Homeઉત્સવતો તમે શું કરશો, ભીડમાં ઓગળી જશો?

તો તમે શું કરશો, ભીડમાં ઓગળી જશો?

પ્રાસંગિક -ડૉ. ધર્મેશ ભટ્ટ

કેટલાક દાયકા પૂર્વે લંડનના પોલીસ કમિશનર સર ડેવિડ મેક્ધબી કૅનેડાના વિવિધ પ્રાંતોના મુખ્ય પોલીસ અમલદારોની સભાને સંબોધતા હતા. તેમણે બ્રિટિશ પોલીસ દળોમાં પ્રચલિત રમૂજની વાત કરી. એ રમૂજ પોલીસ દળની પ્રવેશ પરીક્ષામાં પૂછાતા પ્રશ્ર્નના રૂપમાં છે. એ પ્રશ્ર્ન કે કોયડો આ રીતે છે-
‘તમે પેટ્રોલિંગ પર નીકળ્યા છો અને એ વખતે શેરીમાં મોટો ધડાકો સંભળાય છે. તમે ત્યાં પહોંચો છો. તપાસ કરતાં રોડ પર મોટો ખાડો અને બાજુમાં ઊંધી વળી ગયેલી કાર જુઓ છો. કારની અંદરથી આલ્કોહોલની તીવ્ર દુર્ગંધ આવે છે. અંદર એક સ્ત્રી અને એક પુરુષ જખમી હાલતમાં છે. તમે જાણો છો કે કાર હંકારનારો લાઇસન્સ વગરનો ડ્રાઈવર છે અ‘ે તેની જોડીદાર તમારા ઉપરી ઈન્સ્પેક્ટરની પત્ની છે. વળી એક મોટરિસ્ટ તમને મદદ કરવા માટે વાહન ઊભું રાખે છે. તેનો ચહેરો જોતાં જ તમે ઓળખી જાઓ છો કે એ સશસ્ત્ર લૂંટના કેસમાં વૉન્ટેડ ગુનેગાર છે. અચાનક સામેના ઘરમાંથી એક માણસ દોડતો, બૂમો પાડતો આવે છે. એ કહે છે કે મારી પત્ની ગર્ભવતી છે. તેને બાળક જન્મવાની વાર હતી, પરંતુ આ ધડાકો સાંભળીને તેને વેણ ઊપડી છે. બીજે ક્યાંકથી પણ મદદ માટે હાક સંભળાઈ રહી છે. એ અકસ્માતના ધડાકાને લીધે બાજુની નહેરમાં ફેંકાઈ ગયેલા માણસની હાક છે. એ માણસને તરતાં આવડતું નથી, તેથી એ મદદ માટે બૂમો પાડી રહ્યો છે. આ સંજોગોમાં તમે શું કરશો? થોડા શબ્દોમાં વર્ણન કરો.’
આવા પ્રશ્ર્નના ઉત્તરમાં એક યુવા‘ પોલીસ ઑફિસરે શું કહ્યું એ ડેવિડ મેક્ધબીએ જ કહ્યું. ‘એ જુવાન પોલીસમેને પેન ઉપાડીને એટલું જ લખ્યું કે આ સંજોગોમાં હું ગણવેશ ઉતારીને ભીડમાં ઓગળી જાઉં.’
આ કિસ્સાને રમૂજ કે બ્રિટિશ ચતુરાઈમાં ગણીએ તોયે સંજોગો તરફનો એક અભિગમ જરૂર ગણાય. કેવા સંજોગોમાં કેવો અભિગમ હોવો જોઇએ, એ વિશે અનેક વિચારકો, તત્ત્વચિંતકો એ મહાન વહીવટકર્તાઓ ઘણી વાતો કહી ગયા છે. ઉપરોક્ત વાતમાં તેને બ્રિટિશ અભિગમ લેખવાની ભૂલ તો ન કરાય, પરંતુ આવા સંજોગો સામે ઝઝૂમવાની બાબતમાં સ્વિટ્ઝર્લેન્ડ કે જર્મનીનો શ્રેષ્ઠતાવાચક કે અહમ્ કેન્દ્રી અભિગમ નોખો તરી આવે એવું બની શકે. રણ પ્રદેશ અને વેરાન ભૂમિને આબાદ કરનારા ઇઝરાયલ અને દુબઈની સાફલ્ય કથાઓ અને વ્યથાકથાઓનો અભિગમ વિશિષ્ટ હોય અને જુદા પ્રકારની મુઠ્ઠી ઊંચેરી ક્ષમતા ધરાવતા જાપાનીઓનો પ્રતિભાવ જુદો હોય. જાપાને ૧૯૬૦ના દાયકાની શરૂઆતનાં વર્ષોમાં ઘરઆંગણે પોલાદનું ઉત્પાદન શરૂ કરવાનું નક્કી કર્યું. પોલાદના ઉત્પાદનની બે મુખ્ય જરૂરિયાતો લોખંડ અને કોલસો. જાપાન પાસે એ બન્નેમાંથી કંઈ નહોતું, પરંતુ એ બે ચીજોની આયાત ક્યાંથી કરવી અને વેચાણ ક્યાં કરવું તેની તેમને ખબર હતી, તેથી દાયકાના અંત સુધીમાં જાપાન વિશ્ર્વમાં સૌથી વધુ પ્રમાણમાં પોલાદની નિકાસ કરતો દેશ બની ગયો હતો. બીજી બાજુ બ્રિટને પોતાની ભૂમિ પર કાચા માલની ઉપલબ્ધિ વગર અને વિશેષ ઉત્પાદન પ્રવૃત્તિ વગર પાઉન્ડને ડૉલર સામે મજબૂત બનાવ્યો અને વિશ્ર્વના અનેક દેશો પર રાજ કર્યું. જોકે બન્ને દેશોના પ્રજાકીય સ્વભાવ- ટેમ્પરામેન્ટ અને અભિગમમાં ખાસ્સો તફાવત. કુદરતે બ્રિટનને થેમ્સ નદીનો ખળખળતો પ્રવાહ અને ઠંડું કુદરતી વાતાવરણ આપ્યાં અને જાપાનને વારંવાર ભૂકંપનો અભિશાપ અને પાછલી સદીના પૂર્વાર્ધમાં વિશ્ર્વયુદ્ધમાં અણુબૉમ્બના અનુભવ આપ્યા.
સંજોગોના મુકાબલા, સંજોગોના સદુપયોગ, અવસરનું ઔચિત્ય અને ઉપલબ્ધ સાધનોના શ્રેષ્ઠ ઉપયોગ જેવાં બહુમુખી કૌવતો એ દેશોના પ્રજાકીય સ્તરે તેમ જ નેતૃત્વના સ્તરે જોવા મળે. ભારતીયો જે વસતીવધારાને મુશ્કેલી કે શાપ તરીકે જુએ છે, તેમાં ચીન જેવા દેશો ‘ચીપ લેબર’ શોધીને આઉટસૉર્સિંગના વ્યવસાયનો વ્યાપ વધારે છે. વળી એ જ વસતીમાં પોતાના દેશની સારી-નકામી ઊપજોનું બજાર પણ તેઓ વિકસાવી લે છે.
સમય, સ્પેસ કે પૈસાનું ન હોવું એ સમસ્યા નથી. નિષ્ઠા, સમર્પણ, ત્યાગ અને શિસ્ત જેવા ગુણો અનિવાર્ય છે. અબ્રાહમ લિંકન નગરપાલિકાથી વિધાનસભા અને સંસદ સુધીની અનેક ચૂંટણીઓ હાર્યા, પરંતુ છેવટે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી જીત્યા. દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરોધી ચળવળ અને ભારતમાં અંગ્રેજો વિરોધી આંદોલન વેળા ગાંધીજી પાસે શા સાધન-સરંજામ હતાં! કયા રિસોર્સીસ હતા! ધીરુભાઈ અંબાણી કે જમશેદજી ટાટા મૂડીના કોથળા લઈને વેપલો માંડવા નહોતા નીકળ્યા. ટાગોરે જ્યારે શાંતિનિકેતનની સ્થાપના કરી ત્યાર પછી ઘણાં વર્ષો સુધી એ સંસ્થાને ઓછા બૅન્ક બૅલેન્સની મુશ્કેલી પડતી હતી. તેથી તેઓ શાંતિનિકેતનના નિભાવ માટે અવારનવાર મળતાં અનુદાનો પર આધાર રાખતા હતા. સ્ટીવ જોબ્સે ફક્ત સાઇકલ પર પ્રવાસ કરીને, હિપ્પીઓ સાથે રખડીને, સ્વામિનારાયણ મંદિરનું ભાણું જમીને દિવસો પસાર કર્યા ત્યારે તેમને ખ્યાલ નહોતો કે એપલ અને આઇપૉડ્સ કેટલા કરોડ ડૉલરના સાહસો બનશે! સ્ટીવને તો તેણે પોતે ઘડેલા એપલથીયે દૂર કરી નખાયો હતો. તેમ છતાં એ ફરી મુખ્ય પ્રવાહમાં આવ્યો. રિસોર્સીસ ક્યાંય બહાર નહીં, પોતાની ભીતર હોય છે. વ્યક્તિ પોતે જ ઊર્જાસભર સંસાધન છે. સ્ટીવ જોબ્સે એક વખત કહ્યું હતું કે ‘ઢજ્ઞી ફયિ ુજ્ઞીિ જ્ઞૂક્ષ યિતજ્ઞીભિય ફક્ષમ જ્ઞક્ષહુ ુજ્ઞી સક્ષજ્ઞૂ વજ્ઞૂ જ્ઞિં ળફક્ષફલય શિં જ્ઞિં લયિં વિંય બયતિ.ં’
અલ્લામા ઈકબાલનો ખૂબ જાણીતો શૅર યાદ આવે છે-
‘ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે
ખુદા બંદે સે ખુદ પૂછે, બતા તેરી રઝા ક્યા હૈ’

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -