ મીડિયા અત્યારે લગભગ આપણા બધાના જીવનનો એક મહત્ત્વનો અને અવિભાજ્ય અંગ થઈ ગયા હોય એવું લાગે છે, કારણ કે કોઈ પણ નાની મોટી વાત હોય આપણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા વિના રહી શકતાં નથી. તમે ભલે કદાચ સોશિયલ મીડિયા પર એટલા એક્ટિવ ના હોવ પણ તમારા ફ્રેન્ડ લિસ્ટમાં ગણતરીના એવા લોકો તો ચોક્કસ હશે કે જેઓ નાનામાં નાની વાતને પણ ફેસબુક કે ઈન્સ્ટા પર જ્યાં સુધી ના પોસ્ટ કરે ત્યાં સુધી કદાચ તેમને તેમનો સવારનો નાસ્તો પચે નહીં. ફિલિંગ હેપ્પી વિથ ફલાણા ઢમકાં કે પછી ફિલિંગ લોનલી વિથ સોનુ પટેલ અને 59 અધર્સ. અરે ભલા માણસ આટલા બધા લોકો તારી સાથે હોય અને તેમ છતાં તને એકલું લાગે… ગજબ કહેવાય નહીં…? આ બધા વચ્ચે એક સવાલ તો પાછો મનમાં ઉછળ કુદ કરતો જ હોય કે શું આ નાની નાની વાતો ફેસબુક પોસ્ટ કરવાથી ખરેખર કોઈને કંઈ ફેર પડે છે ખરો અને માની લો જો ફેર પડતો હોય તોય આવી પોસ્ટ ફેસબુક પર નાખવાનું કેટલી હદે યોગ્ય છે. દરેક વસ્તુની એક લિમિટ હોય છે અને એટલે જ આપણે વાત કરીશું કે સોશિયલ મીડિયા એપ્લિકેશન પર કેટલી અને કઈ વાતો જાહેર કરવી જોઈઅ અને કેટલી વાતો છાની રાખવી જોઈએ એ વિશે અન એની શરુઆત કરીશું આપણે એક નાનકડી ઘટનાથી.
20 વર્ષની ધરતી અને લગભગ તેની જ ઉંમરનો આકાશ એક સાથે એક કોલેજમાં ભણતા હતા અને તેમનો વીસ-બાવીસ છોકરા છોકરીઓનું એક ગ્રુપ હતું. બે યુવાન હૈયા એકબીજાની નજીક આવવા લાગ્યા અને ધરતી અને આકાશ સત્તાવાર રીતે એકબીજાને ડેટ કરવા લાગ્યા અને ફેસબુક પર તેમનું રિલેશનશિપ સ્ટેટ્સ સિંગલમાંથી ઈન એ રિલેશનશિપ થઈ ગયું. તેમના મિત્રો પણ તેમના આ સંબંધથી ખૂબ જ ખુશ હતા. પછી કોફી ડેટ્સ, મૂવી કે વીકએન્ડમાં લોન્ગડ્રાઈવ પર જતી વખતે ક્લિક કરાયેલી સેલ્ફીઓ પોસ્ટ થવા લાગી અને તેની ઉપર મિત્રોની ઢગલો કમેન્ટ અને લાઈક્સનો વરસાદ વરસવા લાગ્યો. હવે તમને થશે કે આહીં તો બધુ બરાબર ચાલી રહ્યું છે તો તકલીફ ક્યાંથી શરુ થઈ. થોડાક સમય સુધી તો બધુ બરાબર ચાલ્યુ, બધા આનંદમાં હતા. પરંતુ ધીરે ધીરે બાજી બગડવા લાગી અને એક સમય એવો આવ્યો કે બધુ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગયું. સ્ટોરીનો દુઃખદ અંત આવ્યો અને ધરતી અને આકાશ છુટા પડી ગયા. ફેસબુક પર બ્રેક અપની સત્તાવાર જાહેરાત થઈ અને આખુ ગ્રુપ બે ભાગમાં વહેંચાઈ ગયું. એક વર્ગ હતો કે જેને ધરતી સાચી લાગતી હજી તો બીજા વર્ગને આકાશ.
આકાશ અને ધરતીને એકબીજાના વિરોધી પક્ષો તરફથી હેટ મેસેજીસ આવવા લાગ્યા અને તેનું પરિણામ એવું આવ્યું કે ધરતીએ પોતાની જાતને એક કોચલામાં પૂરી દીધી અને તેણે લોકોને હળવા મળવાનું બંધ કર્યું. એક સમય એવો આવી ગયો કે ધરતી ડિપ્રેશનમાં જવા લાગી. ધરતીના માતા-પિતા તેને કાઉન્સેલર પાસે લઈ ગયા અને ધરતીએ ત્યાં કાઉન્સેલરને કહ્યું કે તે તેનું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ ડિલટ કરી નાખો. પણ તેની કાઉન્સેલર તેને એવું કરવાની ના પાડી, કારણ એક રીતે તો આ સમસ્યાનો સામનો કરવાને બદલે તેનાથી દૂર ભાગવાની વાત થઈ. એટલું જ નહીં કાઉન્સેલર ધરતીને કહ્યું કે તમે લોકોએ તમારા રિલેશનિશપ વિશે ગાઈ વગાડીને લોકોને કહ્યું અને વધારે પડતી પર્સનલ વિગતો સોશિયલ મીડિયા પર શેયર કરી તેનું આ પરિણામ છે. એકાઉન્ટ ડિલિટ કરવાને બદલે એવા લોકોને ફ્રેન્ડલિસ્ટમાંથી દૂર કર કે જેઓ તમારા દિલને ઠેસ પહોંચાડે છે એવી સલાહ કાઉન્સેલરે ધરતીને આપી અને ધરતી હવે ધીરે ધીરે સામાન્ય જીવન જીવી રહી છે.
ખેર આ તો એકલા ધરતી અને આકાશની વાત નથી. આવા તો કેટલાય લોકો આપણને આપણી આજુબાજુમાં જ મળી જાય છે. આ કદાચ લાઈક્સ સિંડ્રોમ હોઈ શકે એવું એ પ્રસિદ્ધ સાઈકિયાટ્રીસ્ટ જણાવે છે. તેઓ વધુમાં કહે છે કે લોકોની સ્વીકૃતિ મેળવવાની વૃત્તિ આપણા બધામાં ઓછા વધુ પ્રમાણમાં હોય જ છે. સોશિયલમીડિયાની આભાસી દુનિયા આ વૃત્તિને પાળી પોષીને વધારે પંપાળે છે. ધીરે ધીરે આપણને તેની આદત લાગી જાય છે અને જ્યારે આપણને જોઈતો પ્રતિસાદ લોકો પાસેથી ના મળે તો આપણે બેચેન થઈ જઈએ છીએ.
આવા સમયે શું કરવું જોઈએ એવું પૂછતાં જ તેઓ જણાવે છે કે આની કોઈ ખાસ કે અલગ દવા નથી. આની દવા આપણી પાસે જ છે. જ્યારે આવી બેચેની થાય તો પોતાની જાતને કહો કે બધુ બરાબર છે અને કોઈ જ સમસ્યા નથી. પહેલાં આપણે આપણા મિત્રો સાથે ફોન પર વાત કરી લેતાં હતા પણ હવે સોશિયલ મીડિયા આવી જતાં ફોલ કોલ્સ ઓછા થયા અને પોસ્ટ અને કમેન્ટસમાં જ વાતો થવા લાગી. એટલે આ સમસ્યાથી જો છુટકારો મેળવવો હશે તો આપણે સૌથી પહેલાં વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી બહાર આવીને વાસ્તવિકતાની દુનિયામાં આવવું પડશે અને લોકો સાથે કનેક્ટ થવું પડશે. શક્ય હોય ત્યાં સુધી ફેસબુક પર દરેક નાનામાં નાની વાતની જાહેરાત કરવાનું બંધ કરો અને તેને બદલે તે પળોનો હકીકતમાં આનંદ માણવાનું શરું કરો. જે દિવસથી તમે આ આભાસી દુનિયામાંથી બહાર આવીને હકીકતની દુનિયામાં જીવવાનું શરું કરશો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને જરા પણ સ્પર્શી સુધ્ધાં નહીં શકે અને કોઈના ગમે એવા રિએક્શન તમને જરા પણ બેચેન નહીં કરી શકે.
હવે જ્યારે ફેસબુક પર કંઈ પણ પોસ્ટ કરતાં પહેલાં તેના ભવિષ્યમાં આવનારા પરિણામો વિશે વિચારીને જ આગળ વધજો તો ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -